અમદાવાદ રેલવે સ્ટેશનથી દર મહિને મળતા રપથી વધુ બાળકો

કોઈ કામની લાલચમાં તો કોઈ ગુસ્સા કે આવેશમાં પરિવાર છોડીને નીકળી પડે છે

યુપી, બિહાર, રાજસ્થાન જેવા રાજ્યોની સાથે નેપાળ અને બાંગ્લાદેશમાંથી પણ આવી પહોંચતા બાળકોઃ ૧૨થી ૧૬ વર્ષની વયજૂથના બાળકોનું પ્રમાણ વધારે

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
અમદાવાદ રેલવે સ્ટેશનથી દર મહિને મળતા રપથી વધુ બાળકો 1 - image


  અમદાવાદ, મંગળવાર તા.  03 ઓક્ટોબર, 2023

 છુક છુક કરતી રેલ ગાડીમાં મુસાફરી કરવા બાળકો હોંશેહોંશે પરિવાર સાથે રેલવે સ્ટેશન આવતા હોય છે. તેવામાં કેટલાક બાળકો માતા-પિતા અને વતનથી દૂર ખોટી રીતે સ્ટેશને આવી પહોંચે છે. દર વર્ષે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી આશરે ૨૭૦થી ૩૫૦ ભટકી ગયેલા બાળકો મળી આવે છે. છેલ્લાં સાડા છ વર્ષોમાં ૧૭૩૬થી વધુ બાળકો અને તરૂણો અહીંના પ્લેટફોર્મ તથા ટ્રેનમાંથી મળી આવ્યા છે. જેમાં આશરે ૭૦ ટકા છોકરા અને ૩૦ ટકા છોકરીઓનો સમાવેશ થાય છે. તરૂણોની કુલ સંખ્યામાંથી  ૫૫ ટકા તો બહારના રાજ્યોમાંથી કામની લાલચમાં તથા પરાણે અહીં આવી પહોંચ્યા હોય છે.


 ભણવામાં ધ્યાન આપવા બાબતે તેમજ આજકાલ મોબાઈલનો ઓછો ઉપયોગ કરવા વાલીઓ પોતાના બાળકોને ઠપકો આપતા હોય છે. તે વાતનું માઠું લગાડી કેટલાક તરૂણો ગુસ્સામાં ઘર છોડીને જતા રહે છે. રેલવે સ્ટેશન પરથી મળતા ૪૦ ટકા બાળકો ઝઘડાના કારણે ઘરેથી ભાગીને આવતા હોવાનું સેન્ટર ફોર ડેવલપમેન્ટના કો-ઓર્ડિનેટર ઈમરાનભાઈએ જણાવ્યું હતું. માત્ર ગુસ્સામાં જ નહીં, પરંતુ ભૂલ કરવાથી પરિવાર તથા શાળામાં સજા મળશે તેવા ભયથી પણ કેટલાક કિશોર ઘર અને શાળાએથી ભાગી જાય છે. ઉપરાંત પ્રેમ સંબંધના નામે અમુક તરૂણો ઘરથી દૂર બીજા શહેરમાં જવા ભાગીને રેલવે સ્ટેશને આવી પહોંચે છે.

