વસ્ત્રાલમાં મેટ્રો સ્ટેશનના મુસાફરો માટે રિંગરોડ પર ફૂટ ઓવરબ્રિજ બનશે
- ગોળાકાર આકારનો આકર્ષણ બ્રિજ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો
- મેટ્રોે ટ્રેન સ્ટેશન સુધી પહોંચવામાં રિંગ રોડનો ટ્રાફિક ન નડે, અકસ્માતનું જોખમ ન રહે તે માટે બ્રિજનું કામ આરંભાયું
અમદાવાદ,તા.01 જાન્યુઆરી 2022,શનિવાર
અમદાવાદમાં વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશનની પાસેથી સરદાર પટેલ રિંગ રોડ પસાર થઇ રહ્યો છે. મેટ્રોના મુસાફરોને મેટ્રો સ્ટેશને જતા રોડ ઓળંગવો ન પડે, અકસ્માતનું જોખમ કે ટ્રાફિકજામની સમસ્યા વેઠવી ન પડે તે માટે હાલમાં રિંગ રોડ પર મેટ્રો બ્રિજની નીચે, રિંગરોડ પર જ ગોળાકાર આકારના ફૂટઓવરબ્રિજનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે. જેના થકી મુસાફરોની ઉપરોક્ત તમામ સમસ્યાઓનું સમાધાન થઇ જશે.
અમદાવાદમાં આ વર્ષે મેટ્રો ટ્રેન દોડતી થઇ જશે. તે દિશામાં હાલમાં અંતિમ ચરણનું કામકાજ ચાલી રહ્યું છે. અમદાવાદમાં વસ્ત્રાલ ગામથી લઇને થલતેજ સુધીનો એક મેટ્રોનો રૂટ છે. જેમાં વસ્ત્રાલ ગામ સ્ટેશન પાસે રિંગરોડ આવતો હોવાથી ત્યાં મુસાફરોની સુવિધા માટે ફૂટ ઓવરબ્રિજ બનાવવાનું કામ પુરજોશમાં હાથ ધરાયું છે.
સરદાર પટેલ રિંગ રોડ પર મેટ્રોના સંકલનમાં રહીને ઔડા દ્વારા આ ફૂટ ઓવરબ્રિજનું કામકાજ હાથ ધરાયું છે. જેને લઇને મુસાફરોને મોટી રાહત મળી રહેશે. આ ફૂટ ઓવરબ્રિજ ગોળાકાર બનાવાયો છે. જેને લઇને હાલમાં તેની આકર્ષણ ડિઝાઇન લોકોમાં કુતુહલ અને આકર્ષણ જન્માવી રહી છે.
સરદાર પટેલ રિંગ રોડ પર હાથીજણ સર્કલથી માંડીને છેક ઓઢવ સર્કલ સુધી રોજ તેમાંય ખાસ કરીને પીક અવર્સમાં ચક્કાજામની સ્થિતિ રહેતી હોય છે. રોડ ક્રોસ કરવો પણ મોટી મુસીબત છે. ટ્રાફિકજામ વચ્ચે અકસ્માતનું જોખમ પણ રહેલું હોવાથી આ ફૂટ ઓવરબ્રિજ મુસાફરોની તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરશે.
રિંગ રોડ પર ટ્રાફિક પોલીસનો અભાવ જોવા મળે છે, સર્વિસ રોડ પરના દબાણો, વાહનોનું અતિભારણ, રામોલ ટોલનાકું, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવેમાં પ્રવેશ માર્ગ, રોડ પર મોટી સંખ્યામાં ટ્રકોનું પાર્કિંગ સહિતના કારણોસર રિંગરોડ તેનો સળત અને સુરક્ષિત વાહન વ્યવહારનો તેનો હેતુ સર કરી શક્યો નથી. આ સ્થિતિમાં મેટ્રો બ્રિજની નીચે વસ્ત્રાલમાં ફૂટઓવરબ્રિજ મુસાફરો માટે આશિર્વાદરૂપ સાબિત થશે.