ડીજીપી વિકાસ સહાયે પોલીસને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા કડક આદેશ કર્યો
વાહનચાલકોને કાયદો સમજાવતી પોલીસ દ્વારા જ કાયદાનો ભંગ
પોલીસ જ ટ્રાફિકના નિયમોને નેવે મુકતા હોવાથી ડીજીપી નારાજ થયા તાત્કાલિક અસરથી અમલ કરવા પોલીસ સ્ટાફ માટે ગાઇડલાઇન જાહેર કરી
અમદાવાદ,શુક્રવાર
ગુજરાતના તમામ શહેરોમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે વાહનચાલકો પર રોફ જમાવતા પોલીસ સ્ટાફ જ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોવાથી નારાજ ડીજીપી વિકાસ સહાયે ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને તમામ સ્ટાફને ટ્રાફિકના નિયમનું પાલન કરવા માટેની ગાઇડલાઇન સાથેનો પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પોલીસે પ્રથમ પોતે પણ નિયમોનું પાલન કરવું અને જો તે એવુ ન કરે તો પોલીસને પણ સામાન્ય વાહનચાલકની માફક કાર્યવાહી કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને સુચના આપી છે. ડીજીપી વિકાસ સહાયે ટ્રાફિકના નિયમોના અનુસંધાને મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે પોલીસનું કામ સામાન્ય નાગરિકોને ટુ વ્હીલર ચલાવતા સમયે હેલમેટ પહેરે,સીટ બેલ્ટ પહેરે,ત્રણ સવારી ન જવું, રોંગ સાઇડમાં ન જવું જેવા નિયમોનું પાલન કરાવવાનું છે. જો કે અનેક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પોલીસના ડ્રેસમાં હોય તો પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. જેના કારણે પોલીસની છબી ખરડાઇ છે. જેથી આ અંગે પોલીસ સ્ટાફ માટે વિવિધ ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પોલીસને યુનિફોર્મ હોય ત્યારે ત્રણ સવારીમાં ન જવુ અને હેલમેટ પહેરવુ જરૂરી છે. ખાસ કરી પોલીસની સરકારી ગાડીના ચાલકો સીટ બેલ્ટ નથી પહેરતા. જેથી તેમને સીટ બેલ્ટ ફરજિયાત બાંધવો અને કારમાં બ્લેક ફિલ્મ ન લગાવવી, નંબર પ્લેટ પર પોલીસ કે રાષ્ટ્રીય ચિન્હો ન લગાવવા માટે તાકીદ કરી છે. સાથેસાથે પોલીસ સ્ટેશન, પોલીસ કમિશનરની કચેરી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની કચેરીમાં આવતા સ્ટાફ દ્વારા ટ્રાફિકના નિયમોનું ભંગ થાય તો કાર્યવાહી કરવી, પોલીસને ટ્રાફિક નિયમન સમયે બોડી રીફ્લેક્ટર લગાવવા માટે પણ સુચના આપી છે. આમ, પોલીસને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ખુદ ડીજીપીએ આકરૂ વલણ રાખીને પરિપત્ર જાહેર કર્યો છે.