ગોવાના પ્રોજેક્ટ પર રોકાણમાં વળતરના નામે ૭૭ લાખની છેતરપિંડી
અમદાવાદ ક્રાઇમબ્રાંચે ગુનો નોંધ્યો
સુરતમાં રહેતા કંપનીના સંચાલકો સહિત ચાર લોકો સામે તપાસ શરૂઃ છેતરપિંડીની રકમનો આંક વધવાની શક્યતા
અમદાવાદ,શુક્રવાર
શહેરના નવરંગપુરામાં ઓફિસ ખોલીને કંપનીના ગોવા અને સોલાર પ્રોજેક્ટ સહિતમાં રોકાણની સામે ઉંચા વળતની લાલચ આપીને ૭૭ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ ક્રાઇમબ્રાંચમાં નોંધવામાં આવી છે. જે અંગે પોલીસે સુરત અને આણંદમાં રહેતા કંપનીના ંસચાલકો સહિત ચાર લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા તુષારભાઇ કથિરીયાએ ક્રાઇમબ્રાંચમાં નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે વર્ષ ૨૦૨૦માં જીગર નિમાવત (રહે. પાર્થ એપાર્ટમેન્ટ, રતનપાર્ક સોસાયટી, નિકોલ) સાથે પરિચય થયો હતો. જીગરે જણાવ્યું હતું કે તે એવર ગ્રો ઇન્વેસ્ટર્સ નામની કંપનીમાં નેશનલ હેડ તરીકે નોકરી કરે છે. કંપનીની ઓફિસ નવંરગપુરા સાકાર ૦૯માં ખુલી છે. કંપની વિવિધ પ્રોજેક્ટ પર કામ કરે છે અને રોકાણ પર ઉંચુ વળતર આપે છે. જેથી વિશ્વાસ કરીને તુષારભાઇએ ૨૧ હજારનું રોકાણ કર્યું હતું. જે બાદ જીગરે તેમને ઓફિસ પર બોલાવીને કંપનીના સીએમડી કેતન સોલંકી (રહે.બિમપ્લસ પેરેડાઇઝ,ગૌરવપથ રોડ, સુરત) અને હિરેન જોગાણી (શાલીમાર પાર્ક,કોસંબા સુરત) તેમજ ફાઇનાન્સ મેનેજર દિપક શાહ (રહે. અંજનીય બગ્લોઝ,આણંદ) સાથે મુલાકાત કરાવી હતી. તમામ લોકોએ તુષારભાઇને કંપનીના અન્ય પ્રોજેક્ટમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપતા તેમણે ૩૧ લાખનું રોકાણ કર્યું હતું. જેના પર કંપની વળતર આપતી હતી. ત્યારબાદ દિપક શાહે જણાવ્યું હતું કે કંપનીને ગોવામાં કન્વેનશન સેન્ટર બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો છે. આ માટે ૨૫ લાખના રોકાણની જરૂર છે. જેથી વિશ્વાસ કરીને તુષારભાઇએ જમીન અને સોનું વેંચીને ૨૫ લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ, દિપક શાહે પ્રોમીસરી નોટ થોડા સમયમાં આપવાની ખાતરી આપી હતી. રોકાણ કર્યાના એક વર્ષ બાદ પણ નાણાંનો હિસાબ ન મળતા દિપક શાહે ખોટા વાયદા કર્યા હતા. જેથી કંપની પર શંકા જતા તપાસ કરી ત્યાર જાણવા મળ્યું હતું કે કંપનીએ ગોવાના તેમજ સોલાર પ્રોજેક્ટના ખોટા દસ્તાવેજ બનાવીને છેતરપિંડી કરી હતી. જેમાં તુષારભાઇ સહિત અન્ય બે લોકો પાસેથી ૭૭ લાખની રકમ લઇને છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં છેતરપિંડીનો આંક વધવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.