ગાંધીજી-બાલ ગંગાધર તિલકને રાજદ્રોહના ગુના સબબ જેલવાસ ભોગવવા પડયો હતો

- સુપ્રીમ કોર્ટે રાજદ્રોહની કલમની બંધારણીય માન્યતા યથાવત્ રાખી હતી

- નેહરૃ કલમ 124-એ ને રદ કરવાના હિમાયતી હતા

Updated: Apr 5th, 2019


Google NewsGoogle News
ગાંધીજી-બાલ ગંગાધર તિલકને રાજદ્રોહના ગુના સબબ જેલવાસ ભોગવવા પડયો હતો 1 - image


બ્રિટિશકાળની આ કલમનો હાલના શાસકો બેફામ દૂરૃઉપયોગ કરી રહ્યા છે જેની સામે સમાજે લાલબત્તી ધરી છે

અમદાવાદ, તા.5 એપ્રિલ, 2019, શુક્રવાર

કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે બહાર પાડેલા ઢંઢેરામાં જાહેર કર્યુ છે કે રાજદ્રોહના ગુનાની કલમ ૧૨૪-એ કાઢી નાંખવામાં આવશે. ભાજપ રાજદ્રોહની કલમ દૂર કરવાની બાબતને રાષ્ટ્રદ્રોહ અને રાષ્ટ્રદ્રોહીઓને સાથવા આપવો એવું અર્થઘટન કરી પ્રચાર કરી રહી છે. શું રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ એક જ પ્રકારનો ગુનો છે કે અલગ ગુનાઓ છે ? ૧૮૬૦ના ભારતીય ફોજદારી ધારાની કલમ ૧૨૧થી ૧૩૦માં રાજ્ય વિરૃધ્ધના ગુનાઓ આપ્યા છે.

કલમ-૧૨૧ની જોગવાઇ ભારત સરકાર સામે યુદ્ધે ચઢવા અથવા યુદ્ધનો પ્રયાસ કરવા અથવા યુદ્ધે ચઢવા માટે ઉશ્કેરણી કે મદદગારી કરવા અંગે છે. જેમાં ફાંસીની અથવા આજીવન કેદની સજાની જોગવાઇ છે.  આ ગુનો રાષ્ટ્રદ્રોહનો ગુનો ગણાય છે અને સૌથી ગંભીર ગુનો છે. જ્યારે કલમ-૧૨૪ એ રાજદ્રોહના ગુનાની છે. ૧૮૭૦માં બ્રિટીશ સરકારે પાછળથી ઉમેરી હતી. બ્રિટીશ સરકારની શાસનપ્રણાલીનો વિરોધ કરનારાઓને જેલભેગા કરી શકાય તે હેતુથી આ કલમ ઉમેરવામાં આવી હતી. 

કલમ ૧૨૪-એની જોગવાઇ મુજબ રાજદ્રોહનો ગુનો બનવા માટે કોઇપણ વ્યક્તિ દ્વારા લખાયેલા અથવા બોલાયેલા શબ્દો વડે અથવા ઇશારા વડે અથવા દ્રશ્યમાન રીતે અથવા અન્ય કોઇપણ રીતે ભારતમાં કાયદાથી પ્રસ્થાપિત સરકાર પ્રત્યે ઘૃણા અથવા તિરસ્તાર ફેલાવે અથવા બેવફાઇની લાગણી ફેલાવે અથવા તે અંગે ઉશ્કેરણી કરે તો તેને આજીવન કેદ અથવા ત્રણ વર્ષ સુધીની કેદની સજા થઇ શકે છે.

બેદિલી ફેલાવવાના અર્થમાં સરકાર પ્રત્યે બેવફાઇ અથવા વૈમનસ્યની લાગણી ફેલાવવી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે, પરંતુ સરકાર કે વહીવટી તંત્રના પગલાંઓ કે નીતિઓ અંગે કાયદેસરના સાધનો વડે અણગમો વ્યક્ત કરવો કે વિરોધી અભિપ્રાય વ્યક્ત કરવો એ ગુનો ગણાશે નહીં તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ગુનામાં પોલીસ વગર વોરંટે આરોપીની ધરપકડ કરી શકે છે, બિનજામીનલાયક ગુનો છે અને સેશન્સ કોર્ટ દ્વારા ટ્રાયલનો ગુનો છે. 

કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની નીતિ અને તેના પગલાંઓનો વિરોધ કરનારાઓને જેલભેગા કરવા માટે આ કલમનો દુરૃપયોગ થતો આવ્યો છે. લોકશાહીમાં સરકારનો વિરોધ કરવો કે વિરોધી અભિપ્રાય દર્શાવવો એ નાગરિકનો હક છે. વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના વિરોધમાં આ કાયદાનો સરકાર દ્વારા વર્ષોથી દુરૃપયોગ થતો આવ્યો છે. ઉપરાંત બૌદ્ધિકો દ્વારા આ કલમ દૂર કરવાની માગણી પણ થતી રહે છે.

