ખોખરા પોલીસ સ્ટેશનની બાજુમાં કચરાની ડમ્પિંગ સાઇટ ઉભી થઇ ગઇ !
- દુર્ગંધ-ગંદકીના કારણે રહીશો, રાહદારીઓ પરેશાન
- પશુ-પક્ષીઓ કચરાને ચૂંથે છે, રોડ પર કચરો ફેલાઇ જતા ચારેતરફ ગંદકી જોવા મળે છેે
અમદાવાદ,તા.14 નવેમ્બર 2021, રવિવાર
ખોખરા પોલીસ સ્ટેશનની દિવાલને અડીને જ કચરાની ડમ્પિંગ સાઇટ ઉભી થઇ જતા ' મોડલ પોલીસ સ્ટેશન ' ની બિલ્ડિંગ કચરાના ઢગ વચ્ચે દબાઇ ગયું છે. આજુબાજુની સોસાયટીના રહીશો, બાજુમાં આવેલું જળવિતરણ કેન્દ્ર અને મ્યુનિ.સબ ઝોનલ કચેરીનો સ્ટાફ , રાહદારીઓ પણ દુર્ગંધ-ગંદકીના કારણે પરેશાની ભોગવી રહ્યો છે.
ખોખરા પોલીસ સ્ટેશન પાસે જ ખોખરા વોર્ડનો કચરો ઠાલવવાની ડમ્પિંગ સાઇટ ઉભી થઇ ગઇ છે. ભૂંડ, ગાયો સહિતના પશુઓ તેમજ કાગડા-સમડી જેવા પક્ષીઓ પણ આખો દિવસ કચરો ચૂંથતા હોવાથી આ કચરો દિવસ દરિમયાન આમતેમ રોડ પર ફેલાતો રહેતો હોય છે. જેના કારણે કચરો છેક લક્ષ્મીનારાયણ ચાર રસ્તા સુધી જોવા મળતો હોય છે.
આજુબાજુમાં આવેલી બાલકૃષ્ણ સોસાયટી, લાલભાઇ સેન્ટર, ભક્તપ્રહલાદ સોસાયટી સહિતની સોસાયટીના રહીશો પણ ઘરઆંગણાની ગંદકીના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. રહીશોના જણાવ્યા મુજબ મ્યુનિ.તંત્ર દ્વારા અહીંયા કચરો એકઠો કરી રખાય છે. સમયસર કચરાનો નિકાલ કરાતો નથી. આ સ્થિતિમાં દુર્ગંધના કારણે રાહદારીએ મોઢે રૂમાલ બાંધીને જવાની ફરજ પડે છે.
ચોમાસામાં તો પાણી ભરાઇ જતા હોવાથી ખોખરા પોલીસ સ્ટેશનના પગથિયા પાસે કચરો તણાઇને જતો રહેતો હોય છે. કચરાની આ ડમ્પિંગ સાઇટ અહીંયાથી હટાવવામા ંઆવે તેવી માંગણી રહીશો કરી રહ્યા છે.