દેત્રોજમાં એનઆરઆઇ દ્વારા વૃદ્વની હત્યાની સોપારી અપાઇ હોવાનો ખુલાસો
સિનિયર સિટીઝનની હત્યાનો ભેદ ઉકેલાયો
દોઢ વર્ષ પહેલા થયેલા મારામારીનો બદલો લેવા માટે ઝડપાયેલા આરોપીઓને કહેવામાં આવ્યું હતું
અમદાવાદ,શુક્રવાર
આઠ દિવસ પહેલા દેત્રોજના ઓઢવ ગામમાં રહેતા એક સિનિયર સિટીઝન પર કેટલાંક લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા દેત્રોજ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જે સંદર્ભમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપીને પુછપરછ કરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે રવિ પટેલ નામના વ્યક્તિ સાથે મૃતકને દોઢ વર્ષ અગાઉ તકરાર થઇ હતી. જે બાદ રવિ અમેરિકા ગયો હતો. ત્યાંથી તેણે વૃદ્વને સબક શીખવવા માટે તેના પગ ભાંગી નાખવાનું કહીને કેટલાંક માથાભારે લોકોને સોપારી આપતા આ હુમલો કરાયો હતો. દેત્રોજના ઓઢવ ગામમાં રહેતા શંભુભાઇ પટેલ સુઇ રહ્યા હતા ત્યારે ચાર જેટલા અજાણ્યા લોકોએ હથિયારો સાથે આવીને તેમના પગ પર લાકડી અને હથિયારોથી માર મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમાં સારવાર દરમિયાન શંભુભાઇનું મોત નીપજ્યું હતું. આ અંગે દેત્રોજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ એન જાની સહિતના સ્ટાફે ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં બાતમીને આધારે સૌરવ પટેલ (રહે. આર્શીવાદ સોસાયટી, નાની કડી, મહેસાણા),જોરાવરસિંહ ઝાલા (રહે.કટોસણ , જિ. મહેસાણા) અને સંદીપસિંહ ઝાલાને ઝડપી લીધા હતા. પોલીસે તમામની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સૌરવ પટેલ અને દેત્રોજના ઓઢવમાં અગાઉ રહેતા રવિ પટેલ સાથે શંભુભાઇને તકરાર થઇ હતી. જેનો બદલો લેવા માટે રવિએ અમેરિકાથી જોરાવરસિંહ ઝાલા અને સંદીપસિંહ ઝાલા સહિત ચાર લોકોને સોપારી આપીને શંભુભાઇને માર મારીને પગ ભાંગી નાખવાનું કહ્યું હતું. જેથી નાણાં મળતા જ ચારેય જણાએ હુમલો કર્યો હતો. આ અંગે દેત્રોજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.