ભારે વિરોધ થતા ચેરિટી કમિશનર ઓફિસની હેરિટેજ બિલ્ડિંગ તોડવાની કામગીરી સ્થગિત

9 વર્ષ પહેલા નઝરબાગ પેલેસ તૂટયો ત્યારે કોર્ટે વડોદરા મ્યુ. કોર્પોરેશનને 3 મહિનામાં હેરિટેજ કન્ઝર્વેશન કમિટી બનાવવા હૂકમ કર્યો હતો

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
ભારે વિરોધ થતા ચેરિટી કમિશનર ઓફિસની હેરિટેજ બિલ્ડિંગ તોડવાની કામગીરી સ્થગિત 1 - image


વડોદરા : પોલોગ્રાઉન્ડ પાછળ આવેલી ચેરિટી કમિશનર કચેરીની ૧૨૧ વર્ષ જુની ઐતિહાસિક અને હેરિટેજ બિલ્ડિંગ તોડવાની કામગીરી સામે ભારે વિરોધ ઉભો થતા હાલ પુરતી કામગીરી સ્થગિત કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ આ મામલે વડોદરાની ઐતિહાસિક ધરોહરોને બચાવવા મેદાને પડેલા જાગૃત નાગરિકો કોર્ટમાં જવાની પણ તૈયારી કરી ચુક્યા છે.

'વર્ષ ૨૦૧૫-૧૬થી આ હેરિટેજ બિલ્ડિંગને તોડવા માટે તૈયારીઓ ચાલી રહી હતી. જો કે અનેક પ્રયત્નો છતા પણ બિલ્ડિંગ તોડવાની મંજૂરી મળતી નહતી. દરમિયાન ગત વર્ષે અચાનક જ આશ્ચર્ય વચ્ચે આ બિલ્ડિંગને તોડવા માટે મંજૂરી આપી દેવામાં આવી અને સુરતના એક બિલ્ડરને પીપીપી મોડલથી આ બિલ્ડિંગ તોડીને અહી ચેરિટી કમિશનરની ઓફિસ કમ કોમર્શિયલ કોમ્પલેક્સ બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો હોવાની માહિતી અમને મળી છે' તેમ કહેતા શ્રીમંત જીતેન્દ્રસિંહ ગાયકવાડે ઉમેર્યુ હતું કે પુષ્પકુટ બંગલોનું સ્ટ્રક્ચર એટલુ મજબુત છે કે હજુ ૨૦૦ વર્ષ અડીખમ રહે તેમ છે તેમ છતા તેને તોડવા માટે મંજૂરી આપવામાં આવી છે તેની સામે અમારો વિરોધ છે.'

બીજી તરફ વડોદરાના ઐતિહાસિક વારસાઓ માટે જાગૃત નાગરિકોનું કહેવું છે કે ૯ વર્ષ પહેલા નઝરબાગ પેલેસ તુટયો ત્યારે કેટલાક જાગૃત નાગરિકો કોર્ટમાં ગયા હતા. આ સમયે કોર્ટે વડોદરા મ્યુનિસપલ કોર્પોરેશનને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે વડોદરા શહેરની હેરિટેજ ઇમારતોના સંરક્ષણ માટે ૩ મહિનામાં હેરિટેજ કન્ઝર્વેશન કમિટી બનાવવામાં આવે. કોર્ટના આદેશને ૯ વર્ષ વીતી ગયા હજુ સુધી હેરિટેજ કન્ઝર્વેશન કમિટી બનાવવામાં આવી નથી. '

ઉલ્લેખનીય છે કે ચેરિટી કમિશનરની કચેરી જે બિલ્ડિંગમાં ચાલે છે તે બિલ્ડિંગ 'પુષ્પકુટ' બંગલો તરીકે ઓળખાય છે અને ૧૨૧ વર્ષ પહેલા મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ બંગલો રાજ્યના ખાસ અધિકારીઓના રહેવા માટે તૈયાર કરાવ્યો હતો. આ બંગલામાં ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિજય હઝારે પણ રહી ચુક્યા છે.


Google NewsGoogle News