આધાર કાર્ડ આપવાની આનાકાની કરી ઘરઘાટી રૂ.સાડા સાત લાખ ચોરી ગયો

સ્ટર્લીંગ હોસ્પટલના તબીબને ઘરઘાટીનું પુરૂ નામ પણ ખબર નથી

પિતા બિમાર હોવાનું કહીને રાજસ્થાન જવાનું કહ્યા બાદ મોબાઇલ બંધ કરીને નાસી ગયોઃ સાયન્સ સીટી રોડ પરના કલ્હાર એક્ઝોટીકા બંગ્લોઝની ઘટના

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
આધાર કાર્ડ આપવાની  આનાકાની કરી  ઘરઘાટી રૂ.સાડા સાત લાખ  ચોરી ગયો 1 - image

અમદાવાદ, રવિવાર

શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઘરઘાટીઓ દ્વારા ચોરીના અનેક બનાવો બને છે. જેમાં ઘરઘાટીને નોકરી પર રાખનાર લોકોની બેદરકારી સામે આવી છે. જેના કારણે ચોરીના બનાવો વધી રહ્યા છે.  મોટાભાગના કિસ્સામાં ઘરઘાટીને નોકરી પર રાખતા સમયે તેની વિગતો તપાસવામાં આવતી નથી અને નિયમ મુજબ ઘરઘાટીને નોકરીમાં રાખ્યા અંગે પોલીસને જાણ કરવાની રહે છે.  ત્યારે ઘરઘાટી દ્વારા ચોરી કરવામાં આવી હોવાનો વધુ એક કિસ્સો બન્યો છે. જેમાં  સાયન્સ સીટી  રોડ પર આવેલા કલ્હાર એક્ઝોટીકામાં રહેતા તબીબે થોડા દિવસ પહેલા રાખેલા ઘરઘાટીએ રૂપિયા સાડા સાત લાખની ચોરી કરી હતી. જે અંગે બોડકદેવ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શહેેરના સાયન્સ સીટી રોડ પર આવેલા કલ્હાર એક્ઝોટીકા બંગ્લોઝમાં રહેતા ૬૫ વર્ષીય તબીબ  ડૉ. સુકુમાર મહેતા સ્ટર્લીંગ હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવે છે.ગત ૨૫મી નવેમ્બરના રોજ તેમણે તેમના બેડરૂમના ડ્રોઅરમાં રૂપિયા સાડા સાત લાખની રોકડ મુકી હતી અને ચાવીને ડીજીટલ લોકરમાં મુકી હતી.  શનિવારે આ નાણાંની જરૂર હોવાથી તેમણે ડ્રોઅર ખોલ્યુ ત્યારે જોયુ તો સાડા સાત લાખની રોકડ ત્યાં નહોતી. જે  બાદ તેમણે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે તેમને ત્યાં  કામ કરતા રમેશ નામના ઘરઘાટીએ શનિવારે ઘરમાં કચરા પોતા કરીને કહ્યું હતું કે રાજસ્થાનમાં રહેતા તેના પિતાની તબીયત ખરાબ હોવાથી તે થોડા દિવસ કામ કરવા માટે નહી આવે.  જેથી તેને કોલ કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી આ અંગે તેમએ બોડકદેવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે આ કિસ્સામાં નવાઇની વાત એ છે કે ડૉ. સુકુમાર મહેતાને તેમને ત્યાં ગત ૨૫મી સપ્ટેમ્બરથી કામ કરતા ઘરઘાટીનું પુરૂ નામ કે સરનામુ પણ ખબર નહોતી.  ફરિયાદ તેમણે ઉલ્લેખ કર્યો છે કે રમેશ નામના ઘરઘાટી પાસે આધાર કાર્ડ માંગતા તેણે વાતને ટાળી હતી.  ત્યારે આ પ્રકારના કિસ્સા વધી રહ્યા છે. જેમાં થોડા દિવસ પહેલા એક ઘરઘાટી દંપતિએ અનેક ચોરી કરી હોવાનું ખુલ્યુ હતું.


Google NewsGoogle News