ATS આંતકી સંગઠન સાથે જોડાયેલા ચાર શ્રીલંકન આતંકીઓ એરપોર્ટથી ઝડપાયા
આરએસએસ અને બીજેપી તેમજ હિંદુ સંગઠનો ટારગેટમાં હતા
ગુજરાત એટીએસને ચોક્કસ ઇનપુટના આધારે સફળતા મળીઃ નાના ચિલોડા પાસેથી ૨૦ જેટલા કારતુસથી લોડ ત્રણ પિસ્તોલઅને આઇએસનો ઝંડો મળ્યો
અમદાવાદ,સોમવાર
ગુજરાતમાં દક્ષિણ ભારત તરફથી આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના આતંકવાદી અમદાવાદ આવતા હોવાની ચોક્કસ બાતમીને આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ બનાવીને ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચાર શ્રીલંકન આતંકીઓને ઝડપી લીધા હતા. ચારેય આતંકીઓ પાકિસ્તાન સ્થિત હેન્ડરની મદદથી અમદાવાદ કે ગુજરાતના કોઇ સ્થળે મોટો આતંકી હુમલો કરવાના હતા. તેમની પાસેથી મળેલી માહિતીને આધારે નાના ચિલોડા-હિંમતનગર હાઇવે પર કેનાલ નજીકથી એટીએસને ૨૦ જેટલી કારતુસથી લોડ કરેલા પાકિસ્તાનમાં બનાવવામાં આવેલી ત્રણ પિસ્તોલ અને આઇએસનો ઝંડો પણ મળી આવ્યો હતો. ગુજરાતમાં તેમનો ટારગેટ આરએસએસ , ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને હિંદુ અગ્રણીઓ હોવાનો ખુલાસો તેમની પાસેથી મળી આવેલા પુરાવાઓમાં થયો છે.આ અંગે ગુજરાત એટીએસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ચોક્કસ બાતમી મળી હતી કે ઇસ્લામિક સ્ટેટ નામના આતંકી સંગઠન સાથે સંકળાયેલા શ્રીલંકાના ચાર યુવકો ટ્રેન કે વિમાન માર્ગે અમદાવાદ આવવાના છે. આ સંવેદનશીલ બાતમીને આધારે એટીએસના તમામ સિનિયર અધિકારીઓની વિવિધ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી હતી. જેમાં દક્ષિણ ભારતથી આવતી તમામ ફ્લાઇટના પેસેન્જરોની તેમજ ટ્રેનમાં આવી રહેલા પેસેન્જરોની યાદી મંગાવવામાં આવી હતી. જે બાદ ચોક્કસ કડી મળી હતી કે ચાર શ્રીલંકન યુવકોએ કોલંબોથી અમદાવાદ આવવા માટે ટિકિટ બુક કરાવી હતી. જે ચેન્નાઇથી ઇન્ડીગોની ફલાઇટમાં અમદાવાદ આવવા રવાના થયા છે અને રવિવારે રાતના આઠ વાગે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. જેના આધારે વિવિધ ટીમ બનાવીને મોહમ્મદ નુશરથ ગની (ઉ.વ.૩૩) (રહે.રહનામાબાદ , પેેરિયમપોલ, નિગંકુ) , મોહમ્મદ નરફાન નૌફેર (ઉ.વ.૨૭) (રહે.લીયાર્ડસ, કોંલબો), મોહમ્મદ ફારિશ ફારૂક ( ઉ.વ.૩૫) (રહે.જુમ્મા મસ્જિદ રોડ, કોલંબો), માહમ્મદ રસદીન અબ્દુલ રહીમ (રહે.ગુલન્ફા સ્ટ્રીટ, કોલંબો)ને ઝડપી લેવામા ંઆવ્યા હતા. પોલીસને તેમનો સામાન તપાસ કરતા બે મોબાઇલ ફોન , તેમના અબુબકર બગદાદી દ્વારા બતાવવામાં આવેલા ઇસ્લામની રાહ પર ચાલવા, ઇસ્લામિક સ્ટેટમાં જોડાવવા માટે હીજરા કરવા, તેમજ આઇએસનો ઝંડો મળી આવ્યો હતો.
