મોજશોખ માટે સ્પોર્ટસ બાઇકની ચોરી કરતા બે મિત્રોને ઝડપી લેવામાં આવ્યા

બાઇકને વતનમાં લઇ જઇને રોફ જમાવતા હતા

સીસીટીવી ફુટેજના આધારે ડીસીપી ઝોન-૧ સ્ક્વોડના સ્ટાફે તપાસ કરીને ઝડપી લેતા બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
મોજશોખ માટે સ્પોર્ટસ બાઇકની ચોરી કરતા બે મિત્રોને ઝડપી લેવામાં આવ્યા 1 - image

અમદાવાદ,સોમવાર

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાંથી છેલ્લાં ઘણા સમયથી સ્પોર્ટસ બાઇકની ચોરીના બનાવો બનતા હતા. આ દરમિયાન ડીસીપી ઝોન-૧ના સ્ક્વોડને તપાસ દરમિયાન બાઇક ચોરી કરતી ગેંગના સીસીટીવી ફુટેજ મળ્યા હતા. જેના આધારે બે યુવકોને ઝડપીને તપાસ કરતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી કરવામાં આવેલા છ અને ગાંધીનગરમાંથી ચોરી કરવામાં આવેલા એક બાઇક સહિત સાત બાઇક જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ મોજશોખ માટે બાઇકની ચોરી કરીને તેમના વતનમાં લઇ જતા હોવાનું જાણવા મળ્યું છે. ડીસીપી ઝોન- ૧ સ્ક્વોડના પીએસઆઇ એચ એચ જાડેજા અને તેમના સ્ટાફને વસ્ત્રાપુરમાં પોલીસ સ્ટેશનમાંથી થોડા દિવસ પહેલા ચોરી થયેલા બાઇકને લઇને જતા બે શંકાસ્પદ યુવકોના સીસીટીવી ફુટેજ મળી આવ્યા હતા. જેના આધારે કપિલ અહારી (ઉ.વ.૨૨) અને રમેશ ભગોરા (ઉ.વ.૧૯)ને ઝડપીને સધન તપાસ શરૂ કરવામાં આવી હતી.  જેમાં તેમણે દોઢ વર્ષ દરમિયાન વસ્ત્રાપુર વિસ્તારમાંથી  છ અને ગાંધીનગરથી એક સ્પોર્ટસ બાઇકની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ બંને જણા તેમના વતન ડુંગરપુરમાં જઇને ગામમાં રોફ જમાવતા હતા અને બાઇકને ત્યાં જ મુકીને પરત આવી જતા હતા.  જેના આધારે પોલીસે  તેમની પાસેથી ચોરીની તમામ બાઇક જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં બંને યુવકો વસ્ત્રાપુરમાં ઘરઘાટી તરીકે કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. તેમની સંડોવણી અન્ય ગુનામાં હોવાની શક્યતાને આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News