NID ભળતા નામની વેબસાઇટથી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનું કૌભાંડ

ગુગલમાં સર્ચ કરતા નકલી વેબસાઇટની પણ લીંક મળતી હતી

વિદ્યાર્થીઓ વેબસાઇટથી વિદ્યાર્થીઓની વિગતો મેળવીને અન્ય સંસ્થામાં અભ્યાસ માટે ઓફર કરવામાં આવતી હતીઃ સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યો

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
NID ભળતા નામની વેબસાઇટથી  વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનું  કૌભાંડ 1 - image

અમદાવાદ, સોમવાર

કોઇ ગઠિયાએ જાણીતી ફેશન ડીઝાઇનીંગ માટેની જાણીતી નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇનના ભળતા નામથી વેબસાઇટ તૈયાર કરીને એડમીશન લેવા  ઇચ્છતા  વિદ્યાર્થીઓની વિગતો મેળવીને તેમને  ફોન કરીને અન્ય ખાનગી સંસ્થામાં એડમીશનની ઓફર કરવાના કૌભાંડની વિગતો બહાર આવી છે. જે અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પાલડીમાં આવેલી નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન (એનઆઇડી)માં સિનિયર એડમીનસ્ટ્રેટીવ ઓફિસર તરીકે ફરજ બજાવતા સૈફુદ્દીન સફરીએ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી છે કે થોડા સમય પહેલા તેમની સંસ્થામાં એક ઇમેઇલ આવ્યો હતો. જેમાં તેણે એનઆઇડીના નામથી તૈયાર કરવામાં આવેલી કેટલીક બનાવટી વેબસાઇટ અંગે માહિતી આપી હતી. જેથી  આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોઇએ એનઆઇડીની સત્તાવાર www.nid.efu ને ભળતી www.nid.org.in ની વેબસાઇટ તૈયાર કરી હતી. જેમાં એનઆઇડીને લગતા ફોટોગ્રાફ્સ, અભ્યાસ ક્રમની વિગતો, એડમીશનની હાઇપરલીંક પણ હતી. જેમાં વિદ્યાર્થીઓના ડેટા અને સર્ટીફિકેટની વિગતો મેળવીને તેમને કોલ કરીને એનઆઇડીને બદલે અન્ય સંસ્થામાં એડમીશન માટે લાલચ આપીને છેતરપિડી કરવામાં આવતી હતી. જેમાં અનેક વિદ્યાર્થીઓના ડેટા પણ ચોરી કરાયા હતા. જે બાબતને ગંભીરતાથી લઇને સાયબર ક્રાઇમના અધિકારીઓએ સાથે એનઆઇડીની સિનિયર અધિકારીઓએ મીટીંગ કરી હતી. જેના આધારે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે  એનઆઇડીની બનાવટી વેબસાઇટ તૈયાર કરનાર અંગે કડીઓ પોલીસને મળી છે અને ધરપકડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં ફેશન ડિઝાઇઝનીંગ ફિલ્ડમાં વિદ્યાર્થીઓને મેળવવા માટે આ વેબસાઇટ તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.  જે અંગે આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.


Google NewsGoogle News