ડોક્ટરને મસાજ માટે બોલાવી હનીટ્રેપ કરનાર યુવતી અને તેના પતિ સહિત ચાર પકડાયાઃ બીજા લોકો પણ શિકાર બન્યા

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
ડોક્ટરને મસાજ માટે બોલાવી હનીટ્રેપ કરનાર યુવતી અને તેના પતિ સહિત ચાર પકડાયાઃ બીજા લોકો પણ શિકાર બન્યા 1 - image

વડોદરાઃ  વડોદરાના સમા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટરને ફેસબૂક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ મસાજ માટે ઘેર બોલાવી હની ટ્રેપના બનેલા બનાવમાં ગોત્રી પોલીસે યુવતી અને તેના પતિ સહિત ચાર જણાને ઝડપી પાડ્યા છે.  હની ટ્રેપના બનાવમાં ડોક્ટર સિવાય બીજા પણ લોકો ફસાયા હોવાની વિગતો પોલીસ તપાસ રહી છે.

ગોત્રીના પીઆઇ આર એન પટેલે કહ્યું હતું કે,હની ટ્રેપમાં લોકોને ફસાવતી ગેંગની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.આ માટે અમે યુવતી તેમજ તેના પતિના મોબાઇલની તપાસ માટે ફોરેન્સિકની મદદ લેવાના છીએ.

આ પૈકી ડોક્ટર ઉપરાંત વધુ એક ભોગ બનેલો યુવકનો સંપર્ક થયો છે.ગેંગ દ્વારા તેની પાસે રૃપિયા પડાવવા ધમકીઓ આપવામાં આવી રહી છે.પરંતુ યુવક હજી સુધી તાબે થયો નથી.આવા બીજા પણ લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

હનીટ્રેપમાં  પોલીસે પકડેલા આરોપીઓની માહિતી

(૧) યોગેશ ભરતસિંહ લબાના (સંસ્કાર નગર,ગોત્રી)(યુવતીનો પતિ)

(૨) જૂહી લબાના

(૩) સન્ની રાજુભાઇ બારોટ(હરિભક્તિ ચાલ,સલાટવાડા)

(૪) અનિલ મનહરભાઇ બારોટ(નાનો બારોટ મહોલ્લો,સલાટવાડા).

સલવાયેલા ડોક્ટરે પત્નીની મદદ લીધી

હનીટ્રેપમાં ફસાયેલા ડોક્ટર પાસે રૃ.૨ લાખ રોકડા માંગતી ગેંગ દ્વારા બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવતી હતી.તેમણે એમ પણ કહ્યું હતું કે,તારો વીડિયો એક મહિનો રાખી મૂકીશું.જો કોઇ હોંશીયારી કરીશ તો વીડિયો વાયરલ કરીને બળાત્કારના કેસમાં ફસાવી દઇશું.જેથી ડોક્ટરે તેની પત્નીને વાત કરી હતી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ કરી હતી.


Google NewsGoogle News