ફાર્મસીમાં EWS-TFWની બેઠકો અન્ય કેટેગરીમાં નહીં ભરી શકાય
- ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનો પરિપત્ર
અમદાવાદ, તા. 9 ઓક્ટોબર, 2020, શુક્રવાર
ફર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ઈડબલ્યુએસ કેટેગરીનો અમલ થાય બાદ તમામ રાજ્યો અને યુનિ.ઓ તથા ફાર્મસી કોલેજોને પરિપત્ર મોકલીને સ્પષ્ટતા કરી છે કે ઈડબલ્યુએસ,ટીએફડબલ્યુ સહિતની કેટેગરીમાં સુપર ન્યુમરી બેઠકો હોવાથી તે બેઠકો અન્ય કેટેગરીમાં ન ભરવી અને જો વિદ્યાર્થી ન મળે તો ખાલી જ રાખવાની રહેશે.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે જે તે રાજ્યની સરકાર દ્વારા ઈડબલ્યુએસમાં 10 ટકા પ્રમાણે સુપર ન્યુમરી બેઠકો મંજૂર કરાઈ હશે તે બેઠકોને કાઉન્સિલ માન્ય રાખશે .પરંતુ જો 60 બેઠકો હોય તો 6 બેઠક મુજબ 10 ટકા લેખે બેઠકો ભરવાની રહેશે આ ઉપરાંત ટયુશન ફી વેવર (ટીએફડબલ્યુ)માં પાંચ ટકા બેઠકો તથા ડિપ્લોમા ફાર્મસી કરેલા વિદ્યાર્થીઓ માટે બી.ફાર્મમાં સેકન્ડર યર લેટરલ એન્ટ્રી પ્રવેશ માટે 10 ટકા બેઠકો અનામત રાખવાની રહેશે.
આ તમામ બેઠકો સુપર ન્યુમરી બેઠકો ગણાશે.જે હેતુ માટે જે તે રાજ્ય સરકારના સત્તામંડળ દ્વારા આ બેઠકો મંજૂર કરવામા આવી છે તે હેતુના આધાર સાથે જ બેઠકો ભરવાની રહેશે. કાઉન્સિલ તે સિવાય માન્ય નહી રાખે. ઉપરાંત આ કેટેગરીમાં જો વિદ્યાર્થીઓ ન મળે તો આ બેઠકો ખાલી જ રાખવાની રહેશે તેને કોલેજો પોતાની રીતે મનફાવે તેમ અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓથી ભરી નહી શકે.