કોર્ટ દ્વારા આરોપી પિતા અને પુત્રની જામીન અરજી નામંજૂર કરવામાં આવી
મિરઝાપુરમાં યુવકને છરીના ૪૦ ઘા ઝીંકીને હત્યા કરવાનો મામલો
વસીમખાન સૈયદે રેગ્યુલર જામીન અરજી મુકી હતીઃ ૭૫ વર્ષીય કરીમખાન સૈયદે ૧૫ દિવસની જામીન માટે એપ્લેીકેશન ફાઇલ કરી હતીઃ જામીન પર છુટીને આરોપીઓ ફરિયાદી પક્ષને નુકશાન પહોંચાડી શકે છે તેવી દલીલ ફરિયાદી પક્ષ દ્વારા કરવામાં આવી
અમદાવાદ,
શુક્રવાર
શહેરના મિરઝાપુરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે પિતા અને તેના
ત્રણ માથાભારે પુત્રોએ ધંધાકીય અદાવત રાખીને
મોહંમદ બિલાલ નામના યુવકને છરી તેમજ હથિયારોના ૪૦ જેટલા ઘા ઝીંકીેને મોતને ઘાટ
ઉતાર્યો હતો. જે કેસમાં શાહપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને ચારેય આરોપીઓની ધરપકડ કરી
હતી. છેલ્લાં આઠ મહિનાથી જેલમાં રહેલા આરોપીઓએ
જામીન અરજી મુકી હતી. જે અગાઉ ના મંજૂર કરવામાં આવી હતી. ત્યારે આરોપી કરીમખાન સૈયદ
સામાજીક પ્રસંગ માટે ૧૫ દિવસની જામીન અરજી મુકી હતી. તેમજ તેના પુત્ર વસીમખાને રેગ્યુલર
જામીન અરજી મુકી હતી. જે વધુ એકવાર કોર્ટ દ્વારા
નામંજૂર કરવામાં આવી હતી.
શાહપુરમાં રહેતા મોહંમદ બિલાલ બેલીમ પર ધંધાકીય અદાવતમાં કરીમખાન સૈયદ અને તેમના પુત્ર મોહસીન, ઇમરાન અને વસીમે સાથે મળીને હુમલો કરીને છરી અને હથિયારના ૪૦ જેટલા ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જે કેસમાં શાહપુર પોલીસે મોહંમદ અરબાઝની ફરિયાદને આધારે કરીમખાન અને તેના ત્રણેય પુત્રોની ધરપકડ કરીને જરૂરી તપાસ બાદ સાબરમતી જેલમાં જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જેલમાંથી છુટકારો મેળવવા માટે કરીમખાન અને તેના ત્રણેય પુત્રો દ્વારા અગાઉ અલગ અલગ કારણ આપીને જામીન અરજી કરવામા ંઆવી હતી. જો કે તે નામંજુર કરવામાં આવી હતી. એટલું જ નહી આરોપીઓએ જેલમાંથી ફોન કરીને ફરિયાદીને ધમકી પણ આપી હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેની કોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી. બીજી તરફ આ કેસના આરોપી કરીમખાન ૧૫ દિવસની જામીન અરજી મુકી હતી. જેમાં તેમના ભાઇના અવસાનના ૪૦ દિવસની વિધીમાં હાજરી માટેનું કારણ આપવામાં આવ્યું હતું. પરતુ, અગાઉ બે વાર રેગ્યુલર જામીન અરજી રીજેક્ટ કરવામાં આવેી હતી. જેમાં એક અરજી હાઇકોર્ટ દ્વારા રીજેક્ટ કરવામાં આવી હતી. જો કે કોર્ટે વધુ એક વાર જામીન અરજી નકારી કાઢી હતી.આ ઉપરાંત, વસીમખાને પારિવારિક જવાબદારીનું કારણ આપીને રેગ્યુલર જામીન અરજી મુકી હતી. સાથેસાથે દાવો કર્યો હતો કે તે ઘટના સ્થળે હાજર નહોતો. પરંતુ, ફરિયાદી પક્ષે દલીલ કરી હતી કે સાક્ષીઓએ આરોપીને સ્થળ જોયો છે અને જેના નિવેદનો પણ નોંધાયા છે. જેથી આરોપીની સ્થળ પરની હાજરીને જોતા તેમજ જામીન બાદ ફરિયાદી પક્ષ પર જોખમ રહે તેવી શક્યતા છે. જે બાબતને ધ્યાનમાં રાખીને વસીમખાનની જામીન અરજી પણ નકારી કાઢવામાં આવી હતી. આમ, હત્યા કેસના આરોપીઓની જામીન અરજી વધુ એકવાર નામંજુર થઇ છે.