ગુજરાતમાં 571 પોલીસ કર્મચારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી: 19 ફરિયાદ
ગ્રેડ પે મામલે હજુ પણ સોશિયલ મિડિયામાં આંદોલન
ગ્રેડ-પે ના પ્રશ્નના ઉકેલ માટે વિશેષ કમિટીની રચના બાદ કોઇપણ રીતે આંદોલન ન કરવા ડીજીપીએ સૂચના આપી હતી
અમદાવાદ : ગ્રેડ પેના મામલે રાજ્યમાં શરૂ થયેલા આંદોલન બાદ સરકારે પ્રશ્નોનાના નિરાકરણ માટે ખાસ કમિટીની રચના કરીને તમામ પ્રશ્નોના યોગ્ય નિરાકરણની ખાતરી આપી હતી. આ સાથે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ સુચના આપી હતી કે કોઇપણ પોલીસ કર્મચારીઓ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે આંદોલન કરશે તો કાર્યવાહી કરવામાં આવશે.
જો કે હજુ પણ કેટલાંક પોલીસ કર્મચારીઓ સોશિયલ મિડીયા પર ગ્રેડ પે મામલે પ્રશ્નો ઉઠાવતા હોવાનું બહાર આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 571 પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી થઇ છે. તો આ સંદર્ભમાં થયેલી ફરિયાદની સંખ્યા 19 પર પહોંચી છે.
ગુજરાતમાં થોડા દિવસ પહેલા પોલીસ કર્મચારીઓએ ગ્રેડ પેની જુની માંગણી સંંદર્ભમાં આંદોલન શરૂ કર્યું હતું. જો કે આંદોલનના ત્રણ દિવસ બાદ રાજ્ય સરકારે પોલીસ પરિવાર સાથે મિટીંગ કરીને તમામ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપીને પાંચ સભ્યોની કમિટીની રચના કરી હતી.
આ સમયે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ તમામ પોલીસ કર્મીઓને ખાસ તાકીદ કરી હતી કે આંદોલનના પ્રશ્નોના નિરાકરણ ખાતરી બાદ પોલીસ કર્મચારીઓ જો સોશિયલ મિડીયાની મદદથી કે અન્ય કોઇ પણ રીતે આંદોલન ચલાવશે તો તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તેમજ પોલીસ કર્મચારીઓના સોશિયલ મિડીયા પર સતત નજર રાખવામાં આવી રહી હતી. ત્યારે બહાર આવ્યું હતું કે હજુ પણ રાજ્યમાં ઘણા પોલીસ કર્મચારીઓ વોટ્સએપના વિવિધ ગુ્રપમાં કે અન્ય રીતે ગ્રેડ પેના આંદોલન સંદર્ભની પોસ્ટ મુકી રહ્યા છે.
જેના આધારે અત્યાર સુધીમાં કુલ 571 જેટલા પોલીસ કર્મચારીઓની સામે કાયદેસરના પગલા ભરીને તેમની બદલીથી માંડીને અન્ય રીતે પુછપરછ કરવામાં આવી રહી છે. તો પોલીસ આંદોલન કરે તે માટે ઉશ્કેરવા માટેની 19 જેટલી ફરિયાદ થઇ ચુકી છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું કે તમામ જિલ્લાઓમાં પોલીસની રજૂઆત સાંભળવામાં આવી છે. આ માટે અત્યાર સુધીમા ં 299 જેટલી બેઠકો થઇ છે.
તો તમામ તાલુકા સ્તરે પણ પોલીસ કર્મચારીઓની માંગણીની નોંધ કરીને ઉચ્ચ સ્તરે મોકલી આપવામાં આવી છે. આ સાથે પોલીસ કર્મચારીઓના આવાસનો પ્રશ્ન ખુબ ઝડપથી હલ થશે. જેમાં આગામી ત્રણ મહિનામાં 2140 , છ મહિનામાં 4648 અને તો 12 મહિના બાદ 1248 પોલીસ આવાસ તૈયાર થઇ જશે. આમ, હવે વધુ સારા મકાનોની ફાળવણી કરવામાં આવશે.
પોલીસ ગ્રેડ-પે સુધારણા મામલે આજે ગાંધીનગરમાં કમિટીની પ્રથમ બેઠક
ગ્રેડ- પેના મામલે પોલીસ કર્મચારીઓ સરકાર સામે બાંયો ખેચી હતી. આખરે રાજ્ય સરકારે એક કમિટીનુ ગઠન કરી સમગ્ર પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી જેથી આખોય મામલો થાળે પડયો હતો. હવે ગ્રેડ - પે સુધારણાને લઇને આજે પાટનગર ગાંધીનગરમાં રાજ્ય સરકારે નિમેલી કમિટીની પ્રથમ બેઠક મળનાર છે જેમાં પોલીસ કર્મચારીઓની રજૂઆત સાંભળવામાં આવશે.