પૂરના પાણી ઉતર્યા બાદ ચારે તરફ ગંદકીના ઢગલા, ડમ્પિંગ સાઈટ પર કચરાના નિકાલ માટે ટેમ્પાઓની 1 કિમીની લાઈન
Vadodara Flood : વડોદરામાં ત્રણ દિવસથી સર્જાયેલી પૂરની સ્થિતિ આજથી હળવી થઈ રહી છે. પૂરના પાણી ઉતરી રહ્યાં છે તેમ તેમ ગંદકી અને કચરાના બિહામણાં દ્રશ્યો સામે આવી રહ્યાં છે.
પૂરથી બચાવવામાં નિષ્ફળ ગયેલા વડોદરા કોર્પોરેશન સામે હવે શહેરને ગંદકી અને રોગચાળામાંથી ઉગારવાનો કપરો પડકાર ઉભો છે. વડોદરામાં સફાઈ માટે અમદાવાદ અઅને સુરતથી ટીમો મંગાવવામાં આવી છે.
બીજી તરફ એટલા મોટા પાયે કચરો ભેગો થયો છે કે, કિશનવાડી ખાતે આજે કચરાની ડમ્પિંગ સાઈટની બહાર કચરો એકઠો કરીને આવેલા ટેમ્પાઓની એક કિલોમીટરની કતાર જોવા મળી હતી. ડમ્પિંગ સાઈટ પર કચરો ઠાલવવા માટે વેઈટિંગ હતું.
બીજી તરફ શહેરના રસ્તાઓ પર પણ કચરાના ઢગલા જોવા મળી રહ્યાં છે. લોકો જેમ-જેમ પોતાની દુકાનો અને મકાનોની સાફ સફાઈ કરીને કચરાને રસ્તાઓ પર મૂકી રહ્યા છે. આ ઢગલા ઉઠાવવામા વિલંબ થાય તેમ છે.
વધુમાં પૂરના પાણીના કારણે થયેલી ગંદગીએ રોગચાળાનો પણ ખતરો ઉભો કર્યો છે. પૂરની આફતનો સામનો કરી રહેલા વડોદરા સામે હવે રોગચાળો પણ મોઢું ફાડીને ઉભો છે.