જજીસ બંગલો નજીક અક્ષરધામ ફ્લેટમાંથી ક્રિકેટ સટ્ટાનું કૌભાંડ ઝડપાયું
લાખો રૂપિયાનો ક્રિકેટ સટ્ટો બુક થતો હતો
રાધે એક્સચેંજ નામના બુકી પાસેથી આઇડી મેળવીને બુકી વિવિધ મેચ પર સટ્ટાનું નેટવર્ક ચલાવતો હતો
અમદાવાદ
સેટેલાઇટ જજીસ બંગલો સામે આવેલા અક્ષરધામ ફ્લેટમાં ક્રાઇમબ્રાંચે દરોડો પાડીને ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ધરાવતા તુષાર ઠક્કર નામના બુકીને ઝડપી લીધો હતો. ટી-૨૦ વર્લ્ડ કપ તેમજ વિશ્વમાં અન્ય સ્થળોએ રમાતી વિવિધ મેચ પર મહિનાઓથી સટ્ટો રમાડતો હતો. બુકીની પુછપરછમાં અનેક વિગતો બહાર આવવાની શક્યતાને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. ક્રાઇમબ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે સેટેલાઇટ જજીસ બંગલો સામે આવેલા અક્ષરધામ એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ ભાડે રાખીને એક વ્યક્તિ મોટાપાયે ક્રિકેટ સટ્ટો રમાડે છે. જે બાતમીના આધારે શનિવારે બપોરના સમયે દરોડો પાડયો હતો. જેમાં તુષાર ઠક્કર નામનો વ્યક્તિ મળી આવ્યો હતો. જેના મોબાઇલમાં તપાસ કરતા ક્રિકેટ સટ્ટા માટે રાધેએક્સચેંજ નામની સાઇટ પરથી લોગઇન કરીને તેમાંથી વિવિધ મેચ પર સટ્ટો બુક કરતો હતો. પોલીસ તેના લોગઇન આઇડીમાંથી ૧૦ લાખથી વધારાનું બેલેન્સ મળી આવ્યું હતું. તેમજ વિવિધ સટ્ટોડિયાઓના નામ અને મોબાઇલ નંબર પણ મળી આવ્યા હતા. જે વોટ્સ એપ અને ટેલીગ્રામ જેવી એપથી સટ્ટો બુક કરાવીને નાણાં પોતાના એકાઉન્ટમાં જમા કરાવતો હતો. રાધેએક્સચેંજમાં સંતોષ નામના વ્યક્તિ પાસેથી તેણે આઇડી મેળવ્યું હતું. જે અંગે ક્રાઇમબ્રાંચે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.