ઔરંગાબાદથી રૂ.૨૦૦ કરોડનું ડ્રગ્સ અને ૩૦૦ કરોડનું રોમટીરિયલ જપ્ત

અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને ડીઆરઆઇનું જોઇન્ટ ઓપરેશન

સુરત ગીતેશ પટેલની ફાર્મા કંપનીની આડમાં કોકેઇન, કેટામાઇન અને એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું ઃ મુંબઇ-ગોવામાં કોકેઇન સપ્લાય થતું હતું

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
ઔરંગાબાદથી રૂ.૨૦૦ કરોડનું ડ્રગ્સ અને ૩૦૦ કરોડનું રોમટીરિયલ જપ્ત 1 - image

અમદાવાદ,રવિવાર

અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને ડીઆરઆઇની ટીમે  મહારાષ્ટ્રના ઔરંગાબાદની ફાર્મા કંપનીના અલગ અલગ યુનિટમાં દરોડો પાડીને રૂપિયા ૫૦૦ કરોડના ડ્રગ્સનો અને ડ્રગ્સ બનાવવા માટેના રૉમટિરિયલનો મોટો જથ્થો જપ્ત કરીનેે મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.  પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં ૨૦૦ કરોડની કિંમતનું તૈયાર કોકેઇન, કેટામાઇન અને એમડી ડ્રગ્સનો તેમજ ૩૦૦ કરોડની કિંમતનું ડ્રગ્સ બનાવવા માટેનું રૉ મટિરિયલ સમાવેશ  થાય છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કોકેઇન અને એમડી ડ્રગ્સનો  દેશના મોટા મોટા શહેરોમાં નિયમિત રીતે સપ્લાય થતો હતો અને કેટામાઇન વિદેશમાં મોકલવામાં આવતું હતું. આ અંગે  પુના ડીઆરઆઇ અને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર વી બી આલને ચોક્કસ માહિતી મળી હતી કે મુળ સુરતનો વતની ગિતેશ પટેલ ઔરંગાબાદમાં તેની બે ફાર્મા કંપનીઓમાં દવા બનાવવાની આડમાં મોટાપાયે એમ ડી ડ્રગ્સ તેમજ કોકેઇન જેવા ડ્રગ્સનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરીને દેશના અલગ અલગ વિસ્તારોમાં મોકલી આપવામાં આવે છે. જે બાતમીને આધારે  ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા ત્રણ વાર રેકી કરીને ખાતરી કરવામાં આવી હતી.  જો કે  મહારાષ્ટ્રમાં  અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ દરોડાની સત્તાવાર કાર્યવાહી કરી શકે તેમ ન હોવાને કારણે પુના ડીઆરઆઇનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે પછી ડીઆરઆઇની ત્રણ ટીમ અને ક્રાઇમબ્રાંચ દ્વારા બે ફાર્મા કંપની અને ગીતેશ પટેલની ઓફિસ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં  પોલીસને ૨૦૦ કરોડની કિંમતનું તૈયાર ડ્રગ્સ અને  ૩૦૦ કરોડનું  ડ્ગ્સ બનાવવા માટેનું રૉ મટિરિયલ મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા ડ્ગ્સમાં કોકેઇન, કેટામાઇન અને એમ ડી ડ્ગ્સનો સમાવેશ થતો હતો. પોલીસે ગીતેશ પટેલ સહિત કુલ ત્રણ લોકોને વધુ પુછપરછ શરૂ કરી છે. 

અમદાવાદ ક્રાઇમબ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલિકે આ અંગે જણાવ્યું કે  ગીતેશ પટેલ ડ્રગ્સ તૈયાર કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં સપ્લાય કરતો હતો.  ડીઆરઆઇ અને ક્રાઇમબ્રાંચ હાલ તેની સંયુક્ત પુછપરછ કરી રહી છે.  ગીતેશ પટેલ વિરૂદ્વ ગુજરાતમાં પણ ડ્રગ્સ સપ્લાય કરાયાનું વિગતો બહાર આવતા  અમદાવાદ ક્રાઇમબ્રાચં પણ ગુનો નોંધવાની કાર્યવાહી કરશે. આ માટે  તેના નેટવર્ક અંગે તપાસ કરવામાં આવી રહી છે.

 ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં  ડ્રગ્સનો મોટો કારોબાર

સુરતનો ગીતેશ પટેલ ગુજરાતમાં ખુબ મોટા પાયે કોકેઇન અને એમ ડી સપ્લાય કરતો હતો.   ગુજરાતની સાથે તે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં તેણે સ્થાનિક ડ્રગ્સ માફિયાઓનું મોટો નેટવર્ક બનાવ્યું હતું. આ ડ્ગ્સને દવાની ફેક્ટરીથી બહાર લાવીને ચોક્કસ સ્થળે પહોંચાડવા માટે તે દવાના પાર્સલમાં ડ્રગ્સનો જથ્થો નિયત શહેરોમાં મોકલતો હતો.  તેની પુછપરછ દમિયાન આ અંગે અનેક વિગતો  બહાર આવશે.

  કેટામાઇન ડ્ર્ગ્સ તૈયાર કરીને વિદેશ મોકલાતું

ગીતેશ પટેલ તેની ફેક્ટરીમાં બહારથી જોબ વર્ક લઇને દવા બનાવવાનું કામ કરતો હોવાનું બતાવીને નિયમિત રીતે ડ્રગ્સ તૈયાર કરતો હતો. ખાસ કરીને તે કરોડોનું કેટામાઇન ડ્રગ્સ તૈયાર કરીને વિેદેશમાં સપ્લાય કરતો હતો. આ માટે રૉ મટિરિયલને તે વિદેશમાંથી મંગાવીને તે પ્રોસેસ કરીને કેટામાઇન નામનું ડ્રગ્સ  બનાવીને દક્ષિણ ભારતના  પોર્ટ પરથી અન્ય દેશોમાં મોકલી આપતો હતો.

 

 ગોવા-મુંબઇમાં સૌથી વધારે કોકેઇન મોકલાતું

ગીતેશ પટેલના દેશના અનેક મોટા ડ્ગ્સ માફિયાઓ સાથે સીધા સંબધો હતા. તેમને તે નિયમિત રીતે  એમ ડી અને કોકેઇન સપ્લાય કરતો હતો.  જો કે  તેના દ્વારા તૈયાર થતો કોકેઇનનો જથ્થો ગોવા અને મુંબઇના મોટા ડ્રગ્સ માફિયાઓને મોકલી અપાતો હતો. આ ઉપરાંતહિમાચલ પ્રદેશઉત્તરાખંડમાં પણ તેના ડ્ગ્સની વિશેષ ડિમાન્ડ રહેતી હતી.

ગીતેશના ઘરેથી ડ્રગ્સ -૩૦ લાખની રોકડ મળી


ક્રાઇમબ્રાંચ અને ડીઆરઆઇ દ્વારા ગીતેશ પટેલની ઔરંગાબાદમાં આવેલી મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં દરોડાની કાર્યવાહી સાથે તેના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.  જેમાં પોલીસને ૩૦ લાખની રોકડ , કોકેઇન અને એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.  


Google NewsGoogle News