સ્ટેટ મોનીટરીંગ સેલ દિપક ઠક્કરની મિલકતો અંગે ઇડીમાં રિપોર્ટ કરશે
જુગારના કેસમાં પોલીસ પાસે મિલકતો જપ્ત કરવાની સત્તા નથી
દુબઇમાં મિલકત ખરીદી અંગેના નિયમો પ્રમાણે સ્થાનિક નાગરિકોના સાથે મળીને મિલકતો વસાવી હોવાની શક્યતાઃ શેરબજારમાં મોટાપ્રમાણમાં રોકાણ
અમદાવાદ,ગુરૂવાર
માધુપુરામાં ઝડપાયેલા ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડીંગના કૌભાડમાં દુબઇથી ઝડપાયેલા દિપક ઠક્કરની રૂપિયા ૧૦૦ કરોડની મિલકતો અંગે મોટો ખુલાસો થયો છે. જો કે જુગાર અન ગેમિંગની મિલકતો જપ્ત કરવાની સત્તા પોલીસ પાસે ન હોવાથી આ મામલે એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ (ઇડી)ની મદદ લેશે. આ ઉપરાત, તેણે દુબઇમાં મિલકત ખરીદીના નિયમ પ્રમાણે સ્થાનિક નાગરિક સાથે સંયુક્ત રોકાણ કર્યાની શક્યતાને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. સાથેસાથે શેરબજારમાં મોટા પ્રમાણમાં નાણાં રોકાયા હોવાની કડી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી છે. માધુપુરાના રૂપિયા ૨૩૦૦ કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના કેસના આરોપી દિપક ઠક્કરની દુબઇથી ધરપકડ કરીને સ્ટેટ મોનીટરીંગ દ્વારા તેના રિમાન્ડ દરમિયાન કરવામાં આવેલી પુછપરછમાં અનેક મહત્વના ખુલાસા થયા હતા. જેમાં તેની તેમજ તેના પરિવારજનોના નામે અમદાવાદ, ડીસા અને ભાભરં ખરીદવામાં આવેલી ૧૦૦ કરોડ રૂપિયાની મિલકતો અંગેની માહિતી મળી હતી. જે મિલકતો તેણે સટ્ટાની આવકમાંથી ખરીદી હોવાની શક્યતાને આધારે તપાસ કરવામાં આવી રહી છે.
આ અંગે એસએમસીના ડીવાયએસપી કે ટી કામરિયાએ જણાવ્યું કે પોલીસ પાસે ગેમિંગના કેસમાં પોલીસ આરોપીની મિલકતો જપ્ત કરવાની સત્તા ન હોવાથી દિપક ઠક્કરની મિલકતોની તમામ માહિતી એકઠી કરીને ઇડીને રિપોર્ટ કરવામાં આવશે. બીજી તરફ દુબઇમાં મિલકત ખરીદીનો નિયમ છે કે કોઇપણ બહારની વ્યક્તિ પોતાના નામે મિલકતો ખરીદી કરી શકતી નથી. જેથી દિપક ઠક્કરે દુબઇના નાગરિકો સાથે મળીને મોટા પ્રમાણમાં મિલકતોના રોકાણની શક્યતા છે. જેથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, દિપક ઠક્કરે શેર બજારમાં પણ કરોડો રૂપિયા રોક્યાની માહિતી મળતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામા આવ્યા છે.