Get The App

માથાભારે વ્યાજખોરો વિરૂદ્ધ હવે સીધી ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ કરી શકાશે

વ્યાજખોરાના ત્રાસના કિસ્સા ચિંતાજનક વધારો

અનેક કિસ્સામાં સ્થાનિક પોલીસ સાથે વ્યાજખોરોના સંબધો સામે આવતા પોલીસ કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
માથાભારે વ્યાજખોરો વિરૂદ્ધ હવે સીધી ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ કરી શકાશે 1 - image

અમદાવાદ,સોમવાર

અમદાવાદમાં વ્યાજખોરો દ્વારા નાણાં લેનારને જાનથી મારી નાખવાની ધમકીની સાથે બ્લેકમેઇલ કરવામાં આવતા ઘણા કિસ્સામાં આત્મહત્યા સુધીના બનાવો બન્યા છે. બીજી તરફ અનેક કિસ્સામાં વ્યાજખોરો સાથે સ્થાનિક પોલીસની મિલીભગત સામે આવતા પોલીસ કમિશનર જી એસ મલિકે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં વ્યાજખોરો સામે ક્રાઇમબ્રાંચમાં સીધી ફરિયાદ કે અરજી કરી શકાશે. આમ, હવે ક્રાઇમબ્રાંચને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. હાલ સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરો વિરૂદ્ધ પોલીસ દ્વારા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જો કે વ્યાજખોરો દ્વારા અનેક લોકોના અપહરણ કરવાથી માંડીને માનસિક રીતે હેરાન કરવાને કારણે અનેક લોકોએ આત્મહત્યા કે આત્મહત્યાનો પ્રયાસ કર્યાના કિસ્સા પણ સામે આવ્યા છે. આ ઉપરાંત, પોલીસ કમિશનર જી એસ મલિકના ધ્યાનમાં કેટલીક ગંભીર બાબતો સામે આવી હતી કે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે કરવામાં આવતી અરજીમાં પોલીસની કામગીરી ઢીલી હતી અને કેટલાંક કિસ્સામાં વ્યાજખોરો સાથે પોલીસની મિલીભગતના આક્ષેપ પણ થયા હતા.  આ બાબતના અનુસંધાનમાં સોમવારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમા હવે વ્યાજખોરોનો ભોગ બનેલા લોકો ક્રાઇમબ્રાંચમાં સીધી ફરિયાદ કે અરજી કરી શકશે.  આ માટે એસીપી કક્ષાના અધિકારીના સુપરવિઝનમાં કામગીરી કરવામાં આવશે. જેથી ઝડપથી વ્યાજખોરો સામે કાર્યવાહી થઇ શકશે. 


Google NewsGoogle News