Get The App

પાવર પ્લાન્ટની સરેરાશ લાઈન ૨૫થી ૩૦ વર્ષ GUVNLએ માત્ર છ વર્ષ જૂનો સિક્કાનો પાવર પ્લાન્ટ ભંગારમાં કાઢી નાખ્યો

અદાણી-ટાટા પાવર ઇન્ડોનેશિયાથી આયાત કરેલા કોલસાનો ઉપયોગ કરીને મુન્દ્રા ખાતાને તેમના પ્લાન્ટ્સમાં પાવર જનરેટ કરી રહ્યા છે

Updated: Apr 22nd, 2022


Google NewsGoogle News
પાવર પ્લાન્ટની સરેરાશ લાઈન ૨૫થી ૩૦ વર્ષ  GUVNLએ માત્ર છ વર્ષ જૂનો સિક્કાનો પાવર પ્લાન્ટ ભંગારમાં કાઢી નાખ્યો 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર

આયાતી કોલસો મોંઘો પડતો હોવાને નામે માત્ર છ જ વર્ષ જૂના સિક્કા પ્લાન્ટને ભંગારમાં લઈ જવાનો નિર્ણય ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશને લીધો છે. ૫૦૦ મેગાવોટનો આ પ્લાન્ટ નાખવા માટે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનને અંદાજે રૃ. ૨૫૦૦ કરોડનો મૂડીખર્ચ કર્યો હતો. આ પ્લાન્ટ બંધ હોવા છતાંય તેની જાળવણી, કર્મચારીઓના પગાર અને તેને માટે લેવામાં આવેલી લોનના વ્યાજના ખર્ચ પેટે ગુજરાતના ગ્રાહકો પાસેથી વરસે દહાડે ફિક્સ્ડ કોસ્ટ તરીકે રૃ. ૪૯૨ કરોડ વસૂલવામાં આવ્યા હતા. છેલ્લા પાંચ મહિનાથી આ પાવર પ્લાન્ટમાં એક પણ યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું નહોતું. ગાંધીનગરના ૪૨૦ મેગાવોટના ૩ વર્ષ બે પ્લાન્ટ આજે ચાલુ છે. વણાકબારીને ૧૨૬૦ મેગાવોટના ૩૫થી ૪૦ વર્ષ જૂના ૬ પ્લાન્ટ આજે પણ ચાલુ છે. ઉકાઈના ૬૧૦ મેગાવોટના ૩૫થી ૪૨ વર્ષ જૂના પ્લાન્ટ આજે પણ ચાલુ છે ત્યારે આ નિર્ણય આશ્ચર્ય પમાડે તેવો છે.

ગુજરાત વીજ નિયમન પંચે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડને સિક્કાના પ્લાન્ટને રિટાયર્ડ કરી દેવા માટે કે ભંગારમાં લઈ જવા માટેનો એક્શન પ્લાન રજૂ કરવા જણાવ્યું હતું. આગામી દસ વર્ષમાં તેનું જે આયોજન હોય તે અંગેની વિગતો ૧૫મી મે ૨૦૨૨ સુધીમાં આપી દેવાની સૂચના આપી હતી. તેના અનુસંધાનમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશને જામનગરના સિક્કા ખાતેના ૨૫૦-૨૫૦ મેગાવોટના માત્ર છ વર્ષ જૂના પાવર પ્લાન્ટને ભંગારમાં કાઢી નાખવાનો નિર્ણય લઈને જર્કને જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સિક્કાનો ૨૫૦ મેગાવોટના પહેલા પ્લાન્ટમાં ૧૪મી સપ્ટેમ્બર ૨૦૧૫ અને બીજો પ્લાન્ટમાં ૨૮મી ડિસેમ્બર ૨૦૧૫ના વીજળીનું ઉત્પાદન કરવાનું ચાલુ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે પાવર પ્લાન્ટની લાઈફ ૨૫ વર્ષ કે તેનાથી વધારેની હોય છે. જામનગરના બંને પ્લાન્ટ હજી માંડ સવા છથી સાડા છ વર્ષ જૂના જ છે. ગુજરાતના ૧.૩૦ કરોડ વીજજોડાણ ધારકો પર બોજો ન આવે તે માટે આ પાવર પ્લાન્ટને ભંગારમાં ન કાઢવા વીજળીના ક્ષેત્રના નિષ્ણાત કે.કે. બજાજે માગણી કરી છે.

ગુજરાતના જામનગરના સિક્કા ખાતે આ અઠવાડિયે ૨૫૦ મેગાવોટના બે પ્લાન્ટ્સ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ બંને પ્લાન્ટ વીજળી પેદા કરતાં હતા. ૧૧મી ડિસેમ્બર ૨૦૨૧થી આ પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યા હતા. ગત આ રીતે ગુજરાતના ૧.૩૦ કરોડ વીજ વપરાશકારોને માથે વરસે આવતો રૃ. ૨૦૦૦ કરોડનો બોજ ઓછો કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગુજરાત વીજ નિયમન પંચ સરકારની ઇચ્છાને આધીન ચાલતી કઠપૂતળી હોય તેવી સ્થિતિ છે. કારણ કે સરકારના આ નિર્ણય સામે લેવો જોઈતો વાંધો ગુજરાત વીજ નિયમન પંચ-જર્ક દ્વારા લેવામાં આવ્યો નથી.