એટીએસના અધિકારીઓને તેમની પાસેથી એક પેન ડ્રાઇવ પણ મળી આવી હતી. જેમાં પાંચ અલગ અલગ ફોટોગ્રાફ્સ હતા. જેમાં પાણીની કેનાલનો ફોટો, આઇએસનો ઝંડો, ત્રણ પિસ્તોલ અને લોડેડ મેેગઝીનના ફોટો હતા. સાથેસાથે એક મોબાઇલમાં લોકેશન મળી આવ્યું હતું. જેના આધારે તમામને સાથે રાખીને તપાસ કરી ત્યારે પોલીસ ચોંકી ઉઠી હતી. કારણ કે ફોટોમાં જણાવવામાં આવેલા હથિયારો અને ચીજ વસ્તુઓ ત્યાંથી મળી આવી હતી.
એટીએસ દ્વારા તમામની પુછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું હતું
કે ફેબ્રુઆરી ૨૦૨૪માં તેમની મુલાકાત ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા કટ્ટરવાદી અબુ પાકિસ્તાનીના
સપર્કમાં આવ્યા હતા. તેણે ઇસ્લામિક સ્ટેટમાં તેમની જોડીને માઇન્ડ વોશ કરીને આતંકી વારદાતને
અંજામ આપવાની વાત કરી હતી. જેમાં ચારેય જણા સુસાઇડ બોમ્બર બનવા માટે પણ તૈયાર થઇ ગયા
હતા. જેથી અબુએ ચારેયને ચાર લાખ રૂપિયા આપીને ભારતમાં આવીને તેમને મળતી સુચના મુજબ
ચોક્કસ સ્થળે મોટાપાયે આતંકી કૃત્ય કરવા માટેનું કહેવામાં આવ્યું હતું. જે મુજબ તે
ગત ૧૯મી તારીખે વહેેલી સવારે કોલંબોથી નીકળ્યા હતા. અબુ પાકિસ્તાની સાથે તમામ લોકો
પ્રોટોનમેઇલથી સંપર્કમાં હતા. તે મેઇલ મોકલીને સુચના આપતો હતો. જેના આધારે તમામને આગળની
યોજના પાર પાડવાની હતી . આ અંગે ગુજરાત એટીએસ દ્વારા તમામની પુછપરછ શરૂ કરવામાં આવી
છે. જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.
આતંકીઓની પુછપરછ માટે તમિલ ભાષા જાણકારની મદદ લેવામાં આવી
ઝડપાયેલા આતંકીઓ હિન્દી અને અંગ્રેજી ભાષા બરાબર રીતે જાણતા
ન હોવાને કારણે એટીએસના અધિકારીઓને મુશ્કેલી પડી હતી. જેથી તાત્કાલિક તમિલ ભાષા જાણતા
ચાર થી પાંચ લોકોને બોલાાવીને એટીએસના અધિકારીઓએ
અલગ અલગ આતંકીઓની પુછપરછ શરૂ કરી હતી.સાથેસાથે રિમાન્ડ દરમિયાન પણ તમિલ ભાષાના જાણકારને સાથે રાખવામાં
આવશે.
હથિયાર કોણ મુકી ગયુ? તે તપાસ સીસીટીવીને આધારે શરૂ કરવામાં આવી
ઇસ્લામિક સ્ટેટનો હેન્ડલર અબુ પાકિસ્તાનથી સમગ્ર યોજના ઘડતો
રહતો. જેમાં તેણે ચારેય આતંકીઓ અમદાવાદ આવે ત્યારે તેમને નાના ચિલોડો પાસે હથિયાર મળી
જાય તે માટે પણ તૈયારીઓ કરી હતી. અબુ પાકિસ્તાનીએ અમદાવાદમાં સ્થાનિક વ્યક્તિની મદદથી
હથિયાર નાના ચિલોડા હિંમતનગર રોડ પર કેનાલ પાસે છુપાવ્યા હતા. આ કડી સુધી પહોંચવા માટે
એટીએસ દ્વારા આસપાસના તમામ સીસીટીવી ફુટેજ
તપાસવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આતંકીઓએ શ્રીલંકની નેશનલ તૌહિત જમાત દ્વારા હથિયાર ચલાવવાની તાલીમ લીધી હોવાની શક્યતા
એટીએસ દ્વારા આતંકીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચારેય
શ્રીલંકન રેડીકલ મીલીટન્ટ આઉટફીટ નેશનલ તૌહીથ જમાતના સભ્યો રહી ચુક્યા હતા. જેને શ્રીલંકામાં
ઇસ્ટર બોંબીગ બાદ પ્રતિબંધિત જાહેર કરાયું હતું.
