કિંમતી લાલ ચંદનના વાવેલા છોડ ગાય-ભેંસ ચરી ગઇ : ગાયો-ભેંસો ભેલાણ કરતી જોવા મળી : રખેવાળને કહેતા ધમકી આપી
Cows grazed red sandalwood plants in vadodara : વડોદરા પાસે મંજૂસર પોલીસ મથકની હદમાં ખેડુતે કિંમતી લાલ ચંદન અને સાગના છોડ વાવ્યા હતા. જેની દેખરેખ માટે પાકી ફેન્સીંગ પણ લગાડવામાં આવી હતી. ત્યારે છોડની સ્થિતી જાણવા જતા ફેન્સીંગ કપાયેલી જોવા મળતા ખેડુત ચોંક્યા હતા. અંદર જઇ જોતા 200 જેટલી ગાયો-ભેંસો ભેલાણ કરતી જોવા મળી હતી. આ અંગે રખેવાળને કહેતા તેણે ધમકી આપી હતી. આખરે ઉપરોક્ત મામલે મંજૂસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
મંજૂસર પોલીસ મથકમાં ચંદ્રકાંત લવજીભાઇ માંડકણા (રહે. ચંપાબા ફાર્મ, છાણી)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ખેતી અને વેપાર સાથે સંકાયેલા છે. આસોજ ખાતે આવેલી જમીનમાં લાલ ચંદન અને સાગનું વાવેતર કર્યું છે. તેઓ બપોરે ખેતરમાં ચક્કર મારવા જાય છે. ત્યારે ખેતરમાં 200 જેટલી ગાયો-ભેંસો ફેન્સીંગ તોડીને ભેલાણ કરતી નજરે પડે છે. લાલ ચંદન અને સાગના છોડને નુકશાન પહોંચે છે. જેથી પાસેના રબારીને કહ્યું કે, ઢોરોને મારા ખેતરમાંથી કાઢો, ભેલાઇ થઇ રહ્યું છે. કહેતા જ શંકર રબારી, હીરા રબારી, નારાયણ રબારી, સત્યો ઉર્ફે સતિષ રબારી બોલાચાલી કરીને ઝગડો શરૂ કર્યો હતો.
રાજૂ મેલા રબારી અને અન્યએ ધમકી આપી હતી કે, તારાથી થાય તે કરી લે. જે બાદ મારી નાંખવાની ધમકી આપી હતી. સાંજે ફરીથી ખેતરમાં જઇ જોતા લાલ ચંદન અને સાગના છોડનું રૂ.2.10 લાખનું નુકશાન થયાનું ધ્યાને આવ્યું હતુ. નોંધાયેલી ફરિયાદના આધારે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. આરોપીઓ શંકર રબારી, હીરા રબારી, નારાયણ રબારી અને સત્યો ઉર્ફે સતિષ રબારી (તમામ રહે. સોખડા) સામે મંજૂસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.