મનોજ અગ્રવાલ વિરૂધ્ધનો ૭૫ લાખનો તોડકાંડનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો
રિપોર્ટના આધારે આગામી સમયમાં પગલા લેવાશે
રિપોર્ટમાં ક્લીનચીટની ચર્ચા
અમદાવાદ,સોમવાર
રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરૂધ્ધ રૂપિયા ૭૫
લાખના તોડકાંડના ગંભીર આક્ષેપ બાદ ગૃહવિભાગે સમગ્ર મામલે તપાસ કરવા માટે સિનિયર આઇપીએસ
વિકાસ સહાયના અધ્યક્ષ સ્થાને એક કમિટી બનાવી હતી. જેણે આ મામલે ફરિયાદી સખિયા બ્રધર્સથી
માંડીને મનોજ અગ્રવાલના નિવેદન લેવામાં આવ્યા હતા. જે રિપોર્ટ
વિકાસ સહાયે ગૃહ વિભાગને સોંપ્યો છે.જે રિપોર્ટના આધારે આગામી સમયમાં ગૃહવિભાહ
નિર્ણય લઇ શકે છે. જો કે આ રિપોર્ટમાં મનોજ અગ્રવાલ વિરૂધ્ધ કોઇ ચોક્કસ પુરાવા ન હોવાનો
ઉલ્લેખ હોવાથી તેમને ક્લીન ચીટ મળી શકે તેવી ચર્ચાએ જોર પકડયુ હતું.
તાલીમ વિભાગના ડીજીપી વિકાસ સહાયે ફરિયાદીથી લઇને પોલીસ કમિશનર સુધીના અનેક લોકોના નિવેદન સાથે જાત તપાસ કરી હતી
રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરૂધ્ધ રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલથી માંડીને અનેક લોકોએ તોડ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરાયા હતા. સાથેસાથે રાજકોટમાં રહેતા સખિયા બ્રધર્સે રૂપિયા ૭૫ લાખ જેટલી રકમનો તોડ કરાયાનો આક્ષેપ મહત્વના પુરાવા સાથે કર્યો હતો. જે બાદ આ મામલે ગૃહ વિભાગે સિનિયર આઇપીએસ અધિકારી વિકાસ સહાયની અધ્યક્ષતામાં સમગ્ર મામલે તપાસ કરવા માટે ખાસ કમિટી બનાવી હતી. જે અનુસંધાનમાં બે થી ત્રણ મહિના સુધી અલગ અલગ તબક્કામાં તપાસ ચાલી હતી. સાથે સાથે પુરાવા એકત્ર કરાયા હતા. આ દરમિયાન રાજકોટના અનેક પોલીસ અધિકારીઓની બદલીઓ પણ કરવામાં આવી હતી. આમ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વિકાસ સહાય અને તેમની ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરાયો હતો. જે ગૃહવિભાગને સોંપવામાં આવ્યો છે. આ અંગે વિકાસ સહાયે જણાવ્યું હતું કે તેમણે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રિપોર્ટ તૈયાર કર્યો છે. જેના આધારે ગૃહ વિભાગ નિર્ણય લઇ શકે છે. બીજી તરફ રાજકોટમાં આ રિપોર્ટને આધારે ચર્ચા ચાલી હતી કે મનોજ અગ્રવાલ વિરૂધ્ધ કોઇ ખાસ પુરાવા તપાસ કમિટીને મળ્યા નથી . જેથી તેમને ક્લીન ચીટ મળી શકે છે. હાલ મનોજ અગ્રવાલને જુનાગઢ પોલીસ તાલીમમાં સજાના ભાગરૂપે પોસ્ટીંગ અપાયું છે.