આ દરમિયાન ચારેયને હથિયારો ચલાવવા માટેની તાલીમ આપવામાં આવી હતી. જેથી અમદાવાદમાં
મળેલા હથિયારનો ઉપયોગ કરવાના હતા.
મોટાપાયે નુકશાન પહોંચાડવા માટે આતંકીઓ સુસાઇડ બોમ્બર બનવા માટે
તૈયાર હતા
ચારેય આતંકીઓ ઇસ્લામિક સ્ટેટના અબુ બકર બગદાદીથી એ હદે પ્રભાવિત
હતા કે તે અમદાવાદ આવીને સુસાઇડ બોમ્બર બનવા માટે તૈયાર હતા. આ વાતનો ખુલાસો ખુદ આતંકીઓએ
પ્રાથમિત પુછપરછમાં કર્યો હતો. જે બાદ એટીએસના
અધિકારીઓ વધુ ચોંકી ઉઠયા હતા અને તેમણે સ્થાનિક કનેકશનની દિશામાં તપાસના શરૂ કરી છે.
જપ્ત કરાયેલી પિસ્તોલ અને કારતુસ પાકિસ્તાનની બનાવટની
એટીએસ દ્વારા જપ્ત કરવામાં આવેલી પિસ્તોલ પર સ્ટારનો સિમ્બોલ
હતો. જે સામાન્ય રીતે પાકિસ્તાનમાં તૈયાર થતા હથિયારો પર લગાવવામાં આવે છે. આ સાથે
કારતુસમાં ખછ્છ (ખીગીચિનનઅ છગસૈહૈજાિીાીગ ્િૈમચન છિીચજ નો સિમ્બોલ હતો. જે પાકિસ્તાનમાં તૈયાર કરવામાં આવતી હતી.
આતંકીને અબુ પાકિસ્તાનીએ ચાર લાખ રૂપિયા ઉપરાંત, ભારતમાં તમામ ખર્ચ
આપવાની ખાતરી આપી હતી
અમદાવાદ,
સોમવાર
ઇસ્લામિક સ્ટેટ વતી પાકિસ્તાનથી નેટવર્ક ચલાવતા અબુ પાકિસ્તાનીએ
માત્ર ચાર આતંકીઓ જ નહી પણ દેશના અન્ય સ્થળોએ પણ આ મોડયુલથી આતંકીઓ મોકલ્યા હોવાની
શક્યતા છે. અબુ પાકિસ્તાનીએ આતંકીઓને ચાર લાખ રૂપિયા આપ્યા હતા. સાથેસાથે ફ્લાઇટની
ટિકિટ પણ બુક કરાવી આપી હતી. આમ,
તમામ આર્થિક મદદ કરીને આતંકી કૃત્ય કરાવવા માટેની યોજના હતી.
હુમલા બાદ સ્થળ પર ઇસ્લામિક સ્ટેટનો ઝંડો લગાવવાની સુચના આતંકીઓને
મળી હતી
અમદાવાદ,
સોમવાર
એટીએસ અધિકારીઓને આતંકીઓ પાસેથી ઇસ્લામિક સ્ટેટનો ઝંડો મળી આવ્યો
હતો. આ ઉપરાંત, હથિયારો સાથે
પણ એક ઝંડો મુકવામાં આવ્યો હતો. અબુ પાકિસ્તાનીએ તમામને સુચના આપી હતી કે જ્યારે નક્કી
કરેલા સ્થળે હુમલો કરવામાં આવે ત્યારબાદ આ હુમલો
ઇસ્લામિક સ્ટેટ દ્વારા કરવામાં આવ્યો છે. તે વાત સરકાર સુધી પહોચાડવા માટે તે સ્થળે ઇસ્લામિક સ્ટેટનો ઝંડો લગાવવાનું કહેવામાં
આવ્યું હતું.