દુબઇથી રોમાનિયાની ફ્લાઇટમાં ગયેલા તમામ પેસેન્જરોની યાદી મંગાવાઇ
ફ્લાઇટમાં ગેરકાયદેસર અમેરિકા જતા ભારતીયોની અટકાયતનો મામલો
અગાઉ પણ પાંચ જેટલી ચાર્ટડ ફ્લાઇટમાં ૧૨૦૦થી વધુ ભારતીયો અમેરિકા ગયાઃ મહેસાણાના નામચીન એજન્ટના સાગરિતો ભૂગર્ભમાં જતા રહ્યા
અમદાવાદ, રવિવાર
ફ્રાન્સના પેરિસ પાસે
આવેલા વેટ્રી એરપોર્ટ પર ફ્યુઅલિંગ માટે લેન્ડ થયેલા વિમાનમાં મુસાફરી કરતા ૩૦૦ જેટલા
ભારતીય મુસાફરો ગેરકાયદેસર રીતે અમેરિકા જતા હોવાનો ખુલાસો થયા બાદ ભારતીય ઇમીગ્રેશન
વિભાગ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. જેમાં રોમાનિયાની લિજેન્ડ એરલાઇનના વિમાનમાં અગાઉ પણ દુબઇથી પાંચ વાર ભારતીયોનો લઇને ફ્લાઇટ વેટ્રી એરપોર્ટ પર ફ્લુઅલીંગ માટે આવી
હતી. જે માહિતીને આધારે ભારતીય એમ્બેસીએ એરલાઇન કંપની પાસે ભાડાના ફ્લાઇટમાં અગાઉ ગયેલા
તમામ ભારતીય મુસાફરોની યાદી મંગાવી છે. સાથેસાથે વિવિધ રાજ્યોની સ્થાનિક પોલીસને આ
સમગ્ર મામલે તપાસ માટે તૈયાર રહેવા માટે તાકીદ કરી છે. જ્યારે આ સમગ્ર કેસ બહાર આવતા
અનેક મહેસાણાના કિરણ પટેલ સાથે સંકળાયેલા અનેક એજન્ટો રાતોરાત ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
ફ્રાન્સના પેરિસથી નજીક વેટ્રી એરપોર્ટ પર શુક્રવારે ૩૦૦થી વઘુ ભારતીયોને લઇને જઇ રહેલું રોમાનિયાનું લિજેન્ડ એરલાઇનનું વિમાન ફ્યુઅલિંગ માટે લેન્ડ થયું હતું. જે દુબઇથી સેન્ટ્લ અમેરિકા પાસે આવેલા નિકારાગુઆ દેશના એરપોર્ટ પર જઇ રહ્યું હતું. આ રૂટ ગેરકાયદેસર ઘુષણખોરી માટે જાણીતો હોવાથી ફ્રાન્સના ઇમીગ્રેશન વિભાગ તાત્કાલિક વિમાનને કબ્જે કરીને ૩૦૦ ભારતીય મુસાફરોની એરપોર્ટ પર ગ્રાઉન્ડ કર્યા હતા. જેમા બાળકો અને યુવાનો મોટી સંખ્યામાં હતા. જેમાં ૯૬ જેટલા ગુજરાતીઓ છે. આ ગુજરાતીઓમાં મોટાભાગના પટેલ, ચૌધરી અને રાજપુત સમાજના હતા અને તે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગરના કલોલના રહેવાસી હોવાનું ખુલ્યું હતું. એટલું જ નહી તપાસ કરતા એવી પણ વિગતો ખુલી હતી કે અગાઉ પાંચ વાર આ રૂટથી ભારતીય પેસેન્જરો નિકારાગુઆ ગયા હતા. આમ, ૧૨૦૦થી વધુ ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકા ગયાની હોવાની શક્યતાને પગલે અત્યાર સુધીનું સૌથી મોટુ કબુતરબાજીનું કૌભાંડ બહાર આવી શકે તેમ હોવાથી ભારતીય ઇમીગ્રેશન વિભાગ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ ઇમીગ્રેશન માફિયા શશી રેડ્ડી દ્વારા દુબઇથી નિકારાગુઆ થઇને અમેરિકા ગયેલા તમામ ભારતીયોની યાદી રોમાનીયાની લિજેન્ડ એરલાઇન પાસે મંગાવી છે. જે યાદી મળ્યા બાદ તેને રાજ્ય પ્રમાણે અલગ તારવીને જે તે રાજ્યની પોલીસને આ મામલે તપાસ કરવા માટે સુચના આપવામાં આવશે. તો બીજી તરફ સ્ટેટ ઇન્ટેલીજન્સ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં ૯૬ જેટલા ગુજરાતીઓ ઉત્તર ગુજરાતના કુખ્યાત ઇમીગ્રેશન એજન્ટ કિરણ પટેલ અને તેના સાગરિતોની મદદથી ગયા હોવાનું પણ બહાર આવ્યું છે. જેના પગલે ઉત્તર ગુજરાતના મોટાભાગના એજન્ટ અંડર ગ્રાઉન્ડ થઇ ગયા છે.