વસ્ત્રાલમાં નવનિર્મિત પાણીની ટાંકીમાંથી પાણી આપવા માંગણી
- અનેક સોસાયટીના લોકો ખાનગી પાણીના બોર પર નભે છે
- નળ જોડાણ માટે 40 થી વધુ સોસાયટીઓની અરજી છતાંય પાણી હજુ અપાયું નથી
અમદાવાદ,તા.20 મે 2022, શુક્રવાર
વસ્ત્રાલમાં નવનિર્મિત બે પાણીની ટાંકીઓમાંથી નર્મદાનું પાણી મોટાભાગની સોસાયટીઓ સુધી પહોંચ્યું નથી. રતનપુર તળાવ ખાતે આવેલી ૨૫ લાખ લીટરની પાણીની ટાંકીમાંથી અમુક સોસાયટીઓને પાણી પુરૂ પડાઇ રહ્યું છે. જ્યારે વસ્ત્રાલ ગામમાં બનેલી પાણીની ટાંકીમાંથી હજુ સુધી એકપણ સોસાયટીને પાણીનું જોડાણ અપાયું ન હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશો કરી રહ્યા છે.
વસ્ત્રાલ ગામમાં બનેલી પાણીની ટાંકીમાંથી સિલ્વર ૩,૪, રુદ્રાક્ષ બંગલોઝ, માધવરાજ બંગલોઝ, સાસ્વત વિનાયક, સરલસફલ બંગલોઝ સહિતના સોસાયટી, બંગલાના લોકોએ પૈસા ભરી દીધા હોવા છતાંય આજદીન સુધી પાણીનું જોડાણ મળ્યુ ન હોવાનું રહીશો જણાવી રહ્યા છે.
સ્થાનિક રહીશ અમીત પંડયાના જણાવ્યા મુજબ પાણીની ટાંકીનું ૬ માસ પહેલા જ લોકાર્પણ થઇ ગયું છે. ૪૦ થી વધુ સોસાયટીઓએ નળ જોડાણ માટે અરજી કરી છે. તેમાંથી ૨૦ થી વધુ સોસાયટીની ફાઇલો મંજુર થઇ ગઇ છે. તંત્રએ સત્વરે પાણીના જોડાણો આપી દેવા જોઇએ અને લોકોને પડતી હાલાકીને દુર કરવી જોઇએ.
આ વિસ્તાર બોર આધારીત પાણી પર નભી રહ્યો છે. બોરનું પાણી ખારુ, ઉંચા ટીડીએસ વાળું આવે છે જેનાથી જનઆરોગ્યને પણ જોખમ રહેલું છે. મ્યુનિ.તંત્ર વેરા ઉઘરાવે છે. બીજી બાજુ વસ્ત્રાલવાસીઓ માટે જ નવી બે પાણીની ટાંકીઓ બનાવાઇ છે તો પછી પાણીના જોડાણો તાત્કાલિક આપવા માટે કેમ ધ્યાન અપાઇ રહ્યું નથી તે બાબતનો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.