પાવાગઢમાં જૈન સમાજમાં ઉગ્ર આક્રોશ, મહાકાળી મંદિર ટ્રસ્ટ સામે પગલાં લેવા માગ, જાણો સમગ્ર મામલો
Baroda : પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિ પીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો છે. રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તોડફોડ રોકીને જવાબદારો સામે પગલાં લેવા માટે માગ કરી હતી.
પાવાગઢ તીર્થ વિકાસ સમિતિનું કહેવું છે કે પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જૂના દાદરા છે. તેની બંને બાજુ ગોખલામાં 22મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત છે. જૈનો ત્યાં રોજ સેવા પૂજા માટે જાય છે. 20 દિવસ પહેલાં આ જૂના દાદરાને તોડવાની કામગીરી શરુ કરી હતી. ત્યારે જૈનોએ કલેક્ટર અને એએસઆઇને આવેદનપત્ર આપીને ડર વ્યક્ત કર્યો હતો કે આ તોડફોડની કામગીરીમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓને નુકસાન થશે. આ મૂર્તિઓ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે, તેમ છતાં અમારાં આવેદનપત્રની અવગણના કરીને આજે મૂર્તિઓ તોડી નાખવામાં આવી.
જૈન અગ્રણીઓનો આક્ષેપ છે કે મહાકાળી માતા મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તે સારી વાત છે પણ કોઇના ઇશારે પાવાગઢમાં હજારો વર્ષ પ્રાચીન શ્વેતાંબર જૈન મૂર્તિઓને ખંડિત કરીને, ઉખાડીને ફેંકી દેવામાં આવી છે. આ ઘટનાથી જૈન સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. આવું કૃત્ય કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થઇ જોઇએ.
દરેક શહેરમાં જૈનાચાર્યો કલેક્ટરને આવેદનપત્ર આપશે : મૂર્તિઓ પુનઃ સ્થાપિત નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
પાવાગઢ ડુંગર ઉપર મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા જૈન તીર્થંકરોની પ્રતિમાઓની આડેધડ તોડફોડ કરી નાખવામાં આવી છે, જેના પગલે જૈન સમાજમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે રાત્રે રાવપુરા ટાવર ચાર રસ્તા ખાતે વડોદરા જૈન સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી અને બેઠક બાદ તમામ લોકો પાવાગઢ જવા માટે રવાના થયા હતા.
આ મામલે વાત કરતા જૈન અગ્રણીએ કહ્યું હતું કે આવેદનપત્ર આપ્યા બાદ પણ જેનો ડર હતો તે થયું. હજારો વર્ષોથી જ્યાં જૈનો પૂજા કરતા આવ્યા છે તે મૂર્તિઓને કોઇ કેવી રીતે તોડી શકે ? કાલે વડોદરાના જૈન અગ્રણીઓ કલેક્ટરને આવેદનપત્ર આપશે, જે બાદ આ મામલો હાઇકોર્ટમાં લઇ જવાશે. જ્યાં સુધી મૂર્તિઓ પુનઃ સ્થાપિત નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. દરેક શહેરમા જૈનાચાર્યો કલેક્ટરને મળીને આ મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરશે.
મહાકાળી મંદિર ટ્રસ્ટના જવાબદાર ટ્રસ્ટીઓ સામે તાત્કાલિક કાનૂની પગલાં લો : પોલીસને આવેદનપત્ર
રવિવારે મોડી રાત્રે જૈનો મોટી સંખ્યામા પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ઉમટી પડયા હતા અને આવેદનપત્ર આપ્યુ હતું જેમાં ઉલ્લેખ કરાયો છે કે પાવાગઢમાં માતાજીના મંદિરના પગથિયાં પાસે આવેલી જૈન તીર્થંકરોની મૂર્તિઓ યોગ્ય સ્થાન પરથી અચાનક દૂર કરવામાં આવી છે. આ કૃત્ય માત્ર ધાર્મિક આસ્થાનો અનાદર કરતું નથી પરંતુ ધાર્મિક પ્રથાઓ અને પૂજા સ્થળોના રક્ષણ માટે રચાયેલ બંધારણીય અને કાનૂની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે માટે અમે વહીવટીતંત્રના તાત્કાલિક હસ્તક્ષેપ માટે વિનંતી કરીએ છીએ.અમારી માગ છે કે તીર્થંકરની મૂર્તિઓને તેમના યોગ્ય સ્થાને તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરો. આ અપમાનજનક કૃત્ય માટે મહાકાળી મંદિર ટ્રસ્ટના જવાબદાર ટ્રસ્ટીઓ સામે તાત્કાલિક કાનૂની પગલાં લો.