Get The App

ઉચ્ચ હોદા પર પોસ્ટીંગ મેળવવા જતા ૫૦ જેટલા યુવાનો છેતરાયાનો ખુલાસો

ડેપ્યુટી કલેક્ટરની સીધી નિમણૂંકના નામે કરોડોની છેતરપિંડીનો મામલો

વટવા, માધુપુરા, મણિનગર અને મિરઝાપુરની ઓફિસમાંથી ૫૦થી વધુ ફાઇલો મળીઃ આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
ઉચ્ચ હોદા પર પોસ્ટીંગ મેળવવા જતા  ૫૦ જેટલા યુવાનો છેતરાયાનો ખુલાસો 1 - image

અમદાવાદ,રવિવાર

ગુજરાત જાહેર સેવા આયોગમાં સીધી ઓળખાણ હોવાનું કહીને ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ પર નિમણૂંક અપાવવાનું કહીને ચાર ગઠિયાઓએ છ યુવાનો પાસેથી  સાડા ત્રણ કરોડ જેટલી રકમ પડાવીને છેતરપિંડી કરવાના મામલે ક્રાઇમબ્રાંચે  આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.  પોલીસને વટવા, માધુપુરા, મણિનગર અને મિરઝાપુરમાં આવેલી ઓફિસમાં તપાસ દરમિયાન ૫૦ જેટલી ફાઇલો મળી હતી. જેમાં તેમને વિવિધ સરકારી વિભાગમાં પોસ્ટીગ માટેની લાલચ આપીન કરોડો રૂપિયા પડાવી લીધાની શક્યતા છે. જેના આધારે પોલીસ પુછપરછ કરવા માટે નોટિસ પાઠવશે.  નિકોલમાં રહેતા યોગેશભાઇ પટેલ અને તેમના પાંચ મિત્રોને જીપીએસસી દ્વારા લાગવગથી ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ પર નિમણૂંક અપાવવાનું કહીને સાડા ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ઝડપાયેલા  મુખ્ય આરોપી જલદીપ ટેલર સહિત જીતેન્દ્ર પ્રજાપતિ,  અંકિત પંડયા અને હિતેશ સેનની ટોળકીની પુછપરછ માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા તમામના ૧૦ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

જેમાં પોલીસ આરોપીઓ અને ભોગ બનનાર યુવકોને સાથે રાખીને પુછપરછ કરવા ઉપરાંત, છેતરપિંડીથી લેવામાં આવેલા નાણાં ક્યાં રોક્યા છે? આ ઉપરાંત, તેમની સાથે સરકારી વિભાગનો કોઇ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહી? તેમજ આ કેસમાં ટોળકી દ્વારા ભોગ બનનારની સંખ્યા વધી શકે છે. આમ, કૌભાંડમાં છેતરપિંડીનો આંક કરોડો રૂપિયાનો  થઇ શકે છે.  તે તમામ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ મુખ્ય જલદીપ પટેલ અને જીતેન્દ્ર પ્રજાપતિની વટવા, મિરઝાપુર , મણિનગર સહિતના વિસ્તારમાં આવેલી ઓફિસમાં  તપાસ કરતા ૫૦ જેટલા યુવાનોની વિગતો સાથેની ફાઇલો મળી આવી હતી. જેમને સરકારી નોકરીની લાલચ આપીને આરોપીઓએ કરોડો રૂપિયાની માતબર રકમ પડાવી હોવાની શક્યતા છે. જેથી પોલીસ તમામને નિવેદન માટે બોલાવીને કેસની તપાસ કરશે.



Google NewsGoogle News