૧૬૦ કિમીમાં ૫૭૦ સીસીટીવીનું સર્વલન્સ કરી ચાર ગુનાના ભેદ ઉકેલ્યા
અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમની કામગીરી
શહેરમાં કારના કાચ તોડી ચોરી, લૂંટ સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા મુખ્ય સુત્રધારને ઝડપી લેવાયો
અમદાવાદ,રવિવાર
શહેરમાં કારના કાચ તોડીને ચોરી કરવાના અને આંગડિયા પેઢીથી જતા વ્યક્તિનો પીછો કરીને રોકડની લૂંટ કરતી ગેંગના મુખ્ય સુત્રધારને ઝડપી લેવામાં ક્રાઇમબ્રાંચને સફળતા મળી છે. આ માટે પોલીસની અલગ અલગ ટીમ સતત ૨૫ દિવસ સુધી ૧૬૦ કિલોમીટરના વિસ્તારમાં ૫૭૦થી વધુ સીસીટીવી ફુટેજ તપાસ કરીને લૂંટ-ચોરી કરતા ગેંગના મુખ્ય સાગરિતને ઝડપીને સાત લાખની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શહેરમાં છેલ્લાં ઘણા સમયથી કારના કાચ તોડીને કે સ્કૂટરની ડેકી તોડીને ચોરી થવાના તેમજ રસ્તામાં અકસ્માત થયો છે તેમ કહીને રોકડની લૂંટ થવાના કિસ્સામાં વધારો થયો હતો. જે અનુસંધાનમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર બી વી આલ અને તેમના સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં કેટલીક સ્થળે બનેલી ઘટનાના સીસીટીવી ફુટેજને આધારે ગુનો આચરતી ગેંગને પકડવા માટે કવાયત કરવામાં આવી હતી. આ માટે પોલીસે સતત ૨૫ દિવસ સુધી અમદાવાદ શહેર, ગ્રામ્ય અને ખેડા જિલ્લા સુધીના ૧૬૦ કિલોમીટરના રસ્તા સુધી અંદાજે ૫૭૦ જેટલા સીસીટીવી તપાસીને આ ગુનામાં સંડોવાયેલી ગેંગની માહિતી મેળવી હતી. જે બાદ ગેંગના મુખ્ય સુત્રધાર વિશાસ તવવાણી (રહે.વિક્ટોરિયા હેવન, હંસપુરા રોડ, નવા નરોડા)ને ૫૦ હજારની રોકડ , સ્કૂટર સહિત કુલ ૧.૧૦ લાખની મત્તા સાથે ઝડપી લીધો હતો. પોલીસે વધુ તપાસ કરતા તેની પાસેથી સાડા છ લાખની રોકડ મળી આવી હતી. ઝડપાયેલો આરોપીએ છારાનગરમાં રહેતા રોજનીશ ગુમાનેકર , નકુલ તંમચે સહિતના સાગરિતો સાથે મળીને ઓઢવ, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને સોલા હાઇકોર્ટ પોલીસની હદમાં નોંધાયેલા ચાર ગુનામાં કુલ ૨૮ લાખનો મુદ્દામાલ લૂંટ કર્યો હતો. આ ઉપરાંત, અન્ય નવ ગુનામાં પણ આરોપીની સંડોવણી બહાર આવી છે.