રાજ્યના તમામ ગેમિંગ ઝોનમાં તપાસ કરવા માટે ડીજીપી દ્વારા આદેશ અપાયો
રાજકોટના ગેમિંગ ઝોનની ઘટનાને લઇને એલર્ટ
ગેમિંગ ઝોનમાં કોઇપણ સુરક્ષાને લઇને બેદરકારી જણાઇ આવે તો તાત્કાલિક ધોરણે બંધ કરાવીને જવાબદાર સામે ગુનો નોંધવા માટે સુચના અપાઇ
અમદાવાદ,શનિવાર
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી મોલ સ્થિત ગેમિંગ ઝોનમાં લાગેલી આગની ઘટનામાં માસૂમ બાળકો સહિત ૨૪ લોકોના મોતની ઘટનાના અનુસંધાનમાં રાજ્ય પોલીસ વડાએ તાત્કાલિક ધોરણે તપાસ કરીને જવાબદાર સામે ગુનો નોંધવા માટે તાકીદ કરી છે. સાથેસાથે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનની હદમા ંચાલતા ગેમિંગ ઝોન અને મોલમાં તપાસ કરવા માટે આદેશ આપ્યા છે. તપાસ દરમિયાન કોઇપણ સ્થળે સુરક્ષાને લઇને બેદરકારી જણાય આવે તો સ્થાનિક પોલીસ મથકમાં ગુનો નોંધવા માટે સુચના આપી છે. આ ઉપરાંત, જે શહેરના ફાયર બ્રિગેડ વિભાગ પાસેથી મદદ લઇને ફાયર સેફ્ટી અંગે તપાસ કરવા માટે આદેશ અપાયા છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી મોલ સ્થિત ગેમિંગ મોલમાં લાગેલી આગમાં નાના બાળકો સહિત ૨૪ લોકોના મરણ થયા હતા.આ ઘટનાને ગંભીરતાથી લઇને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે તાત્કાલિક ધોરણે રાજકોટના પોલીસ કમિશનર સાથે વાત કરીને આ મામલે જવાબદાર સામે આકરા પગલા ભરવા માટે સુચના આપી છે. એટલું જ નહી ગુજરાતના તમામ જિલ્લા અને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓને તેમના પોલીસ મથકોની હદમાં ચાલતા ગેમ ઝોનમાં સ્થાનિક સ્ટાફની મદદથી તાત્કાલિક તપાસ કરવા સુચના આપી છે. જેમાં કોઇપણ ગેમ ઝોનમાં બેદરકારી જણાય આવે તો તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવે. એટલું જ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ ડીજીપી અને ગૃહ વિભાગને સોંપવા માટે હુકમ કરાયો છે.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મોટા પ્રમાણમાં ગેમ ઝોન બનાવવામાં આવ્યા છે. જેમા મોટાભાગના ગેમ ઝોન ફાયર સેફ્ટી વિના જ ચાલતા હોય છે. જે ગેમ ઝોન પણ ડેથ ઝોન બની શકે તેમ છે. ખાસ કરીને વેકેશનમાં હાલ ગેમ ઝોન અને મોલમાં વધારે ધસારો જોવા મળે છે. અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો મોટાભાગના મોલમાં ગેમ ઝોન આવેલા છે. જેમાં ફાયર સેફ્ટી નામ પુરતી જ હોય છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને ડીજીપી દ્વારા તાત્કાલિક ધોરણે તપાસના આદેશ અપાયા છે.