સાયબર ક્રાઇમ અને ડ્રગ્સનો મામલો ગુજરાત પોલીસ માટે પડકારઃ DGP
રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સાયબર એક્સપર્ટની કાયમી નિમણૂંક કરાશે
હત્યા, ચોરી , લૂંટ જેવા ગુનાઓમાં ઘટાડો ઃ અમદાવાદમાં નવી સીપી ઓફિસમાં પોલીસ કમિશનર્સ અને રેંજ આઇજીપીની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ
અમદાવાદ,મંગળવાર
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા અનુસંધાનમા વિગતે ચર્ચા કરવાની સાથે જરૂરી પડકારોને પહોંચી વળવા માટે જરૂરી નિર્ણયો અંગે ડીજીપીએ રાજ્યના પોલીસ કમિશનર્સ અને નવ જેટલી રેંજના અધિકારીઓ સાથે અમદાવાદમાં નવ નિર્મિત પોલીસ કમિશનર કચેરી ખાતે ક્રાઇમ ફોન્ફરન્સ યોજી હતી. જેમાં આગામી સમયમાં ડ્રગ્સ અને સાયબરને લગતા ગુનાઓ પર કાબુ મેળવવા અને નેટવર્કને ખતમ કરવા માટે જરૂરી પગલા ભરવા માટે વિસ્તૃતમાં ચર્ચા થઇ હતી. આ ઉપરાંત, અકસ્માતની ઘટનાઓને કાબુમાં લેવા માટે પોલીસ સ્ટેશન દીઠ બ્લેક સ્પોટ નક્કી કરીને ત્યાં પોલીસની સાથે રોડ એન્જીનીયરીંગ સાથે સંકળાયેલા વિભાગના અધિકારીને સાથે રાખીને કામગીરી કરવામાં આવશે.અમદાવાદ શાહીબાગ સ્થિત નવ નિર્મિત પોલીસ કમિશનર કચેરી ખાતે ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજ્યના ચાર શહેરના પોલીસ કમિશનર અને રાજ્યની નવ રેંજના આઇજીપી સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ચોરી, લૂંટ, હત્યાના ગુનાઓ ઉપરાંત, સાયબર ક્રાઇમ તેમજ ડ્રગ્સના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.જ્યારે ટ્રાફિકના મામલે દરેક પોલીસ સ્ટેશનની હદમાં સૌથી વધારે અકસ્માત થતા હોય તે બ્લેન્ક સ્પોટને ઓળખીને ત્યાં અકસ્માત ઘટાડવા માટે સ્થાનિક પોલીસ, આરટીઓ, રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગની સાથે મળીને ડ્રાઇવીંગ પેટર્ન, રોડ એન્જીનીયરીંગ સાથે મળીને કામગીરી કરવામાં આવશે. આમ, એક સાથ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં નિયમિત રીતે એક પછી એક બ્લેન્ક સ્પોટને પર કામ કરાશે.
આ અંગે ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે ચોરી, લૂંટ અને હત્યા જેવા શરીર સંબધી ગુનાઓ ઘણાઅંશે કાબુમાં આવ્યા છે. પરંતુ, પોલીસ માટે સાયબર ક્રાઇમ અને એમડી ડ્રગ્સના મુદ્દાઓ પડકારરૂપ છે. સાયબર ક્રાઇમને કાબુમાં લેવા માટે લોકોમાં જાગૃતતા કેળવવાથી માંડીને તમામ શહેરોમાં સાયબર એક્સપર્ટની મદદ લેવા સહિતના મુદ્દાઓ ધ્યાનમાં લેવાયા છે. જે અનુસંધાનમાં રાજ્યના તમામ પોલીસ મથકોમાં સાયબર એક્સપર્ટની નિમણૂંક કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી ભોગ બનનાર લોકોને ઝડપી મદદ મળી શકશે. જો કે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને છેતરપિંડીના નાણાં પરત કરવાની કામગીરી સાથે હજારો ફ્રીઝ એકાઉન્ટને અનફ્રીઝ કરીને માત્ર છેતરપિંડીની રકમને લીયન કરવામાં આવી છે.જ્યારે ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે પોલીસના હાથે ઝડપાયેલા ડ્રગ્સ પેડલર્સ પર નજર રાખવા માટેની ખાસ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, સ્થાનિક પોલીસ ઉપરાંત વિવિધ એજન્સીઓ દ્વારા અનેક સ્થાનિક ફેક્ટરીઓ અને ડ્રગ્સ સપ્લાયર્સને ઝડપી લેવાયા છે. આમ, ક્રાઇમ કોન્ફરન્સમાં એમ ડી ડ્રગ્સ અને સાયબર ક્રાઇમનો મુદ્દો છવાયેલો જોવા મળ્યો હતો.