ડૉ. વૈશાલી જોષી આત્મહત્યા મામલે પીઆઇ બી કે ખાચર વિરૂદ્વ ગુનો નોંધાયો
સુસાઇડ નોટ અને અન્ય પુરાવાને આધારે મૃતકના બહેને ફરિયાદ નોંધાવી
પરિવાર પ્રેમ સંબધને લઇને અજાણ હતો
અમદાવાદ,
ગુરૂવાર
આઠ દિવસ પહેલા ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં ડૉ. વૈશાલી જોષીએ ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી હતી. જેમાં તેણે લખેલી સુસાઇડ નોટમાં આત્મહત્યા માટે પીઆઇ બી કે ખાચરને જવાબદાર ગણાવવામાં આવ્યા હતા અને તેમના સંબધોની બાબતોની નોંધ ડાયરીમાં મળી આવી હતી. જે ગાયકવાડ હવેલી પોલીસે મૃતકના બહેનની ફરિયાદને આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ગત ૭મી માર્ચના રોજ સાંજના સમયે અમદાવાદ ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં
વૈશાલી જોષી નામની મહિલા તબીબે ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી. તપાસ દરમિયાનં
પોલીસને સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે
ઇકોનોમીક્સ ઓફેન્સ વીંગના પીઆઇ બી કે ખાચરને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા
હતા. સાથેસાથે પોલીસને વૈશાલી જોષીની ડાયરી
પણ મળી આવી હતી.જેમાં તેણે પીઆઇ ખાચર સાથેના
સંબધનો ઉલ્લેખ કર્યો હતો. જે અંગે પોલીસે મૃતકના
પરિવારજનોના, પીજીમાં સાથે
રહેતી યુવતીઓના અને હોસ્પિટલના સ્ટાફના નિવેદનો નોંધ્યા હતા. બીજી તરફ પરિવારજનોને પોલીસે ફરિયાદ નોંધાવવા માટે
કહ્યું હતું. જો કે મૃતકની અંતિમ વિધી અને બેસણાંની વિધી બાદ તેમણે ફરિયાદ માટે આવવાની
ખાતરી આપી હતી. ત્યારે ગુરૂવારે સાંજે મૃતકની
બહેન કિંજલ રાવલે પીઆઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તે તેમજ તેનો પરિવાર પીઆઇ બી કે રાવલ અને વૈશાલી
જોષીની સંબધથી અજાણ હતો. હાલ પીઆઇ બી કે ખાચર
ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.