અંતે વિશ્વામિત્રીની સપાટીમાં વહેલી સવારથી ઘટાડો, ચાર ફૂટ સપાટી ઘટતા લોકોને હાશકારો
Vadodara Rain Update : વડોદરામાં ભારે વરસાદ પછી ભયાનક પૂર આવ્યા બાદ આજ સવારથી વિશ્વામિત્રી નદીમાં પણ પાણીની સપાટીમાં ઘટાડો થવાનું શરૂ થતાં શહેરીજનો અને વહીવટી તંત્ર એ હાશ અનુભવી હતી. વિશ્વામિત્રીની સપાટી મહત્તમ 35.25 ફૂટ તારીખ 27 ની બપોરે 2:00 વાગે થઈ હતી અને એ પછી પણ આજવામાંથી પાણીની આવક સતત ચાલુ રહેતા સપાટી માપી શકાય તેવી સ્થિતિમાં જ નહોતી. આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરમાંથી પાણી બંધ કરવાનો મંગળવારની રાત્રે નિર્ણય કરાયા પછી પણ વિશ્વામિત્રીની સપાટી ઘટતી ન હતી, પરંતુ આજ સવારથી સપાટીમાં ઘટાડો શરૂ થયો હતો.
આમ, આશરે 40 કલાક સુધી વિશ્વામિત્રીની સપાટી 35.25 ફૂટ રહી હતી. જેના લીધે શહેરમાં વિનાશક પૂરના પાણી ચારેય બાજુ પ્રસરી ગયા હતા. આજે બપોરે 1 વાગે નદીની સપાટી 31.25 ફૂટ નોંધાઈ હતી. આમ, 10 કલાકમાં નદીની સપાટીમાં ચાર ફૂટનો ઘટાડો થતાં વિવિધ વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયા હતા અને નદીમાં પાણી ભરાવાના કારણે જે બ્રિજ બંધ કરાયા હતા તેમાંથી કેટલાક બ્રિજ પર વાહન વ્યવહાર પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો. આજવા સરોવરની સપાટી હજુ પણ 213.75 ફૂટે સ્થિર રહી છે.
આ પણ વાંચો : વડોદરા શહેરમાં સતત ચોથા દિવસે વીજ કંપનીના 44 ફીડરો બંધ, 3 લાખ લોકો હજી વીજળી વગર, સુરતથી 50 ટીમો મદદ માટે બોલાવાઈ
આ પણ વાંચો : વડોદરામાં મગરોનું સામ્રાજ્ય યથાવત, 15 ફૂટના સૌથી મહાકાય મગર સાથે ત્રણ મગરોનું રેસ્ક્યૂ