શેરબજારમાં ઉંચો નફો કમાવવા જતા તબીબે ૧૦ લાખ રૂપિયા ગુમાવ્યા
આંતરરાષ્ટ્રીય ગેંગ દ્વારા છેતરપિડી કરાયાની શક્યતા
તબીબને નાણાં પરત આપવાની ના કહેતા છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યોઃ સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી
અમદાવાદ,બુધવાર
શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા અને મેમનગરમાં હોસ્પિટલ ધરાવતા તબીબને શેરબજારમાં રોકાણની સામે ઉંચુ વળતર આપવાનું કહીને રૂપિયા ૧૦ લાખની ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. રોકાણની સામે કોઇ વળતર ન મળતા તબીબે નાણાં પરત માંગ્યા હતા. પરંતુ એપ્લીકેશનથી નાણાં ટ્રાન્સફર ન થઇ શકતા છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. શહેરના આંબાવાડી માણેકબાગ સોસાયટી પાસે આવેલી શ્વેતા પાર્ક સોસાયટીમાં રહેતા ડૉ. જયવીરસિંહ ઝાલા મેમનગર ગુરૂકુળ ખાતે ખાનગી હોસ્પિટલ ધરાવે છે. બે મહિના પહેલા તેમને અજાણ્યા મોબાઇલ નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે શેરબજારની માહિતી આપવા માટે તેમને એક વોટ્સએપ ગુ્રપમાં એડ કર્યા હતા. જેમાં અલગ અલગ ટીપ્સ આપવામાં આવતી હતી. જેથી જયવીરસિંહે એક એપ્લીકેશનમાં લોગઇન કરીને રૂપિયા ૧૦ લાખનું રોકાણ કર્યું હતું. પરંતુ, રોકાણની સામે કોઇ એક મહિના બાદ પણ વળતર કે કમિશન આપવામાં આવ્યું નહોતું. પરંતુ, વધારાનુે રોકાણ કરવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. જેથી જયવીરસિંહે એપ્લીકેશનમાં રહેલા રોકાણના નાણાં ઓનલાઇન પરત લેવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ, નાણાં ટ્રાન્સફર ન થતા તેમને છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. જેથી આ અંગે તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીેસે તપાસ શરૂ કરી છે. આ છેતરપિંડીમાં આંતરરાષ્ટ્રીય ગેંગની સંડોવણી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.