સિવિલમાં એમ્બ્યુલન્સમાંથી ખેંચીને છરીના ઘા મારી યુવકની હત્યા કરી
દિવાળીના તહેવારમાં ખૂની ખેલ ઃ હત્યાના બે બનાવ
ખોખરામાં જાહેરમાં તલવારના ઘા મારી યુવકની હત્યા
અમદાવાદ,મંગળવાર
પૂર્વ વિસ્તારમાં દિવાળીના તહેવારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ જાહેરમાં હત્યાના બે બનતા ભયનો માહોલ સર્જાયો હતો. જેમાં ખાસ કરીને નરોડા મેમ્કો ખાતે અદાવતમાં યુવકના ઘરમાં ઘૂસીને તલવારના ઘા માર્યા પછી યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં એમ્બ્યુલન્સમાંથી ખેંચીને બહાર કાઢીને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા કરી હતી જ્યારે ખોખરામાં પણ અદાવતમાં યુવકને તલવારના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં હુમલો, શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હત્યા અને ખોખરા પોલીસે ખૂન અને ખૂનની કોશિષ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મેમ્કોમાં ઘરમાં ઘૂસી તલવારથી હુમલો કર્યા બાદ સિવિલમાં હત્યા ઃ ખોખરામાં જાહેરમાં તલવારના ઘા મારી યુવકની હત્યા
નરોડા મેમ્કો પાસે મહિલાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧ના રોજ રાતે મહિલા પરિવાર સાથે ઘરમાં જમવા માટે બેઠા હતા ત્યારે આરોપીઓ લાકડી, તલવારો સાથે ઘરમાં ઘૂસી તેમના દીકરા આલોક સાથે માર મારી કરીને ઘાતક હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ સીટી સ્કેન કરાવવા સહયોગ એમઆઇઆઇ સેન્ટર જવા એમ્બ્યુલન્સમાં બેઠા હતા. ત્યારે જ પ્રેમનગરમાં રહેતા ચાર શખ્સો છરી સહિતના હથિયાર લઇ આવ્યા હતા અને યુવકને એમ્બ્યુલન્સમાંથી બહાર ખેંચીને તેના ઉપર છરી વડે હુમલો કરી ફરાર થઇ ગયા હતા. જ્યાં ટ્રોમા સેન્ટર લઇ જતાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે શહેર કોટડા પોલીસે હત્યાની કોશિષ અને શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખોખરામાં રહેતા યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં ખોખરામાં રહેતા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવીછે કે બે મહિના અગાઉ રોડ ઉપર આરોપીઓ કોઇ રિક્ષા ચાલકને માર મારતા હતા. જેથી ફરિયાદી અને તેના ભાઇ ત્યાં જઇને ઝઘડો કરવાની ના પાડતા બંને શખ્સો બિભત્સ ગાળો બોલીને જતા રહ્યા હતા. તેની અદાવત રાખીને તા. ૧ના રોજ ફરિયાદી અને તેનો ભાઇ તથા કાકાનો પુત્ર અને માસા રિક્ષા લઇને કપડાની ખરીદી કરવા જઇને પરત આવ્યા હતા ત્યારે સુચીતે ચાલું બાઇકે ચાકુ બતાવી રિક્ષા ઉભી રાખવા પ્રયાસ કર્યો હતો પરંતુ રિક્ષા ઉભી રાખી ન હતી અને ઘરે પહોચ્યા બાદ ફરિયાદીના પરિવારના સભ્યો તમામ દંડો લઇને આરોપીને સમજાવવા ગયા હતા. આ સમયે આરોપીઓએ મારામારી કરી હતી અને ચાર શખ્સો હાથમાં તલવાર લઇને આવીને તલવારના ઘા મારતા બે લોકો લોહી લુહાણ થઇ ગયા હતા હુમલો કરીને ચારેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. તેમજ ઇજાગ્રસ્ત બે જણાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતા અજયને ડોકટરે મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે ખોખરા પોલીસે હત્યા અને હત્યાની કોશિષ સહિતની કલમ હેઠળ સામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.