Get The App

યુનિ.ની મહિલા ટેબલ ટેનિસ ટીમ વેસ્ટ ઝોનમાં રમવા જ ન જઈ શકી

ફિઝિકલ એજ્યુકેશન ડિરેકટર જ નથી ઃ ઓલ ઈન્ડિયા વેઈટ લિફ્ટિંગ ટૂર્નામેન્ટ માટે ટીમ જ નક્કી ન થઈ

Updated: Dec 29th, 2021


Google News
Google News
યુનિ.ની મહિલા ટેબલ ટેનિસ ટીમ વેસ્ટ ઝોનમાં રમવા જ ન જઈ શકી 1 - image

અમદાવાદ

ગુજરાત યુનિ.ખાતે હાલ ૭૩મો આંતર કોલેજ ખેલકુદ રમોત્સવ ચાલી રહ્યો છે અને કુલપતિ દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ઈનામો સહિતની મોટી જાહેરાતો કરાઈ છે પરંતુ બીજી બાજુ મહત્વની બે ટૂર્નામેન્ટમાં યુનિ.ની મહિલા ટીમો રમવા જ નથી જઈ શકી.યુનિ.ની ટેબલ ટેનિસ મહિલા ટીમને નેશનલમાં રમવાની તક ગુમાવવાનો વારો આવ્યો છે કે કારણકે યુનિ.ની ટીમનુ સિલેકશન પણ થઈ ગયુ હતુ પરંતુ બેદરકારીને લીધે વેસ્ટ ઝોનમાં રમવા જ જઈ શકી નથી.વેઈટ લિફ્ટિંગમાં તો સિલેકશન જ થયુ નથી.

રાજસ્થાનમાં જયપુર ખાતે યુનિ.ઓફ રાજસ્થાનનાં સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ૨૬મીથી ૨૯મી સુધી વેસ્ટ ઝોન ઈન્ટર યુનિવર્સટી  મહિલા ટેબલ ટેનિસનું આયોજન થયુ છે.જે માટે ૧૭ ડિસેમ્બર સુધી ટીમોના નામો મોકલવાના હતા. આ ટૂર્નામેન્ટ માટે વેસ્ટ ઝોનમાં આવતા વિવિધ રાજ્યોની વિવિધ  યુનિ.ઓમાથી મહિલા ટીમો આવી છે.પરંતુ રાજ્યની સૌથી મોટી અને જુની એવી ગુજરાત યુનિ.ની જ મહિલા ટીમ જઈ શકી નથી. ગંભીર બાબત તો એ છે કે ગુજરાત યુનિવર્સિટીની પાંચ સભ્યની મહિલા ટીમ ફાઈનલ પણ થઈ ગઈ હતી પરંતુ ક્યારે ટીમ મોકલાવાની છે અને ક્યારે નામ મોકલવાના છે તેમજ કયારે સ્પર્ધા છે તે સહિતની કોઈ જાણકારી ન હોવાથી ટીમ પહોંચી જ શકી નથી.હાલ ટુર્નામેન્ટ શરૃ થઈ ગઈ છે અને સિલેક્ટ થયેલી મહિલા ટીમની ખિલાડીઓ વેસ્ટ ઝોનમાં રમવા ન મળતા નિરાશ થઈ ગઈ છે.

વેસ્ટ ઝોનમાં રમવા જ ન મળતા હવે સર્ટિફિકેટ પણ નહી મળે તેમજ નેશનલમા ંરમવા માટેની તક પણ ગુમાવી દીધી છે. મહત્વનું છે કે હાલ યુનિ.માં કાયમી ફીઝિકલ એજ્યુકેશન ડિરેકટર જ નથી અને અન્ય એક વિભાગના ડાયરેકટરને ફીઝિકલ એજ્યુકેશન ડિરેક્ટરનો ચાર્જ સોંપવામા આવ્યો છે. માત્ર મહિલા ટેબલ ટેનિસ જ નહી પરંતુ વેઈટ લિફટિંગની સ્પર્ધા માટે પણ ટીમ જઈ શકી નથી.જો કે વેઈટ લિફ્ટિંગ માટે તો સિલેકશન જ થયુ નથી.મહિલાઓ માટેની ઓલ ઈન્ડિયા લેવલની વેઈટ લિફ્ટિંગ ટૂર્નામેન્ટ ૨૭થી૩૦ ડિસેમ્બર સુધી આંધપ્રદેશના ગુન્ટુરમાં એએનયુ ખાતે રમાઈ રહી છે ત્યારે ગુજરાત યુનિ.માંથી ટીમ જ ગઈ નથી.

Tags :
GUtable-tennis

Google News
Google News