વડોદરામાં જંત્રીના દરોમાં વિરોધાભાસ જે.પી. રોડના ૪૦ મીટરના તેમજ ૧૨ મીટરના રોડ પર એક જ જંત્રીનો દર
મુખ્ય રોડ અને આંતરિક રોડ પરની કોમર્શિયલ અથવા રેસિડેન્સિયલ મિલકત માટેના દર એકસરખાથી આશ્ચર્ય
વડોદરા, તા.24 રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીના દરો જો અમલમાં આવશે તો મિલકત કે જમીન ખરીદવાનું અત્યંત મોંઘુ થઇ જશે. નવી જંત્રીની કરામત જોઇએ તો શહેરના ૪૦ મીટર પહોળા જે.પી.રોડ પર જે જંત્રીનો ભાવ સૂચવ્યો છે તે જ ભાવ આ રોડ પર આંતરિક ૧૨ મીટરના રોડ પરની મિલકતનો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે જાહેર કરેલા જંત્રીના નવા ડ્રાફ્ટ દરોમાં ધરખમ વધારો કરી દેવાયો છે. રાજ્યની નવી મુસદ્દારૃપ જાહેર કરેલી નવી જંત્રી માટે સૂચનો, રજૂઆતો તા.૨૦ ડિસેમ્બર સુધી મંગાવવામાં આવ્યા છે. જો નવી જંત્રી અંગે સરકાર સમક્ષ સાચી હકીકત રજૂ કરવામાં નહી આવે તો ઊંચી જંત્રીનો અમલ કરી દેવામાં આવે તેવી શક્યતા છે.
સરકાર દ્વારા નવી જાહેર કરેલી જંત્રીના સૂચિત દરો પર નજર નાંખીએ તો શહેરના સૌથી વિકસિત અને પહોળા જે.પી. રોડ પર વર્ષ-૨૦૧૧માં પ્રતિ ચો.મી. જંત્રીનો દર રૃા.૧૯૫૦૦ હતો જેમાં વધારો કરીને હવે રૃા.૮૧૦૦૦ સૂચવવામાં આવ્યો છે. જે.પી. રોડ ૪૦ મીટર પહોળો છે. આ જ રોડ પરના આંતરિક ૧૨ મીટરના રોડ પર આવેલી મિલકતોની જંત્રીના દરો ખરેખર ઓછા હોવા જોઇએ તેના બદલે જંત્રીના દરો રૃા.૮૧૦૦૦ સૂચવ્યા છે.
જંત્રીના દરો નિશ્ચિત કરવા માટે સાયન્ટિફિક સર્વે કરવામાં આવ્યો છે તેવો દાવો કરાયો છે પરંતુ અનેક સ્થળે થયેલા સર્વેમાં ક્ષતિઓ હોવાનું ડેવલોપર્સ માની રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં જંત્રીનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં તેમાં સુધારો કરવા માટે રજૂઆતો કરાશે.
મોલ અને બે રૃમ રસોડાના ટેનામેન્ટ માટે એક જ જંત્રીનો દર
વડોદરાની જંત્રીના સૂચિત દરો ખૂબ જ ઊંચા હોવા અંગે અત્યારથી જ વિરોધ વંટોળ થવા લાગ્યો છે. જે.પી. રોડ ૪૦ મીટર પહોળો છે, આ રોડ પર મોલ અથવા કોઇ મોટા શોરૃમ માટેના જંત્રીના જે દરો લાગુ પડતાં હોય છે તે જ દરો હવે આંતરિક ૧૨ મીટરના રોડ પર આવેલ રહેણાંક મકાનો માટે લાગુ પડી શકે છે. ટૂંકમાં જંત્રીના જે દર મોલ માટે વસૂલાતા હોય તે જ દર બે રૃમ રસોડાના ટેનામેન્ટ માટે પણ વસૂલાશે.
અમદાવાદના બોડકદેવ, વસ્ત્રાપુર, પાલડી જેટલા જ વડોદરાના જે.પી. રોડની મિલકતોના જંત્રીના દર
વડોદરામાં જંત્રીના દરો પર જો નજર નાંખવામાં આવે તો અમદાવાદના સૌથી વિકસિત વિસ્તારો માટે જેટલી જંત્રી સૂચિત કરવામાં આવી છે તેટલી જ જંત્રી વડોદરાના અનેક વિસ્તારો માટે સૂચિત કરાઇ છે. અમદાવાદ એક મેટ્રો સિટિ તરીકે ઊભરી આવ્યું છે જ્યારે વડોદરા હજી ધીમી ગતિએ આગળ વધે છે પરંતુ જંત્રીના દરો જો ઊંચા જશે તો તેના વિકાસને ચોક્કસ અસર પડશે.
અમદાવાદના બોડકદેવ, વસ્ત્રાપુર, પાલડી જેવા વિસ્તારોના જંત્રીના દરો જે.પી. રોડ પરની મિલકતોના દરો સૂચવવામાં આવ્યા છે તેટલાં જ છે. અમદાવાદના મકરબા વિસ્તાર કરતાં પણ વધારે જંત્રીનો દર જે.પી. રોડ માટે વસૂલવાનું સૂચવાયું છે. અમદાવાદમાં બે કરોડથી વધુ કિંમતના ફ્લેટોના અનેક પ્રોજેક્ટો છે અને તેના વેચાણ પણ થઇ રહ્યા છે જ્યારે વડોદરામાં એક કરોડના ફ્લેટ માંડ માંડ વેચાણ થતા હોય છે.
નવી શરતની જમીનોનું પ્રીમિયમ પણ વધી જશે
રાજ્ય સરકાર દ્વારા સંભવિત વર્ષ-૨૦૨૫થી અમલમાં આવનારી નવી જંત્રીના દરો માટે હાલમાં મુસદ્દારૃપ જંત્રી જાહેર કરવામાં આવી છે. આ જંત્રી મુજબ રહેણાંક તેમજ કોમર્શિયલ મિલકતોની જંત્રીના દરો વડોદરામાં ૨૦૦થી ૨૦૦૦ ટકા જેટલા વધવાના જ છે પરંતુ તેની સાથે નવી શરતની જમીનોનું પ્રીમિયમનો દર પણ ઊંચો જશે. પ્રીમિયમના દરોની અસર સીધી ખેડૂતોને થશે.