Get The App

માઇકા ઇન્સ્ટીટયુટના પ્રેસીડેન્ટ સાથે રૂ.૧.૧૫ કરોડની છેતરપિંડી ફરિયાદ

પાર્સલમાં પાસપોર્ટ અને એમડી ડ્ગ્સ હોવાનું કહીને ધમકી આપી

બેંક એકાઉન્ટમાંથી આતંકી ફંડ અને મની લોન્ડરીંગ થયાનું કહીને આબાદ છેતરપિંડી આચરીઃ અમદાવાદ સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
માઇકા ઇન્સ્ટીટયુટના પ્રેસીડેન્ટ સાથે રૂ.૧.૧૫ કરોડની છેતરપિંડી ફરિયાદ 1 - image

અમદાવાદ, શુક્રવાર

શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતા અને  શેલા સ્થિત માઇકા ઇન્સ્ટીટયુટમાં  ફરજ બજાવતા  સિનિયર સિટીઝનને  સાથે રૂપિયા ૧.૧૮ કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ  અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા નોંધવામાં આવી છે.પાર્સલમાં પાસપોર્ટ અને ડ્રગ્સ હોવા ઉપરાંત, તેમના નામે ખુલેલા એકાઉન્ટમાથી મની લોન્ડરીંગ તેમજ આતંકી ફંડમાં નાણાં ગયા હોવાનું કહીને ધમકી આપ્યા બાદ નાણાં અન્ય એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કરાયા હતા. આ અંગે ટેકનીકલ સર્વેલન્સના આધારે  અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.શહેરના બોડકદેવમાં આવેલા  ૪૨૬ ટાવર એપાર્ટમેન્ટમાં રહેતા ૬૪ વર્ષીય  શેૈલેન્દ્રરાજ મહેતા શેલામાં આવેલા માઇકા ઇન્સ્ટીટયુટમાં પ્રેસીડેન્ટ તરીકેની ફરજ બજાવે છે.ગત ૨૦મી માર્ચના રોજ તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ફેડેક્સ કુરીયર કર્મચારી તરીકે આપીને  આધાર કાર્ડ અને મોબાઇલ નંબર માંગ્યો હતો. બાદમાં કહ્યું હતું કે  તમારા નામથી  તાઇવાન મોકલવા માટે એક પાર્સલ આવેલું છે. જે પાર્સલમાં  પાંચ પાસપોર્ટલેપટોપ અને ૨૦૦ ગ્રામ એડી ડ્રગ્સ છે. જે ગંભીર બાબત છે.  ત્યારબાદ કોલને મુંબઇ સાયબર સેલમાં ટ્રાન્સફર કરવાનું કહીને સાયબર સેલમાંથી પ્રકાશ નામના અધિકારીએ વાત કરી હતી. તેણે  કહ્યું હતું નવાબ મલિક નામના મંત્રી મની લોન્ડરીંગ અને આતંકી ફંડના ગુનામાં  જેલમાં છે. તેેણે ત્રણસોથી ચારસો જેટલા બોગસ બેંક એકાઉન્ટ ખોલ્યા છે. જેમાં તમારૂ બેંક એકાઉન્ટ પર તેણે ખોલ્યું છે.  આ કેસમાં અમે અનેક લોકોની ધરપકડ કરી છે. જો કે શૈલેન્દ્રરાજને આ કોલ શંકાસ્પદ લાગતા તેમણે  તેમના સેક્રેટરી સાથે વાત કરવાનું કહ્યું હતું. પરંતુ, પોલીસ અધિકારી તરીકે વાત કરતા વ્યક્તિએ સેક્રેટરીને  આ અંગે જાણ કરવાની ના કહી હતી.  બાદમાં સ્કાય પે એપ્લીકેશનથી કોલ કરીને ધમકી આપી હતી કે તમારો અને તમારા પરિવારનો જીવ જોખમમાં છે. બીજા દિવસે ફરીથી તેમને સ્કાય પેથી કોલ કરીને સીબીઆઇમાંથી વોરંટ ઇસ્યુ થયાની  જાણ કરી હતી.  સાથેસાથે કહ્યું હતું કે તમારા બેંક એકાઉન્ટમાંથી ઘણા વ્યવહાર થયા છે. જે આરબીઆઇના સર્વરમાં દેખાઇ છે. જે જાણવા હોય તો અમે કહીએ તે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરજો. બાદમાં નાણાં પરત મળી જશે. જેથી વિશ્વાસ કરીને શૈલેન્દ્રરાજે પંજાબ નેશનલ બેંકના ક્વોલીટી ફુડ  ટ્રેડર્સના બેંક એકાઉન્ટમાં એક કરોડ રૂપિયા અને અન્ય અન્ય બેંક એકાઉન્ટમાં રૂપિયા ૧૫ લાખ જમા કરાવ્યા હતા. જો કે આ નાણાં પરત ન આવતા છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. જે બાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News