હાથીજણના પ્રાચીન લાલગેબી વડને હેરીટેજમાં સ્થાન આપવા માંગ
- 800 વર્ષ જુના આ વડને 80 જેટલા થડ છે
- 10 થી વધુ મંદિર છે, હજારો પક્ષીઓના આશ્રય સ્થાન સમાન આ વડને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માંગણી
અમદાવાદ,તા.09 સપ્ટેમ્બર 2021, ગુરૂવાર
અમદાવાદ પૂર્વમાં આવેલા હાથીજણ ગામના આશરે ૮૦૦ વર્ષ જુના લાલગેબી વડને તેના મહત્વને જોતા શહેરના હેરીટેજ સ્થળોમાં સ્થાન આપવામાં આવે અને ધાર્મિક પર્યટન સ્થળ તરીક વિકાસ કરવામાં આવે તેવી માંગણી ભક્તો અને સ્થાનિક ગ્રામજનો કરી રહ્યા છે. આ મામલે અગાઉ સ્થાનિક કોર્પોરેટરોએ પણ લેખિતમાં મ્યુનિ.કોર્પોરેશનમાં માંગણી કરી છે.
હાથીજણ ગામે આવેલા આ વડ વિશાળ છે. કબીર વડ જેવી તેની શાખાઓ આજુબાજુમાં ફેલાયેલી છે. આશરે ૮૦ થી પણ વધુ થડ વાળા આ વડને મ્યુનિ.તંત્ર દ્વારા મહત્વ આપવામાં ંઆવે અને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગણી સ્થાનિક આગેવાન તુષાર ભીખાભાઇ દેસાઇએ કરી છે.
તેઓના જણાવ્યા મુજબ આ વડ પાસે પ્રાચીન બળિયાદેવનું મંદિર આવેલું છે. ચમત્કારિક ગેબી ધુણો આવેલો છે. ગેબીનાથ મહાદેવનું મંદિર, મહાકાળી અને દુર્ગા માતાનું શિખરબંધ મંદિર પણ છે.મા ચામુંડા, રાંદલ, બહુચર, ગાયત્રી, કાળભૈરવ, શનિદેવ, ગોગા મહારાજ સહિતના અનેક મંદિરો આવેલા છે.
આ વડ અનેક વિસ્તારમાં ફેલાયેલો છે. વડમાં ૧,૫૦૦ થી વધુ કાગડા, ૨૦૦થી વધુ પોપટ, ૫૦ જેટલા મોર સહિતના અનેક પક્ષીઓ વાસ કરી રહ્યા છે. આ પક્ષીઓ માટે રોજ ૨૦ કિલો ચણ નાંખવામાં આવે છે. વડની પાછળના વિસ્તારમાં ૫૦ જેટલી નીલગાયો રહે છે તેમના માટે પણ પીવાના પાણીના હવાળા બનાવાયા છે.
લાલગેબી આશ્રમમાં રામાપીરના મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓ અચુકપણે આ વડની મુલાકાત લે છે. દરેક ધાર્મિક પ્રસંગ ઉપરાંત આ વડ નીચે આવેલા મંદિરોમાં દૈનિક ધોરણે પૂજા-પાઠ આરતી થતી હોય છે. કબીરવડ જેવું મહત્વ ધરાવતા આ વડને શહેરના પર્યટન સ્થળોમાં વિશેષ સ્થાન આપવામાં આવે , તેના વિકાસ પાછળ મ્યુનિ.તંત્ર દ્વારા બજેટ ફાળવવામાં આવે તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે.