Get The App

જન્મ મરણ સહિતના અનેક બનાવટી દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ પકડાયું

શહેરમાં જુહાપુરામાં સાયબર ક્રાઇમનું સફળ ઓપરેશન

યુટયુબર પાસેથી બનાવટી દસ્તાવેજ બનાવવા માટેની વેબસાઇટના લોગઇન આઇડી મેળવ્યા હતાઃ પોલીસ દ્વારા અનેક બનાવટી દસ્તાવેજો જપ્ત કરાયા

Updated: Jan 2nd, 2024

GS TEAM


Google News
Google News
જન્મ મરણ સહિતના  અનેક બનાવટી  દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ પકડાયું 1 - image

અમદાવાદ,મંગળવાર

અમદાવાદ સાયબર ક્રાઇમના સ્ટાફે શહેરના જુહાપુરા ફતેહપુરામાં દરોડા પાડીને એક વ્યક્તિની ધરપકડ કરીને અમદાવાદ  અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણના બનાવટી પ્રમાણપત્ર અને આધાર કાર્ડ સહિતના બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાનું કૌભાંડ ઝડપ્યું છે.  પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું  આરોપીએ સોશિયલ મિડીયાની પરથી સંપર્ક કરીને  બનાવટી દસ્તાવેજો બનાવવા માટે વેબસાઇટના લોગ ઇન આઇડી મેળવ્યા હતા અને તે બનાવટી પ્રમાણપત્રો પ્રમાણે અલગ અલગ રકમ લેતો હતો. સાયબર ક્રાઇમે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઇમના સ્ટાફને બાતમી મળી હતી કે જુહાપુરા ફતેહવાડીમાં આવેલા સૈયદવાડીમાં રહેતો એજાજખાન પઠાણ બનાવટી આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો તૈયાર કરે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડીને એજાજખાનને દુકાન પર દરોડો પાડયો હતો. જ્યાં તેના મોબાઇલ ફોનની તપાસ કરતા કેટલીક વેબસાઇટના નામ અને યુઝરઆઇડી તેમજ પાસવર્ડ મળી આવ્યા હતા. જે  બાબતે  પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે  આ તમામ વેબસાઇટ બનાવટી દસ્તાવેજો બનાવવા માટેના સોફ્ટવેર ધરાવે છે. જો કે તેણે મોબાઇલમાંથી બનાવટી દસ્તાવેજોની ઇમેજ ડીલીટ કરી હોવાથી પોલીસે તેના ઘરે જઇને તપાસ કરતા લેપટોપમાંથી બનાવટી દસ્તાવેજોની પીડીએફ અને ઇમેજ મળી આવી હતી. તેમપોલીસે  અમદાવાદ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણના બનાવટી દસ્તાવેજ, આધાર કાર્ડ, વોટર આઇડી મળી આવ્યા હતા.  આ અંગે સાયબર ક્રાઇમના અધિકારીએ જણાવ્યું હતું કે  એજાજખાન પાનકાર્ડ કાઢી આપવા માટેનું સત્તાવાર લાયસન્સ ધરાવે છે.  તેણે બિહારમાં રહેતા દિપકકુમાર નામના યુ ટયુબરનો વિડીયો જોયો હતો. જેમાં બનાવટી દસ્તાવેજ તૈયાર કરવાની બાબત જાણવા મળી હતી. જેથી તેનો સંપર્ક કરીને બનાવટી આધારકાર્ડ, જન્મ-મરણનો બનાવટી દાખલો અને બોગસ મતદાર ઓળખ પત્ર  તૈયાર કરાવવા માટે વેબસાઇટની માહિતી મેળવી હતી. જેના બદલામાં તેણે યુ ટયુબરને ઓનલાઇન નાણાં આપ્યા હતા. તે પછી  અન્ય એક વ્યક્તિ પાસેથી પણ વેબસાઇટના લોગ ઇન આઇ ડી અને પાસવર્ડ મેળવ્યા હતા. જેના આધારે તેણે અનેક બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. પોલીસે એજાજખાનની વધુ પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે બનાવટી આધારકાર્ડ માત્ર ૩૦૦ રૂપિયામાં, મતદાર ઓળખ પત્ર ૭૦૦ રૂપિયા અને  જન્મ મરણના દાખલો બે હજાર રૂપિયા લઇને તૈયાર કરતો હતો. પોલીસના આશંકા છે કે એજાજખાન પાસેથી કેટલાંક દેશ વિરોધી તત્વોએ બનાવટી ઓળખપત્ર તૈયાર કર્યા હોય શકે. જે બાબતની ગંભીરતાને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે તેની પાસેથી ૧૬ મતદાર ઓળખપત્ર,   બે બનાવટી આધાર કાર્ડ, ૧૧ બનાવટી જન્મ મરણના દાખલા જપ્ત કર્યા છે.

Tags :