દિવાળીના તહેવારો બાદ પણ ધમધમી રહેલું દિલ્હી દરવાજાનું ફટાકડા બજાર!
લગ્નગાળો અને ચૂંટણીના લીધે ફટાકડાનું વેચાણ થવાની વેપારીઓને આશા
પેટ્રોલ-ડીઝલ, કાગળ અને પ્લાસ્ટિક મોંઘા થતાં, ફટાકડાના ભાવમાં સરેરાશ ૪૦ રૂપિયા સુધીનો વધારો
અમદાવાદ, 17 નવેમ્બર,
2022, ગુરૂવાર
દિવાળીના અને દેવ દિવાળીના તહેવારોના દિવસો વીત્યા બાદ પણ દિલ્હી દરવાજા વિસ્તારના બજારમાં ફટાકડાના સ્ટોલ જોવા મળી રહ્યા છે! નવેમ્બરના છેલ્લા અઠવાડિયા અને ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં લગ્નગાળો અને ઇલેક્શન હોવાથી હજી પણ થોડાક દિવસો સુધી બજારમાં ફટાકડાઓના સ્ટોલ યથાવત રહેશે.
મોટાભાગે
લગ્નમાં વરઘોડો કાઢીને ગામમાં કે શહેરમાં ફેરવવામાં આવે છે. જાન નીકળતા પહેલા લોકો
ફટાકડા ફોડીને ઉમંગમાં વધારો કરે છે. જેથી દર વર્ષે લગ્નગાળા દરમિયાન ફટાકડાનું સારૂ
એવું વેચાણ થતું હોય છે, પરંતુ આ વર્ષે પ્રમાણમાં ફટાકડાનું બજાર મંદ જોવા મળી રહ્યું છે.
ચીન બાદ ભારત વિશ્વમાં ફટાકડાના ઉત્પાદનમાં બીજો ક્રમ ધરાવે છે. ભારતના તામિલનાડુ રાજ્યના શિવાકાશીમાં સૌથી વધુ ફટાકડાનું ઉત્પાદન થાય છે અને ત્યાંથી દેશના અન્ય રાજ્યોમાં તેમનો નિકાસ કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી ત્યાં ભારે વરસાદ પડતાં કારખાનાઓ બંધ હતા. જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારના કારણે બીજા રાજ્યો સુધી ફટાકડા લઈ જવા માટે પરિવહન ખર્ચમાં વધારો થયો છે. ફટાકડા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કાગળ, પ્લાસ્ટિક અને દારૂગોળાના ભાવમાં વધારો થયો છે. આ તમામ પરિબળોના કારણે ફટાકડાના ઉત્પાદન કિંમતમાં વધારો થયો છે. જેના લીધે તેમની વેચાણ કિંમતમાં આ વર્ષે રૂ. ૩૦-૪૦નો વધારો થયો છે. મંદીના માહોલમાં ફટાકડાના વેચાણ પર માઠી અસર પડી છે.
ફટાકડાના વેપારી જણાવે છે કે, આ વર્ષે નવેમ્બરના આખરી દિવસોમાં અને ડિસેમ્બરની શરૂઆતના દિવસોમાં લગ્નના શુભ મુહૂર્ત હોવાથી હજુ સુધી બજારમાં લોકોની ચહલ-પહલ ઓછી જોવા મળી રહી છે, પણ લગ્નના દિવસો નજીક આવતા બજારમાં ખરીદદારો વધુ જોવા મળશે. આ વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓના કારણે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ફટાકડા ખરીદવામાં આવશે. જેના લીધે ફટાકડાના વેચાણમાં વધારો થશે તેવું લાગી રહ્યું છે. ઉતરાયણાથી કમુરતા પૂરા થતા જ ફરીથી લગ્નગાળો શરૃ થશે જેથી જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં અને ફેબુ્રઆરીની શરૃઆતથી લગ્ન ગાળામાં વધુ લોકો ફટાકડા ખરીદવા આવશે અને કોરોનાના કપરા કાળ પછી ફરીથી બજાર ધમધમશે તેવી વેપારીઓને આશા છે.
ફટાકડાની સરેરાશ બજાર કિંમત
કલર સ્મોક બોમ્બ રૂ. પ૦ પ્રતિ નંગ
પાર્ટી
પોપર રૂ. ૬૦
પ્રતિ નંગ
ફટાકડાની સિરિઝ રૂ. ૧૫૦ પ્રતિ રોલ
સ્પાર્કલિંગ ફાઉન્ટેન રૂ. ૧૯૦ પ્રતિ નંગ
સ્કાય શોટ્સ-૭ ધડાકા રૂ. રપ૦
નોન સ્ટોપ ૧ર૦ ધડાકા રૂ. ૨૫૦૦