Get The App

કોમનમેનથી ચીફ મિનિસ્ટર સુધી માસ્ક અને ડિસ્ટન્સને અલવિદા !

Updated: Nov 13th, 2021


Google NewsGoogle News
કોમનમેનથી ચીફ મિનિસ્ટર સુધી માસ્ક અને ડિસ્ટન્સને અલવિદા ! 1 - image


દો ગજ કી દૂરી કા પાલન કરે...જેવી સલાહ માત્ર રિંગટોન પૂરતી 

જેતપુર-મોરબીમાં મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપના નેતાઓએ  મંચ પર, બીજી તરફ લોકોએ બજારમાં માસ્ક ફગાવી દીધા

રાજકોટ : ગુજરાતમાં કોરોનાના કેસોમાં દિવાળી પછી આંશિકવધારો થયો છે અને સરકારના અનલોક નિયમોમાં હજુ માસ્ક અને 6 ફૂટનું અંતર ફરજીયાત છે પરંતુ, આ નિયમો પોથીમાના રીંગણા જેવા થઈ ગયા છે.

આજે એક તરફ ખુદ મુખ્યમંત્રીની હાજરીમા મોરબી અને જેતપુરમાં સભાના મંચ ઉપર  આ નિયમોનો ભંગ જોવા મળ્યો હતો તો બીજી તરફ નાગરિકોના અનેકવિધ કાર્યક્રમોમાં, ભરી બજારોમાં માસ્ક-ડિસ્ટન્સને ફગાવી દેવાયેલા જોવા મળ્યા હતા. 

જેતપુરમાં સ્વામિનારાયણ તીર્થધામના કાર્યક્રમમાં મંચ પર મુખ્યમંત્રીની સાથે તસ્વીર ખેંચાવવા ભાજપના નેતાઓએ માસ્ક ફગાવી કેમેરાના ફોકસની બહાર ન જાય તે માટે અડોઅડ ઉભા રહી  ગયા હતા, મોરબીમાં પણ મુખ્યમંત્રીની હાજરી સાથે આવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

જાણે કે માસ્કના નિયમથી ગુજરાતમાં મુક્તિ મળી હોય તેવો આભાસ તે જોનારાને થતો હતો.ભાજપના મુખ્યમંત્રી, પૂર્વમુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ હોય કે સામાન્ય કાર્યકર આ નિયમભંગમાં નિયમિતતા લાંબા સમયથી જળવાઈ છે. 

રાજકોટની બજારમાં દિવાળી પૂર્વે જામી હતી તેવી ભીડ હવે લગ્ન પ્રસંગ સહિતની ખરીદી માટે ફરી જામવા લાગી છે, આજે બજારોમાં  ચિક્કાર ભીડ જામી હતી અને લોકો ખુલ્લેઆમ માસ્ક વગર નજરે પડયા હતા. તો છ ફૂટનું ડિસ્ટન્સ તો જાણે તદ્દન વિસારે જ પાડી દેવાયું છે. સમારંભો, કચેરીઓ, બજારોમાં માસ્ક કોઈ એકલ દોકલ ચહેરા ઉપર જ નજરે પડે છે. 

લગ્ન પ્રસંગોમાં હવે બ્યુટીપાર્લર, સાજ શણગાર થવા લાગ્યા છે અને તે દેખાડવા માટે હોય છે ત્યારે માસ્ક અવરોધરૂપ બનતો હોય તેમાં તથા ભાજપના અને કોંગ્રેસના ઠેરઠેર યોજાઈ રહેલા સ્નેહમિલનોમાં આ નિયમભંગનો સિલસિલો જ્યાં સુધી નિયમ  સાવ વિસારે ન પડે ત્યાં સુધી જારી રહેવાની શક્યતા છે.


Google NewsGoogle News