એજન્ટે સાયપ્રસમાં જોબના બનાવટી ડોક્યુમેન્ટ મોકલતા યુવકે નોકરી છોડી

સાયપ્રસના વિઝાના નામે એજન્ટે છેતરપિંડી કરી

શહેરના ઘાટલોડિયામાં રહેતા એજન્ટ સામે પોલીસે ગુનો નોંધ્યોઃ વિઝા-પીઆરના નામે અનેક લોકોને છેતર્યા

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
એજન્ટે સાયપ્રસમાં જોબના બનાવટી ડોક્યુમેન્ટ મોકલતા યુવકે નોકરી છોડી 1 - image

અમદાવાદ,ગુરૂવાર

વિદેશમાં નોકરી  અને અભ્યાસની લાલચમાં અનેક લોકો સાથે છેતરપિંડી થાય છે. ત્યારે સાયપ્રસમાં નોકરી પાકી થઇ હોવાના દસ્તાવેજ મોકલતા યુવકે લખનઉમાં જોબ છોડી દીધી હતી. પરંતુ, બાદમાં જાણવા મળ્યું હતું કે ઘાટલોડિયામાં રહેતા એજન્ટે બનાવટી દસ્તાવેજા તૈયાર કરીને છેતરપિંડી આચરી હતી. જે અંગે પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ચાંદખેડામાં આવેલા પરષોતમ પાર્ક સોસાયટીમાં રહેતા જોગાસિંઘ જસલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમની દીકરી હરજીતકૌરના લગ્ન પંજાબ  લુધિયાનામાં રહેતા સિમરનજીતસિંગ સાથે થયા હતા. તે લખનઉમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. માર્ચ-૨૦૨૩માં સિમરનજીતસિંગ અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમણે નોકરી માટે પોર્ટુગલ જવાની વાત કરી હતી. જેથી વિઝા અને નોકરી માટે  જોગાસિંઘ અને તેમના જમાઇ ઘાટલોડિયા ગુણાતીતનગર સોસાયટીમાં રહેતા રાજેશ પટેલ નામના વ્યક્તિને મળ્યા હતા. તેણે પોર્ટુગલમાં વિઝા અને નોકરી માટે સાત લાખનો ખર્ચ થશે અને પાંચ લાખ એડવાન્સમાં અને બાકીના બે લાખ પોર્ટુગલ પહોંચ્યા બાદ ચુકવવાનું કહેતા સિમરનસિંગે પાંચ લાખ રૂપિયા અને  ફાઇલ માટેના દસ્તાવેજો આપ્યા હતા. પરંતુ, ચાર મહિના સુધી રાજેશ પટેલે કોઇ જવાબ આપ્યો નહોતો. જેથી પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પોર્ટુગલના વિઝા હાલ શક્ય નથી. પરંતુ, સાયપ્રસમાં ગેંરટી સાથે વિઝા અને જોબ થઇ જશે.તે પછી રાજેશ પટેલે તેમને સાયપ્રસમાં નોકરીનો લેટર મોકલ્યો હતો. જેથી વિશ્વાસ કરીને સિમરનજીતસિંગે લખનઉની નોકરી છોડી દીધી હતી. પરંતુ, ત્યારબાદ રાજેશ પટેલે કહ્યુ હતું કે  હાલ સાયપ્રસમાં વિદેશી નિતી અને કાનુની પ્રક્રિયામાં ફેરફાર થવાથી જેથી થોડા દિવસ રાહ જોવાનું કહ્યા બાદ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આમ, તેણે નોકરીના બનાવટી દસ્તાવેજ બનાવીને સિમરનસિંગ સાથે છેતરપિડી કરી હતી.  પ્રાથમિક તપાસમાં તેણે અન્ય લોકોને છેતર્યાનું બહાર આવ્યું છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News