વેચાણ દસ્તાવેજ બનાવવામાં રજિસ્ટ્રાર ઓફિસના સ્ટાફની સંડોવણી શક્યતા
મકરબાની કરોડો જમીન હડપ કરવાનો મામલો
પાર્થ શાહ રજિસ્ટ્રાર ઓફિસમાં વચેટિયા મારફતે ડીલ કરતો હોવાની આશંકાઃ પોલીસ તપાસમાં મોટા ખુલાસાની શક્યતા
અમદાવાદ,બુધવાર
શહેરના મકરબામાં આવેલા અભિશ્રી રેસીડેન્સીમા આવેલા કરોડો રૂપિયાની કિંમતના પ્લોટના મુળ માલિકના બનાવટી દસ્તાવેજો સાથે અન્ય વ્યક્તિને રજૂ કરીને જમીન પચાવી પાડવાના કેસમાં પોલીસ દ્વારા રજિસ્ટ્રાર ઓફિસના સ્ટાફની સંડોવણીની શક્યતાને આધારે તપાસ કરાશે. આ ઉપરાંત, સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી પાર્થ શાહ કોઇ વચેટિયા મારફતે રજિસ્ટ્રાર ઓફિસના કેટલાંક અધિકારીઓ સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. શહેરના પ્રહલાદનગરમાં રહેતા ધ્રવીશ મહેતાની કંપનીમાં સહ ડાયરેક્ટર તરીકે કામ કરતા પાર્થ શાહે ધુ્રવીશ મહેતાની મકરબા અભિશ્રી રેસીડેન્સીમાં આવેલી રૂપિયા ૩૨ કરોડની કિંમતની જમીન હડપ કરી હતી. જેમાં તેણે ધુ્રવીશ મહેતાના બનાવટી આધાર કાર્ડ અને પાનકાર્ડ તૈયાર કરીને તેમના જેવા દેખાતા જીગર શાહનો ફોટો લગાવીને રજિસ્ટ્રાર ઓફિસમાં વેચાણ દસ્તાવેજ બનાવ્યા હતા.
આ સમગ્ર કૌભાંડ આચરવા માટે તેણે મેહુલ પરીખ અને કિશોર પંડયાની મદદ લીધી હતી. આ કેસની તપાસ કરી રહેલી આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓને રજિસ્ટ્રાર ઓફિસમાંથી પણ કેટલાંક અધિકારીઓ કૌભાંડમાં સામેલ હોવાની બાતમી મળી છે. જેના આધારે રજિસ્ટ્રાર ઓફિસમાં પણ કેટલાંક લોકોની પુછપરછ કરવામાં આવશે. સાથેસાથે પાર્થ શાહ સાથે સંકળાયેલા એક વચેટિયા અંગે પણ તપાસ કરવામા ંઆવશે. પાર્થ શાહે જમીનના દસ્તાવેજ પોતાના નામે ખરીદી કર્યા બાદ તેનો સોદો અન્ય એક વ્યક્તિ સાથે કરીને ત્રણ કરોડ જેટલી રકમ લીધી હોવાની વિગતો બેંક સ્ટેટમેન્ટ તપાસતા મળી હતી. જે અંગે કેટલીક કડી મેળવવામાં આવી રહી છે.