એક તરફ અદાણી અને ટાટા પાવર જેવી કંપનીઓ ઇન્ડોનેશિયાથી આયાત કરેલા મોંઘા કોલસાનો ઉપયોગ કરીને મુન્દ્રા ખાતાને તેમના પ્લાન્ટ્સમાં પાવર જનરેટ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારની વીજ કંપનીએ જામનગર પ્લાન્ટ બંધ કરવાનો લીધેલો નિર્ણય યોગ્ય જણાતો નથી. આજની તારીખે પણ અદાણી પાવર ઇન્ડોનેશિયાથી આયાત કરેલો કોલસો વાપરીને તેમાંની પેદા કરેલી ૨૪૦૦ મેગાવોટ અને ટાટા પાવર ૧૮૫૦ મેગાવોટ વીજળીનો સપ્લાય કરે છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ગુજરાતની વીજળીની ડીમાન્ડને પૂરી કરવા માટે અદાણી પાવર અને ટાટા પાવર દ્વારા પેદા કરવામાં આવતી વીજળીનો પૂરો જથ્થો ખરીદી રહ્યું છે. આ સંજોગોમાં સિક્કા પ્લાન્ટને ભંગારમાં લઈ જવાન બદલે તે પ્લાન્ટનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવાનો આદેશ ગુજરાત વીજ નિયમન પંચે આપવો જોઈએ. તેને ભંગારમાં લઈ જવાની છૂટ કેમ જર્ક આપી રહ્યું છે તે એક રહસ્યમય બાબત છે.

સિક્કાના પાવર પ્લાન્ટમાં વરસે કેટલી વીજળી પેદા કરવામાં આવી

જામનગરના સિક્કા ખાતેના જ ૧૨૦-૧૨૦ મેગાવોટ વીજળી પેદા કરવાની ક્ષમતા ધરાવતા પાવર પ્લાન્ટને પહેલી એપ્રિલ ૨૦૧૭ના દિને ભંગારમાં લઈ જવાની છૂટ આપવામાં આવી હતી. આ બંને પાવર પ્લાન્ટમાં ૨૬મી માર્ચ ૧૯૮૮ના દિવસથી વીજળી પેદા કરવાની ચાલુ કરવામાં આવી હતી. આ બે પ્લાન્ટમાં ભારતીય કોલસાનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવામાં આવતી હતી. ૨૯ વરસ સુધી તેમાં વીજળી પેદા કરવામાં આવી હતી. પ્લાન્ટની સારી જાળવણી કરીને ચલાવવામાં આવે તો પ્લાન્ટ ૨૫થી ૩૦ વરસ સુધી વીજળીનું સારુ ઉત્પાદન આપે છે. ટોરેન્ટ પાવરના અમદાવાદ ખાતેના પ્લાન્ટ નંબર ડી, ઈ અને એફ ૧૯૮૪થી ૧૯૮૭ના ગાળામાં ચાલુ કરવામાં આવ્યા હતા. આજની તારીખે ૩૪થી ૩૭ વર્ષ જૂના આ પ્લાન્ટ્સ તેની કુલ ક્ષમતા ૮૦ ટકા ક્ષમતાએ વીજળી પેદા કરી રહ્યા છે. ટોરેન્ટ પાવરે તો તેના ૩૫ વર્ષ જૂના પ્લાન્ટને અપગ્રેડ કરીને તેની ઉત્પાદન ક્ષમતામાં ૧૦ ટકાનો વધારો પણ કર્યો છે. આપ્લાન્ટ હવે ૧૧૦ મેગાવોટને બદલે ૧૨૧ મેગાવોટ વીજળી પેદા કરે છે.

વષ વાસ્તવિક વીજ કુલ ક્ષમતાના 

ઉત્પાદન ઉત્પાદનના ટકા

૨૦૧૬-૧૭ ૨૧૪૯ મિલિયન યુનિટ્સ ૪૯.૧ ટકા

૨૦૧૭-૧૮ ૨૬૭૮ મિલિયન યુનિટ્સ ૬૧.૧ ટકા

૨૦૧૮-૧૯ ૨૭૨૬ મિલિયન યુનિટ્સ ૬૨.૨ ટકા

૨૦૧૯-૨૦ ૨૭૧૧ મિલિયન યુનિટ્સ ૬૧.૯ ટકા

૨૦૨૦-૨૧ ૧૮૩૬ મિલિયન યુનિટ્સ ૪૧.૯ ટકા

૨૦૨૧-૨૨ આંકડાઓ ઉપલપ્ધ નથી ઉપલબ્ધ નથી



Google NewsGoogle News