ઘૃણા, તિરસ્કાર કે બેવફાદારી ફેલાવવાીએ શબ્દોનું અર્થઘટન સરકારની મરજી મુજબ થતું હોય છે. બ્રિટીશ સરકારની નીતિઓનો વિરોધ કરનારા બાળ ગંગાધર તિલક સામે ૧૮૯૭માં કલમ ૧૨૪-એ મુજબ ગુનો દાખલ થયો હતો. તિલક પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે શિવાજી દ્વારા અફઝલ ખાનની હત્યા વિશે તેમણે એક ભાષણ આપ્યું હતું અને તે ભાષણના કારણે ઉશ્કેરાયેલા લોકોએ પુણેમાં બે બ્રિટીશ અધિકારીઓની હત્યા કરી હતી. તિલક વિરૃધ્ધ આ કેસમાં ટ્રાયલ ચાલી હતી અને તેમનો દોષિત ઠેરવી કેદની સજા કરાઇ હતી.

જો કે જેલમાં એક વર્ષ વીતાવ્યા બાદ જર્મન અર્થશાસ્ત્રી મેક્સ વેબરે હસ્તક્ષેપ અને ભલામણ કરતા તિલકને છોડી મૂકવામાં આવ્યા હતા. જો કે તે સમયે સ્વાતંત્ર્ય સેનાનીઓ વિરૃધ્ધ આ કલમનો વારંવાર ઉપયોગ થતો હોવાથી કેસરી વર્તમાનપત્રના એક લેખ બદલ ફરી રાજદ્રોહના ગુના સબબ તિલક સામે ટ્રાયલ ચાલી હતી, જેના કારણે તેમને છ વર્ષ જેલમાં ભોગવવા પડયા હતા. આ જેલવાસ તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ભોગવ્યો હતો.

તિલક બાદ વર્ષ ૧૯૨૨માં ૧૧મી માર્ચના રોજ ગાંધીજીની ધરપકડ પણ રાજદ્રોહના ગુના હેઠળ કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયામાં ગાંધીજીએ લખેલા કુલ પાંચ લેખોને રાજકીય રીતે સંવેદનશીલ ગણી તેમની અમદાવાદના તત્કાલિન ડી.એસ.પી. હેલીએ તેમના વિરૃધ્ઘ ગાંધીજી અને તેમના સાથીદાર શંકરલાલ બેન્કર સામે ફરિયાદ નોંધાવી હતી. શાહીબાગ વિસ્તારમાં આવેલા સરકારી સર્કિટ હાઉસમાં બન્ને વિરૃધ્ધ આ ખટલો ચલાવવામાં આવ્યો હતો.

સેશન્સ જજ આર.એસ. બ્રૂમફિલ્ડ સમક્ષ હાથ ધરાયેલી સુનાવણીંમાં ગાંધીજીને જ્યારે પક્ષ રજૂ કરવાનો મોકો અપાયો ત્યારે તેમણે કહ્યું હતું કે રાજદ્રોહના ગુના હેઠળ દોષિત ઠરવાની મને ખુશી છે. લોકોની સ્વતંત્ર્તા દબાવવા માટે આઇ.પી.સી.માં સમાવેશ કરાયેલી તમામ કલમોમાં આ કલમ સૌથી વધુ શક્તિશાળી છે.

સ્વતંત્રતા બાદ પણ નહેરુ આ કલમને દૂર કરવાના હિમાયતી હતા અને સંસદ સમક્ષ પણ આ વાત તેમણે ઉચ્ચારી હતી. જો કે આઝાદી બાદના તેમના સમકાલીનો કે અત્યાર સુધીની સરકારોએ આ અંગે કોઇ વિચારણા કરી નથી. પરંતુ૧૯૬૨માં સુપ્રીમ કોર્ટે કલમ ૧૨૪-એની બંધારણીય માન્યતા યથાવત્ રાખી હતી.

કેદારનાથ વિરૃધ્ધ બિહાર રાજ્યના કેસમાં કલમ-૧૨૪ને યોગ્ય ઠેરવી સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે બ્રિટીશ શાસન દરમયિાન રાજદ્રોહને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવતો હતો. ઉપરાંત સ્વાતંત્ર્ય સેનાનીઓનો અવાજ દબાવવા માટે તેનો ઉપયોગ થતો હતો. ગાંધી અને તિલક જેવા ઘણાં નેતાઓએ આ કાયદાના હેઠળ દોષિત ઠરી જેલવાસ પણ ભોગવ્યો છે. જો કે સ્વતંત્ર ભારત માટે કાયદો જરૃરી છે. ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ટકી રહે તે માટે કાયદો જરૃરી છે.


Google NewsGoogle News