સ્વયં વીજળી ઉત્પાદન કરતી વડોદરા-દાહોદ મેમુ ટ્રેનનો આજથી પ્રારંભ

દરેક કોચમાં સીસીટીવી અને બાયો ટોયલેટની સુવિધા

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
સ્વયં વીજળી ઉત્પાદન કરતી વડોદરા-દાહોદ મેમુ ટ્રેનનો આજથી પ્રારંભ 1 - image


વડોદરા : મધ્ય ગુજરાતના બે મહત્વના કેન્દ્ર વડોદરા અને દાહોદને જોડતી 'મેમુ' ટ્રેનનો મંગળવારથી પ્રારંભ થઇ રહ્યો છે. અદ્યતન ટેકનોલોજી ધરાવતી આ મેમુ ટ્રેન તેની જરૃરીયાતની કુલ વીજળીના ૩૦ ટકા વીજળી તો સ્વયં ઉત્પાદન કરશે તેમ રેલવેના અધિકારીઓએ કહ્યું હતું.

વંદે ભારત ટ્રેન જેવી એર સ્પ્રિંગ ટેકનોલોજીના કારણે મુસાફરોને થડકાનો અનુભવ નહી થાય,પીઆઇએસ અને પીએએસ સુવિધા પણ ધરાવે છે

આ ટ્રેનમાં રિજરેટિવ બ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે એટલે ટ્રેનમાં જ્યારે જ્યારે બ્રેક લાગશે ત્યારે વીજળી ઉત્પાદન થશે. આ ઉપરાંત વંદે ભારત ટ્રેન જેવી એર સ્પ્રિંગ ટેકનોલોજીનો આ ટ્રેનમાં ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે જ્યારે ટ્રેન હાઇ સ્પિડમાં પણ ચાલશે ત્યારે પણ મુસાફરોને થડકાનો અનુભવ નહી થાય. મેમુના દરેક કોચમાં ૮ સીસીટીવી લગાવવામાં આવ્યા છે. એલઇડી ડિસપ્લે સાથે પબ્લિક ઇન્ફોર્મેશન સિસ્ટમ (પીઆઇએસ) અને પબ્લિંગ એનાઉન્સમેન્ટ સિસ્ટમ (પીએએસ) પણ આ મેમુ ટ્રેનમા લગાવવામાં આવ્યા છે. દરેક કોચ બાયો ટોયલેટની સુવિધા પણ ધરાવે છે.

અદ્યતન સુવિધા ધરાવતી વડોદરા-દાહોદ મેમુ ટ્રેનનો સોમવારથી પ્રારંભ થશે. સોમવારે ઉદ્ઘાટનના દિવસે આ ટ્રેન વડોદરા સ્ટેશનથી સવારે ૯.૩૦ વાગ્યે રવાના થશે અને બપોરે ૧.૨૫ વાગ્યે દાહોદ પહોંચશે. જ્યારે ૨૭ સપ્ટેમ્બર બુધવારથી ટ્રેન નિયમિત રીતે વડોદરા સ્ટેશનથી સવારે ૮.૪૫ વાગ્યે રવાના થશે અને ૧૨.૪૫ વાગ્યે દાહોદ પહોંચશે. દાહોદથી સાંજે ૩.૫૦ વાગ્યે નીકળશે અને સાંજે ૭.૫૫ વાગ્યે વડોદરા પહોંચશે. ટ્રેન બન્ને તરફ છાયાપુરી, પિલોલ, સમલાયા જં., ચાંપાનેર રોડ જં., બાકરોલ, ડેરોલ, ખરસલિયા, ગોધરા જં., કાનસુડી, ચંચલાવ, સંતરોડ, પિપલોદ, લિમખેડા, મંગલ મહુડી, ઉસરા, જેકોટ અને રેંટિયા સ્ટેશન ઉપર રોકાશે. ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ, લેડિઝ કોચ અને જનરલ કોચની સુવિધા ઉપલબ્ધ છે.


Google NewsGoogle News