 ત્યારબાદ અનેક બાળકો રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યો તેમજ નેપાળ, બાંગલાદેશ સહિતના દેશમાંથી કામની લાલચમાં ગુજરાત આવી પહોંચે છે. તો કેટલાક બાળકોની ટોળકીઓ બનાવી એક એક અઠવાડિયા માટે તેમને અમદાવાદ, સુરત, મુંબઈ સહિત જુદા જુદા સ્ટેશન પર ભીખ માંગવા અમુક તત્વો દ્વારા મોકલી દેવાય છે. વર્ષ ૨૦૧૭થી ૨૦૨૩ દરમિયાન દેશના ૨૪ રાજ્યોમાંથી તથા નેપાળી, બાંગલાદેશી સહિત કુલ ૯૭૦થી વધુ બાળકો અમદાવાદ રેલવે સ્ટેશન પરથી શંકાપસ્દ રીતે મળી આવ્યા છે. મુખ્યત્વે તેઓ ૧૨થી ૧૬ વર્ષ વયજૂથના હોય  છે. આ સિવાય માતા- પિતાએ ત્યજી દીધેલા અનાથ બાળકો પણ અમુક વખત સ્ટેશન પરથી મળે છે. આ તો એવા બાળકો છે જે તંત્રના ધ્યાનમાં આવ્યા છે. હજી કેટલાક તરૂણો હશે જે કામની લાલચમાં ક્યાંક ભટકી રહ્યા છે! રેલવે સ્ટેશન પરના મુસાફરો, કુલી, દુકાનદારોને પ્લેટફોર્મ તથા ટ્રેનમાં ગભરાયેલી હાલતમાં એકલા બેઠા બાળકો દેખાય ત્યારે તેઓ રેલવે પ્રોટેક્શન ફોર્સ, જીઆરપીના જવાનોને જાણ કરતા અનેક પાસાઓ સામે આવે છે. ઉપરાંત આરપીએફ, જીઆરપીના જવાનોને પણ કેટલીક વખત પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ બાળકો મળી આવે છે.

૮૦થી ૮૫ ટકા કિસ્સામાં બાળકોને તેના ઘરે પરત મોકલી દેવાય છે

રેલવે સ્ટેશન પરથી મળતા બાળકોની પૂછપરછ કરી પાછા ઘરે મોકલવામાં આવે તે સમય દરમિયાન તેમને નજીકના શોર્ટ સ્ટે શેલટર હોમમાં રાખવામાં આવે છે. દર મહિને  ૬થી ૧૮ વર્ષની વયના  ૨૫થી ૩૦ બાળકો અહીં આવે છે. જેમાં ૮૦ ટકા છોકરાઓ અને ૨૦ ટકા છોકરીઓ હોય છે. મોટા ભાગ્યે  કામની લાલચમાં તથા ડ્રગ્સ સાથે સંકળાયેલા તરૂણો અહીં આવે છે. જ્યારે કેટલીક તરૂણીઓ શોષણ કરનારાઓના સકંજામાં હોવાનું અમુક વખત સામે આવે છે. એકાદ દિવસમાં તેમના પરિવાર સાથે સંપર્ક ન થાય તો તેમને નિરીક્ષણ ગૃહમાં મોકલી દેવાય છે. ૮૦-૮૫ ટકા કિસ્સામાં બાળકોના પરિવાર  મળી જતા તેમને ઘરે પરત મોકલી દેવાય છે. - ઘનશ્યામભાઈ પ્રજાપતિ, અધિક્ષક, પ્રયાસ શેલ્ટર હોમ

અઢી મહિનાથી રેલવે સ્ટેશન પર ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક બંધ

ખોટી રીતે આવી પહોંચતા બાળકો માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર સાતેક વર્ષ પહેલાં બિન સરકારી સંસ્થા સાથે મળીને ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક શરૂ કરાઈ હતી. જુલાઈ ૨૦૨૩થી આ ડેસ્કની જવાબદારી રાજ્યના જિલ્લા બાળ સરંક્ષણ મંડળ (ડીસીપીયુ)ને  સોંપી દેવાઈ છે. પરંતુ અઢી મહિનામાં હજી સુધી ડીસીપીયુ દ્વારા બાળકો માટેની ડેસ્ક ફરી શરૂ કરવામાં આવી નથી. ઉપરાંત બાળકો માટેની ૧૦૯૮  હેલ્પલાઈનને ૧૧૨ નંબર સાથે સાંકળવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ૧૦૯૮ ઓછી સક્રીય બની ગઈ હોય તેવા લોકોના પ્રતિભાવ છે. ટીમમાં ઓછા લોકો હોવાથી આંતર રાજ્ય કામગીરીમાં સમય લાગી જાય છે.

 







Google NewsGoogle News