એક બુરખાધારી યુવતીના કારણે ડોન દાઉદ ઇબ્રાહિમ વડોદરા પોલીસને ઝપટે ચડ્યો
વડોદરા પોલીસે નિષ્ઠાપૂર્વક ફરજ નીભાવી હોત તો દાઉદ 'ડોન' ના બની શક્યો હોત
40 વર્ષ પહેલા દાઉદ ઇબ્રાહિમ કાસકર મુંબઇની અંડર વર્લ્ડની દુનિયામાં નામચીન બની રહ્યો હતો ત્યારે જ વડોદરા પાલીસની ઝપટે ચડી ગયો હતો
વડોદરા : મોસ્ટ વોન્ટેડ આતંકી ડોન દાઉદ ઇબ્રાહિમ કાસકરનું નામ હજુ અંડર વર્લ્ડની દુનિયામાં ગુંજતુ થયુ ન હતું ત્યારે ૪૦ વર્ષ પહેલા તેની સામે વડોદરામાં એક એફઆઇઆર નોંધાઇ હતી જેમાં દાઉદની ધરપકડ પણ કરવામા આવી હતી અને જામીન પર છુટી ગયો હતો. તે પછી દાઉદ મુંબઇ અંડર વર્લ્ડનો ડોન બની ગયો. વડોદરા પોલીસે તે સમયે જ જો દાઉદના કેસમાં નિષ્ઠાપુર્વક ફરજ નીભાવી હોત અને નિષ્ઠાપુર્વક તપાસ કરી હોત તો કદાચ દાઉદ ડોન ના બની શક્યો હોત. વડોદરા પોલીસની બેદરકારીના કારણે દાઉદ અને તેના ચાર સાગરીતો સામેનો કેસ લુલો પડી ગયો અને આ ખુંખાર ગુનેગારો નિર્દોષ જાહેર થયા.
દાઉદે એવો જાદુ કર્યો કે કસ્ટમે દાણચોરીનો માલ છોડી દીધો
૮૦ના દાયકામાં મુંબઇનું અંડર વર્લ્ડ દાણચોરીમાં વ્યસ્ત હતું. ત્યારે દાઉદ અંડર વર્લ્ડમાં ડોન તરીકે પ્રસિધ્ધ થવા લાગ્યો હતો. દાઉદે પણ વાયા દુબઇ દાણચોરીનો માલ મંગાવ્યો હતો જે જામનગર જિલ્લાના ખંભાળીયા નજીક સલાયા બંદરે લેન્ડ થવાનો હતો. દાઉદના કટ્ટર દુશ્મન આલમઝેબે કસ્ટમને માહીતી આપી દીધી. જુન ૧૯૮૩ની આ ઘટના છે. કસ્ટમે આ માલને પકડી લીધો હતો. આ ઘટનાથી દાઉદ હેરાન થઇ ગયો અને પોતાના ગુર્ગાઓ અલી અબ્દુલ્લા અંતુલે, હાજી ઇસ્માઇલ અને ઇબ્રાહિમ શેખ સાથે લાલરંગની હોન્ડ એકોર્ડ કાર લઇને સલાયા દોડી આવ્યો હતો. દાઉદે સલાયા પહોંચીને શું જાદુ કર્યુ કે કસ્ટમે તેનો માલ છોડી દીધો.
આલમઝેબ સલાયાથી દાઉદનો પીછો કરતા કરતા વડોદરા પહોંચ્યો
સલાયામાં કામ પત્યા પછી દાઉદ મુંબઇ પરત જતો હતો. દરમિયાન વડોદરા નજીક દાઉદને શંકા ગઇ કે એમ્બેસેડર કાર તેનો પીછો કરી રહી છે. દાઉદે કાર રોકાવી. એમ્બેસેડર કાર નજીક આવી. હાજી ઇસ્માઇલે જોયુ કે એમ્બેસેડરમાં આલમઝેબ હતો. હજુ કશુ વિચારે તે પહેલા તો ફાયરિંગ થયુ જેમાં હાજી ઇસ્માઇલને હાથમાં અનેે દાઉદને ગળાના ભાગે ગોળી વાગી. મકરપુરા હાઇવે થી કાર વડોદરા તરફ વળી અને સીધી એસએસજી હોસ્પિટલ પહોંચી. દાઉદ અને હાજી ઇસ્માઇલને અહી દાખલ કરવામાં આવ્યા જ્યારે ઇબ્રાહિમ અને અલી અબ્દુલ્લા સયાજીગંજની જગદીશ લોજમાં રૃમ રાખીને રોકાયા. કારમાં રાખેલા હથિયારો તેઓએ આ રૃમમાં છુપાવ્યા હતા.
બુરખાધારી યુવતીના કારણે પોલીસને જાણ થઇ કે ઇજાગ્રસ્ત યુવક ડોન દાઉદ છે
મામલો ફાયરિંગનો હતો એટલે વડોદરા પોલીસ એક્ટિવ થઇ. એસએસજી હોસ્પિટલમાં પહોંચીને તપાસ આદરી. પોલીસને કોઇ ક્લુ મળી રહ્યો નહતો. દાઉદ સહિતના આરોપીઓ પોતાની ઓળખ છુપાવીની ખોટી માહિતી આપી રહ્યા હતા. દરમિયાન બીજા દિવસે દાઉદને મળવા માટે કેટલાક લોકો આવ્યા હતા જેમાં એક બુરખાધારી યુવતી પણ હતી. તેણે દાઉદને એક કવર આપ્યુ. આ દ્રશ્ય પોલીસ જોઇ ગઇ અને યુવતીની અટકાયત કરીને કવર જપ્ત કરી લીધુ. કવરમાં રાખેલો કાગળ કાઢીને વાંચતા પોલીસની ઊંઘ હરામ થઇ ગઇ હતી કેમ કે એસએસજી હોસ્પિટલના બીછાને પડેલો ઇજાગ્રસ્ત યુવક બીજો કોઇ નહી પરંતુ ડોન દાઉદ ઇબ્રાહિમ હતો.