ટેક્સી બુક કરાવવાથી માંડીને હોટલોમાં જમવા જતા ગઠિયા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

કેન્દ્રીય એજન્સીના અધિકારીની ઓળખ આપતો હતો

છેલ્લાં પાંચ વર્ષથી ફુડ વિભાગના અધિકારીના નામે હોટલોમાંથી પાર્સલ મંગાવતો હતોઃ એમએમસીના ફુડ ઇન્સ્પેક્ટરની ફરિયાદને આધારે કાર્યવાહી

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
ટેક્સી બુક કરાવવાથી માંડીને હોટલોમાં જમવા જતા ગઠિયા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ 1 - image

અમદાવાદ,બુધવાર

થોડા મહિનાઓ પહેલા કિરણ પટેલ નો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં તે પીએમઓના નામે કાશ્મીરમાં જઇને ફરવા જતો હતો અને અનેક લોકોને નોકરી અપાવવાનું કે બદલી કરાવવાનું કહીને કરોડો રૂપિયા પડાવતો હતો. ત્યારે અમદાવાદમાં કિરણ પટેલની માફક છેતરપિંડી કરતા વધુ એક વ્યક્તિનો ભાંડો ફુટયો છે. બોપલમાં રહેતા રૂપેશ દોષી નામનો વ્યક્તિ છેલ્લાં પાંચ વર્ષથી સીબીઆઇ, ઇડી કે અન્ય કેન્દ્રીય એજન્સીના અધિકારીના નામે કરીને ટેક્ષી બુક કરાવતો હતો અને ફુડ વિભાગના અધિકારીની ઓળખ આપીને શહેરની અનેક નામાંકિત હોટલોમાંથી પાર્સલ મંગાવતો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ ઇન્સ્પેક્ટરના ધ્યાનમાં સમગ્ર બાબત આવતા તેમણે અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં ગુનો નોંધાવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગના ફુડ ઇન્સ્પેક્ટરને અમદાવાદની કેટલીક હોટલોના સંચાલકોએ માહિતી આપી હતી કે  બોપલમાં આવેલા મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતો રૂપેશ દોશી નામનો વ્યક્તિ પોતાને પોતાને ફુડ વિભાગનો ઉચ્ચ અધિકારી કહીને અનેક વાર પાર્સલ મંગાવે છે અને પરિવાર સાથે  આવીને જમીને હજારો રૂપિયાનું બીલ ચુકવતો નથી. જેથી આ અંગે ખાનગીમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે તે સીબીઆઇ, ઇડી અને અન્ય કેન્દ્રીય એજન્સીઓમાં અધિકારી હોવાનું કહીને અનેક લોકોને કોન્ટ્રાક્ટ  કે ટેન્ડર અપાવવાનું કહીને તેમની  પાસે અમદાવાદ-ગાંધીનગર  આવવા જવા માટે ટેક્ષી પણ બુક કરાવતો હતો.  જેમાં તેણે અનેકવાર એરપોર્ટથી કોલ કરીને ટેક્ષી બુક કરાવી હતી. ઉપરાંત, એએમસીના કેટલાંક અધિકારીઓને પોતે કેન્દ્ર સરકારમાં મોટા હોદા પર હોવાનું ગેરમાર્ગે દોર્યા હતા. આમ , અનેક ચોંકાવનારી બાબતો સામે આવતા બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ ક્રાઇમબ્રાંચ ખાતે રૂપેશ દોશી વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આ અંગે એસીપી ભરત પટેલે જણાવ્યું કે આરોપીને પકડવા માટે પોલીસની વિવિધ ટીમને સક્રિય કરવામાં આવી છે. હાલ કેટલાંક મહત્વના પુરાવાને આધારે તેની ધરપકડ બાદ પુછપરછ કરતા બીજી વિગતો જાણી શકાશે.


Google NewsGoogle News