Get The App

૨૫ પિસ્તોલ-૭૦ કારતૂસ સાથે છ આરોપીઓની એટીએસ દ્વારા ધરપકડ

ગુજરાતમાં હથિયાર સપ્લાયના કૌભાંડનો પર્દાફાશ

મધ્યપ્રદેશના જાંબુઆથી હથિયાર લાવીને અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં વેચાણ આપ્યા હતા

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
૨૫ પિસ્તોલ-૭૦ કારતૂસ સાથે છ આરોપીઓની એટીએસ દ્વારા ધરપકડ 1 - image

અમદાવાદ,શુક્રવાર

ગુજરાત એટીએસના અધિકારીઓએ મધ્યપ્રદેશથી હથિયારો લાવીને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ કરીને છ આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા ૨૫ પિસ્તોલ અને ૭૦ જેટલા જીવતા કારતુસનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં હથિયારના અનેક ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. ગુજરાત એટીએસના અધિકારીઓએ બાતમી મળી હતી કે  મધ્યપ્રદેશના જાબુંઆમાં રહેતો શિવમ ઉર્ફે શીવા ડામોર નારોલ થઇને ચોટીલાના એક વ્યક્તિને હથિયાર વેચાણ આપવાનો છે. જે બાતમીને આધારે પોલીસે શિવમ અને અન્ય એક વ્યક્તિનેઝડપીને તપાસ કરતા તેની પાસેથી પાંચ પિસ્તોલ અને ૨૦ કારતુસ મળી આવી હતી. વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે  તે છેલ્લાં એક વર્ષથી જાબુંઆથી ખાનગી લક્ઝરી બસમાં જામ ખંભાળિયા નિયમિત રીતે અવરજવર કરતો હતો. જ્યાંથી તેણે હથિયાર વેચાણ માટેનું નેટવર્ક સમગ્ર સૌરાષ્ટ્રમાં તૈયાર કર્યુ હતું. જેમાં એડવાન્સમાં નાણાં લઇને મધ્યપ્રદેશથી હથિયાર લાવીને વેચાણ કરતો હતો. છેલ્લાં ત્રણ મહિનામાં તેણે  રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં અનેક લોકોને હથિયાર વેચાણથી આપ્યા હતા. જેના આધારે પોલીસે રાજકોટના લોઠડા ગામમાં રહેતા સંજય મેર પાસેથી ચાર પિસ્તોલ અને ૧૦ રાઉન્ડ કારતૂસ જપ્ત કર્યા હતા.જ્યારે રાજકોટ શહેરમાં જામટાવર કોઠી કંપાઉન્ડમાં રહેતા રાજુ સરવૈયા પાસેથી ત્રણ પિસ્તોલ જપ્ત કરી હતી. ચોટીલામાં રહેતા મનોજ ચૌહાણ પાસેથી  ચાર પિસ્તોલ અને મુળીના વગડીયા ગામમાં રહેતા વિપુલ સાનિયા નામના પાસેથી છ પિસ્તોલ અને ૬૦ રાઉન્ડ કારતૂસ મળી આવી હતી. ઝડપાયેલા આરોપીઓ શિવમ પાસેથી હથિયાર ખરીદીને ઉંચી કિંમતે વેચાણ  કરતા હતા.  ેેએટીએસના સુત્રોના જણાવ્યા મુજબ એક હથિયાર ૩૦ થી ૩૫ હજારમાંથી ખરીદીને ૫૦ હજારથી માંડીને ૭૦ હજારની કિંમતમાં વેચાણ કરવામાં આવતું હતુ.


Google NewsGoogle News