ગગનયાનનો વિવિધતાસભર પ્રોજેક્ટ કર્ણાટકના બદલે ગુજરાતમાં સ્થપાશે
કર્ણાટકની પ્રજાએ નારાજગી દર્શાવી
અવકાશ સંશોધન ક્ષેત્રે ગુજરાતનું મહત્ત્વ ઓર વધી જશે : કન્ટ્રોલ તથા એસ્ટ્રોનોટ રિહેબિલિટેશન સેન્ટર ઊભું કરવાની વિચારણા
બેંગલુરૂ : ઈસરો તેના પ્રથમ એવા મહત્વાકાંક્ષી ગગનયાન મિશન સહિત ભારતના સમાનવ સ્પેસ પ્રોગ્રામ માટે નવું માળખું ઊભુ કરવા કેન્દ્ર સરકાર ગુજરાત પર પસંદગી ઉતારે એવી સંભાવના છે. જો કે આ બાબતે હજી સુધી કોઈ નિર્ણય નથી લેવાયો પણ પાંચ મહિના અગાઉ પણ ગુજરાતમાં નવા માળખાના બાંધકામ માટે એક મીટિંગ યોજાઈ ગઈ હતી.
અહીં કંટ્રોલ સેન્ટર ઊભુ કરવાની ચર્ચા પણ ચાલી રહી છે. વૈજ્ઞાાનિકોએ કંટ્રોલ/મિશન કેન્દ્ર ઊભુ કરવા માટે અભ્યાસ શરૂ કરી દીધો છે. ઉપરાંત ગુજરાતમાં સંભવિત એસ્ટ્રોનોટ રિહેબિલિટેશન કેન્દ્ર ઊભુ કરવા વિશે પણ ચર્ચા ચાલી રહી છે.
જો આ સ્થળાંતર થયું તો ઈસરોના વૈજ્ઞાાનિકો, એન્જિનીયરો અને કર્મચારીઓનો મોટો સ્ટાફ કર્ણાટકથી ગુજરાત આવશે અને મોટી સંખ્યામાં નવા ઈજનેરોની ભરતી કરશે. એટલું જ નહીં, ગુજરાતને એક અલાયદું કન્ટ્રોલ સેન્ટર મળશે અને આ રીતે અવકાશ સંશોધન ક્ષેત્રે ગુજરાતનું મહત્ત્વ વધી જશે.
ઈસરોના ચેરમેન કે સિવાને સ્પષ્ટતા કરી છે કે ગગનયાનઅન્ય મિશનોથી વિપરીત એક મોટો પ્રોજેકટ છે જેમાં દેશની બહુવિધ એજન્સીઓ અને લેબોરેટરીઓ સામેલ છે. આથી વિવિધ ટેકનીકલ બાબતો અને સ્રોતોને ધ્યાનમાં રાખીને તેની કામગીરીને અલગ અલગ સ્થળોએ વિભાજિત કરવાની જરૂર છે.
એક વરિષ્ઠ વૈજ્ઞાાનિકે જણાવ્યું કે ઈસરો ખાતે ગગનયાન કંટ્રોલ કેન્દ્ર માટે કાર્ય ચાલી રહ્યું છે. એમાં 100થી 150 કન્સોલ્સ, એવી સુવિધા,વીઆઈપી સ્પેસ સામેલ હશે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે અન્ય મિશનોમાં માત્ર બે હોલ હોય છે એક સ્પેસ સીસ્ટમ માટે અને એક ગ્રાઉન્ડ સીસ્ટમ માટે જ્યારે ગગનયાન એક વિશાળ મિશન હોવાથી તેને એન્વાયર્ન્મેન્ટલ કંટ્રોલ અને લાઈફ સપોર્ટ, ક્રૂ અને અન્ય બાબતો માટે ત્રીજા હોલની જરૂર પડશે.
ઈસરો મુખ્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ પણ જણાવ્યું કે ગગનયાન જેવા મહત્વના પ્રોજેકટ માટે અન્ય સ્થળની જરૂર પડશે. એથી જ ગુજરાતનો વિચાર થઈ રહ્યો છે. એક અન્ય વૈજ્ઞાાનિકોએ જણાવ્યું કે નવી સુવિધા લેન્ડીંગ સાઈટની નજીક હોવી જોઈશે.
આથી જો અરબી સમુદ્રમાં લેન્ડીંગ થવાનું હોય તો આ કેન્દ્ર ગુજરાતમાં બને. ઉપરાંત ભારતીય નેવીએ પણ જણાવ્યું કે બંગાળની ખાડીમાં સમુદ્રમાં તોફાન વધુ હોય છે તેમજ મોજા વધુ ઊંચે ઉછળતા હોવાથી મોડયુલ પાણીમાં ગરક થઈ શકે છે.
ઉપરાંત લેન્ડીંગ બાદ બચાવ કાર્ય પણ કરવું પડે. બંગાળના સમુદ્રમાં મોજાની ઊંચાઈને ધ્યાનમાં રાખતા ત્યાં પહોંચતા બે કલાક લાગી શકે અને ક્રૂ મોડયુલમાંથી એસ્ટ્રોનોટ્સને બહાર નીકળવું ભારે પડી શકે. જો કે આ બાબતે હજી અંતિમ નિર્ણય નથી લેવાયો.
લેન્ડીંગ બાદ પણ ક્રૂને રિહેબિલિટેટ કરવાની જરૂર હોય છે અને આવું કેન્દ્ર સમુદ્રથી નજીક હોવું જોઈએ. આ કેન્દ્રમાં મેડિકલ અને અન્ય સુવિધાઓ હશે. આ તમામ કારણોસર નવા કેન્દ્ર માટે ગુજરાતની પસંદગી થઈ શકે છે.