વિધાનસભા અધ્યક્ષનું ફેક એકાઉન્ટ બનાવીને ફર્નિચર વેચાણ પર મુક્યું
સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના સ્ટાફે પોલીસને જાણ કરીઃ ઝારખંડથી કોઇએ ફેક એકાઉન્ટ બનાવ્યાની શક્યતા
અમદાવાદ,શુક્રવાર
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નામનું ફેસબુકનું ફેક એકાઉન્ટ બનાવીને કોઇ ગંઠીયાએ ફર્નિચર વેચાણ મુકવાની પોસ્ટ મુકવાની સાથે અનેક લોકોને મેસેજ કર્યા હતો. જે બાબત વિધાનસભા અધ્યક્ષના સ્ટાફના ધ્યાનમાં આવતા આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો ફોટો અને તેમના નામનો ઉપયોગ કરીને કોઇએ ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. બાદમાં આર્મીના અધિકારી તરીકે ઓળખ આપીને બદલી થઇ હોવાથી ફર્નિચર વેચાણનું કહીને અનેક લોકોને મેસેજ મોકલીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે અનુસધાનમાં ેકેટલાંક લોકો સાથે છેતરપિંડી પણ હતી. આ બાબત વિધાનસભા અધ્યક્ષના સ્ટાફના ધ્યાનમાં આવતા તેમણે અમદાવાદ સાયબર ક્રાઇમમાં સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. આ અંગે સાયબર ક્રાઇમના ડીસીપી અજીત રાયજીને જણાવ્યું હતું કે ફરિયાદને આધારે ટેકનીકલ એનાલીસીસ શરૂ કરાયું હતું. જેમાં ફેસબુકનું એકાઉન્ટ ઝારખંડથી એક્ટીવ થયું હોવાનું જાણવા મળ્યું છે. જે અનુસંધાનમાં પોલીસની ટીમને ઝારખંડ મોકલવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા હવે
સ્થાનિક રાજકીય વ્યક્તિઓના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને છેતરપિંડી કરવાની નવી મોડ્સ
ઓપરેન્ડી શરૂ કરવામાં આવી છે. જેમાં વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકરના
ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને વર્ક ફ્રોમ હોમનું કામ આપવાની પોસ્ટ પણ ફેસબુક પર
મુકવામાં આવી હતી. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના કેટલાંક સ્થાનિક નેતાઓના
ફોટોનો પણ ઉપયોગ કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. જેના કારણે અનેક લોકો
વિશ્વાસમાં આવીને છેતરપિંડીનો ભોગ બને છે.